વાવણીલાયક વરસાદ વરસી ગયા બાદ મેઘરાજાએ મોઢુ ફેરવી લેતા સૌરાષ્ટ્રમાં વાવણી નિષ્ફળ જાય તેવી ભીતિ ઉભી થવા પામી છે. દરમિયાન રાજ્યમાં સંતોષકારક અને શ્રીકાર વર્ષા પડે તેવી એકપણ સીસ્ટમ હાલ સક્રિય નથી. સારા વરસાદ માટે હજુ 10 દિવસ ઈંતેજાર કરવો પડશે. જો બ્રેક મોન્સુન લંબાશે તો સ્થિતિ વધુ ચિંતાજનક બને તેવી દહેશત પણ ઉભી થવા પામી છે. લોકલ ફોર્મેશનના કારણે છુટા છવાયા વિસ્તારમાં સામાન્ય વરસાદ વરશે તેવી શકયતા જણાય રહી છે.
રાજ્યમાં સંતોષકારક વરસાદ પડે તેવી એકપણ સિસ્ટમ હાલ સક્રિય નથી: બ્રેક મોન્સુન લંબાશે તો સ્થિતિ વધુ વિકટ બનશે
હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર ગુજરાતમાં હાલ ચોમાસુ અટકી ગયું છે અને બ્રેક મોન્સુન ચાલી રહ્યું છે. આગામી 10 દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રીક વરસાદ પડે તેવી કોઈ જ સંભાવના નથી. હાલ વરસાદની એકપણ સીસ્ટમ સક્રિય ન હોય લોકલ ફોર્મેશનના કારણે છુટા છવાયા વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જુન માસમાં ચોમાસાના વહેલુ આગમન થઈ જવા પામ્યું હતું અને વાવણીલાયક વરસાદ વરસી જતાં સૌરાષ્ટ્રમાં મોટાભાગના વિસ્તારમાં ખેડૂતોએ વાવણી કરી દીધી છે અને હવે મેઘમહેરની વાટ જોઈ રહ્યાં છે.
જુન માસમાં 50 ટકા વરસાદની ઘટના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. આવામાં ચોમાસાની આગળ વધવાની પ્રક્રિયા અટકી જવા પામી છે અને હાલ બ્રેક મોન્સુન પીરીયડ ચાલી રહ્યો છે. 10 દિવસ સુધી સાર્વત્રીક વરસાદની કોઈ જ સંભાવના નથી.જો વરસાદ ખેંચાશે તો રાજ્યભરમાં વાવણી નિષ્ફળ જશે અને અનેક વિસ્તારોમાં પીવાના પાણીની પણ કટોકટી સર્જાય તેવી સંભાવના જણાય રહી છે. ચોમાસાના વહેલા આગમન બાદ મેઘરાજાએ મોંઢુ ફેરવી લેતા હવે દિન-પ્રતિદિન ખેડૂતોની સ્થિતિ કથળી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના માત્ર 6 જિલ્લામાં હળવા ઝાપટાથી લઈ 8 મીમી સુધી વરસાદ વરસ્યો હતો. વરસાદ ખેંચાવાના કારણે તાપમાનનો પારો પણ સતત ઉંચકાઈ રહ્યો છે.