અબતક,રાજકોટઃ ગામડામાં રહેતા લોકોની સમસ્યા વહેલી તકે તંત્રને મળી રહે તથા તમામ યોજનાઓની માહિતી આંગળીના ટેરવે મળી રહે તેવા શુભાશ્રય સાથે રાજકોટ જિલ્લા પંચાયતની ‘પ્રજાના પ્રશ્ર્નો’ એપ્લીકેશનનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે લોન્ચીંગ કરવામાં આવ્યું હતુ. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ જીલ્લા પંચાયત દ્વારા વિકસાવવામાં આવેલી ‘પ્રજાના પ્રશ્નો’ નામની મોબાઈલ એપનું ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા લોન્ચિંગ કર્યું હતું.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ સેવા અભિગમ માટે જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદર અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રીએ રાજકોટ જિલ્લા પંચાયત અને જિલ્લા પંચાયત પ્રમુખની આ પહેલને રાજ્યની અન્ય જિલ્લા પંચાયતો માટે પ્રેરણારૂપ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, શહેરથી માંડીને ગ્રામીણ વિસ્તારો સુધીના દરેક નાગરિકને આજના ટેક્નોલોજીના યુગમાં નાગરિક કેન્દ્રી સેવાઓ ઓનલાઇન મળી રહે તે સમયની માંગ છે. રાજકોટ જિલ્લા પંચાયતનું આ કદમ તે દિશામાં રાઈટ જોબ એટ રાઈટ ટાઈમ છે. મુખ્યમંત્રી વધુમાં કહ્યું કે, પ્રજાભિમુખ વહીવટ સાથે ત્વરિત પ્રશ્નોનો નિકાલ અને ભ્રષ્ટાચાર મુક્ત વ્યવસ્થાઓ માટેનો આ અભિગમ પ્રજાની અપેક્ષા આકાંક્ષા પૂર્ણ કરશે
હવે ખાસ તો ગામડાના જે પ્રશ્ર્નો અને ફરિયાદો છે તે આ ‘પ્રજાના પ્રશ્ર્નો’ એપ દ્વારા હલ થઇ શકશે. ગામડાના નાના-મોટા પ્રશ્ર્નો તેમજ અસુવિધા બાબતે લોકો હવે સીધા જ હવે આ એપમાં ફરિયાદ નોંધાવી શકશે અને આ ફરિયાદના આધારે તાત્કાલિક પ્રશ્ર્નનો નીકાલ થાય તેવો પ્રયાસ જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવશે. જો કે જિલ્લા પંચાયત પાસેથી વહીવટી અને બીજા અન્ય કામો છીનવાઇને કલેક્ટર કચેરી પાસે જઇ ચુકયા છે જેથી હવે જિલ્લા પંચાયતના કામો દેખાડવા આ એપ ખૂબજ ઉપયોગી બનશે.
રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પદે સત્તારૂઢ થયા બાદ ભૂપતભાઈ બોદરે પ્રજાલક્ષી કામગીરીને જ પ્રથમ પ્રાધાન્ય આપ્યું છે. તેઓ નિયમિત પણે જિલ્લાના અલગ અલગ ગામોની મૂલાકાત લઈ રહ્યા છે. અને લોકોની સમસ્યા હલ કરવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. સામાન્ય કે મોટી ફરિયાદ કરવા માટે જિલ્લાના નાગરિકોએ ફરિયાદ કરવા માટે પંચાયત કચેરી સુધી લાંબુ થવું પડે તે માટે પંચાયત દ્વારા મહત્વકાંક્ષી એવી નપ્રજાના પ્રશ્ર્નોથ નામે અકે એપ્લીકેશન બનાવવામાં આવી છે. જેનું આજે સવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે વર્ચ્યુઅલ લોન્ચીંગ લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.
આ એપ્લીકેશન દ્વારા જિલ્લા પંચાયત અને ગ્રામ પંચાયતો વચ્ચે સિધો સંવાદ પણ સરળતાથી થઈ શકશે આ ઉપરાંત લોકો આંગળીના ઠેરવે પોતાની ફરિયાદો અને તક્લીફો તંત્ર સુધી પહોચાડી શકશે આ એપ્લીકેશન મારફત પ્રજાને વિવિધ સરકારી યોજનાની માહિતી પણ સરળતાથી મળી રહેશે. રાજયમાં સૌ પ્રથમ રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા આ પ્રકારની નવતર એપ્લીકેશન કાર્યરત કરવામાં આવી છે. જેનાથી પ્રજાની મુશ્કેલી અને સમસ્યાઓ દૂર કરવામાં આવશે.
જિલ્લા પંચાયતનાં પ્રમુખ ભુપતભાઈ બોદર સતત સક્રિયતાથી લોકોની સમસ્યા હલ કરવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હાલના હાઈટેક યુગમાં સરકારી તંત્રને પણ હાઈટેક બનાવવાનાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આજે સવારે રાજકોટ જિલ્લા પંચાયતની ‘પ્રજાના પ્રશ્ર્નો’ એપ્લીકેશનનું લોન્ચીંગ કરવામાં આવ્યું.