રાજકોટમાં છેલ્લા એક સપ્તાહથી વેક્સિનેશનની અછતના કારણે વેક્સિન લેવા ઈચ્છુક શહેરીજનોને વેક્સિન માટે રોજ સેન્ટરો સુધી ધક્કા ખાવા પડે છે. દરમિયાન છેલ્લા ત્રણ દિવસથી રાજ્ય સરકાર દ્વારા રાજકોટને માત્ર કોવિશિલ્ડનો જથ્થો ફાળવવામાં આવી રહ્યો છે. જેના કારણે હવે પરિસ્થિતિ એવી થઈ છે કે, આજે કો-વેક્સિનનો ડોઝ ખલાસ થઈ ગયા હતા. વેક્સિનેશન સેન્ટરો પર સ્ટાફ અને લોકો વચ્ચે માથાકૂટની સ્થિતિ રોજીંદી બની જવા પામી છે.
વેક્સિનેશન સેન્ટરો પર ઘર્ષણની રોજીંદી બનતી પરિસ્થિતિ: પ્રથમ ડોઝ લીધાને 84 દિવસથી વધુ સમય વીત્યો છતાં હજુ બીજો ડોઝ ક્યારે મળશે તેની ચિંતામાં શહેરીજનો
આજે પણ અનેક સેન્ટરો પર અવ્યવસ્થા જેવો માહોલ જોવા મળ્યો હતો. ગઈકાલે સાંજે રાજ્ય સરકાર દ્વારા રાજકોટને કોવિશિલ્ડના 6 હજાર ડોઝ ફાળવવામાં આવ્યા હતા. જેના કારણે આજે સવારથી 30 સેન્ટરો પર કોવિશિલ્ડના ડોઝ આપવા અને બે સેન્ટરો પર કો-વેક્સિન ડોઝ આપવાની કામગીરી ચાલી રહી છે. સેન્ટરો પર માત્ર 200 ડોઝ ફાળવવામાં આવતા હોવાના કારણે માથાકૂટ અને અવ્યવસ્થા સર્જાય છે.
આજે પણ જંકશન પ્લોટ આરોગ્ય કેન્દ્ર, આકાશવાણી ચોક સ્થિત સેન્ટર ખાતે સિક્યુરીટી અને વેક્સિન લેવા આવનાર લોકો વચ્ચે ભારે ઘર્ષણ થવા પામ્યું હતું. આજે બપોરે સરકાર દ્વારા રાજકોટને કોવિશિલ્ડના વધુ 2500 ડોઝની ફાળવણી કરવામાં આવી હતી. જો કે, કો-વેક્સિનનો એકપણ ડોઝ છેલ્લા એક સપ્તાહથી ફાળવવામાં આવ્યો નથી જેને લીધે હવે કો-વેક્સિનનો જથ્થો હવે સંપૂર્ણપણે ખલાસ થઈ ગયો હોય આવતીકાલથી શહેરીજનોને કો-વેક્સિન પણ મળશે નહીં. જ્યાં સુધી સરકાર દ્વારા જરૂરીયાત મુજબ વેક્સિનનો જથ્થો ફાળવવામાં નહીં આવે ત્યાં સુધી સ્થિતિ થાળે પડશે નહીં.