ગુજરાત 2036માં યોજાનારા ઓલિમ્પિકની યજમાન માટે સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે. ઓલિમ્પિકની યજમાની કરી ગુજરાત સમગ્ર વિશ્ર્વમાં ડંકો વગાડી દેશે તેવા સમાચાર ‘અબતક’ દૈનિકમાં ગઈકાલે પ્રસિધ્ધ કરાયાના બીજા જ દિવસે રમત-ગમત જગતમાંથી મીઠા વાવડ પ્રાપ્ત થઈ રહ્યાં છે.
અમદાવાદની 21 વર્ષિય માના પટેલ આગામી 23મી જુલાઈથી ટોકીયોમાં શરૂ થનારી ઓલિમ્પિક માટે ક્વોલીફાય થઈ ગઈ છે. આજે સવારે કેન્દ્રીય રમત-ગમત મંત્રી કિરણ રિજીજુએ આ અંગે ટવીટર પર માહિતી આપી માનાને અભિનંદન પાઠવ્યા છે. ઓલિમ્પિકમાં ક્વોલીફાય થનારી પ્રથમ મહિલા માનાએ ગુજરાતમાં ઓલિમ્પિક માટેના દ્વાર ખોલી નાખ્યા હોય તેવા એંધાણો વર્તાઈ રહ્યાં છે.
ગુજરાત ઓલિમ્પિકની યજમાની કરી વિશ્ર્વમાં ડંકો વગાડશે તેવા ‘અબતક’માં પ્રસિધ્ધ થયેલા અહેવાલના બીજા જ દિવસે મીઠા વાવડ
ઓલિમ્પિકમાં 100 મીટર બેક સ્ટોક ઈવેન્ટમાં ભાગ લેશે: કેન્દ્રિય રમત ગમત મંત્રી કિરણ રિજીજુએ ટ્વીટર પર માહિતી આપી અભિનંદન પાઠવ્યા
ઓલિમ્પિકમાં ક્વોલીફાય થનારી પ્રથમ મહિલા બનતી માના પટેલે ગુજરાતમાં ઓલિમ્પિક માટેના દ્વાર પણ ખોલ્યા હોય તેવા સુખદ આસાર
ગુજરાતમાં ઓલિમ્પિક પૂર્વે ઓલિમ્પિકમાં ગુજરાત
18 માર્ચ 2000ના રોજ અમદાવાદમાં જન્મેલી માના સ્વીમીંગ ક્ષેત્રે બહુ મોટુ નામ ધરાવે છે. તેને આંતરરાષ્ટ્રીય લેવલે 25 મેડલ જ્યારે સ્ટેટ અને નેશનલ લેવલે 180થી વધુ મેડલો પ્રાપ્ત કર્યા છે. જાપાનના ટોકીયોમાં રમાનારી ઓલિમ્પિક ગેમમાં ભાગ લેવા માટે અમદાવાદની માના પટેલને નોમીનેટ કરવામાં આવી હતી. આ ઉપરાંત ઓલિમ્પિક માટે ગુજરાતની અન્ય 1 મહિલા ટેનીસ સ્ટાર અંકિતા રેનાને પણ નોમીનેટ કરવામાં આવી હતી.
આજે સવારે કેન્દ્રીય રમત-ગમત મંત્રી કિરણ રિજીજુએ ટવીટર પર એવી માહિતી આપી છે કે, ટોકીયોમાં 23 જુલાઈથી શરૂ થતી ઓલિમ્પિક-2021માં 100 મીટર બેક સ્ટોક સ્વીમીંગ ઈવેન્ટ માટે અમદાવાદની માના પટેલ ક્વોલીફાય થઈ ગઈ છે. તેઓએ માનાને અભિનંદન પણ પાઠવ્યા હતા. ઓલિમ્પિક માટે પસંદ થનારી માના પટેલ માટે ગુજરાતની પ્રથમ સ્વીમર છે. તેઓએ પસંદગી બાદ મીડીયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ઓલિમ્પિક તેનું લક્ષ્ય હતુ જે આખરે પૂર્ણ થયું છે.
શરૂઆતના તબક્કામાં માનાની ઓલિમ્પિકની પસંદગી થવા પામી ન હતી અને તેને પોતાનો સ્કોર સુધારવાનો હતો. તે દરમિયાન ઈટાલીમાં યોજાયેલી બેક સ્ટ્રોક સ્વીમીંગમાં તેને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી ભારતનો શ્રેષ્ઠ સ્કોર ર્ક્યો હતો. ઓલિમ્પિક સુધી પહોંચવા માટે માનાએ અનેક સંઘર્ષો કર્યા છે. સવાર અને સાંજે 2-2 કલાક સ્વીમીંગ કરવા ઉપરાંત શરીરને ચુસ્ત રાખવા માટે પણ પરસેવો પાડ્યો છે.
માનાએ 8 વર્ષની ઉંમરથી જ તરવાનું શરૂ કરી દીધુ હતું અને તે જ્યારે 13 વર્ષની હતી ત્યારે હૈદરાબાદમાં યોજાયેલી જુનીયર નેશનલ એથ્લેટીક ચેમ્પિયનશીપમાં 3 રેકોર્ડ તોડ્યા હતા. આ ઉપરાંત નેશનલ ગેમમાં 50 મીટર બેક સ્ટોક અને 100 મીટર બેક સ્ટોકમાં તેણે ગોલ્ડ મેડલ જીત્યા હતા.
આ ઉપરાંત માના ઓલિમ્પિક ગોલ્ડ સ્કેટ દ્વારા પસંદ થનાર પ્રથમ તરણવીર છે. હૈદરાબાદની 100 મીટર જુનીયર રાષ્ટ્રીય એથ્લેટીકમાં પણ 3 રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યા હતા. 2009માં ટોક્ીયો ખાતે યોજાયેલી એશિયન એજ ગ્રુપ ચેમ્પીયનશીપમાં તેણે શીખા ટંડનનો રેકોર્ડ તોડ્યો હતો. નેશનલ ચેમ્પીયનશીપમાં 5 વખત ઓવરઓલ બેસ્ટ સ્વીમરનો ખીતાબ જીત્યો જેમાં નેશનલ સ્વીમરમાં તેનો સમાવેશ થાય છે. ગુજરાતીઓ ઓલિમ્પિક માટે પસંદ થતાં નથી તે મહેણુ માના પટેલે ભાંગી નાખ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ‘અબતક’ દૈનિક દ્વારા એવા અહેવાલ પ્રસિધ્ધ કરવામાં આવ્યા હતા કે, વર્ષ 2036માં યોજાનારી ઓલિમ્પિકની યજમાની કરી ગુજરાત વિશ્ર્વમાં ડંકો વગાડી દેશે. ગુજરાતમાં ઓલિમ્પિક યોજાય તે માટે વિવિધ એજન્સીઓ રસ દાખવી રહી છે. માના પટેલે ટોકીયો ઓલિમ્પિકમાં ક્વોલીફાય થઈ ગુજરાતમાં 2036 માટે ઓલિમ્પિકની યજમાની જાણે વધુ આસાન બનાવી દીધી હોય તેવું લાગી રહ્યું છે.