જિલ્લા કલેક્શન અરુણ મહેશબાબુ ચાર્જ સંભાળતા વેંત જ એક્શન મોડમાં આવી ગયા છે. તેઓએ પ્રથમ પ્રાધાન્ય કોરોનાની ત્રીજી લહેરની તૈયારીઓને આપ્યું છે. આ સાથે તેઓએ ચાલુ પ્રોજેકટ ઉપર પણ ધ્યાન કેન્દ્રીત કર્યું છે.
સમગ્ર સૌરાષ્ટ્ર માટે મહત્વપૂર્ણ એવા બન્ને પ્રોજેકટના કામને વેગ આપવાનો નિર્ધાર
મળતી માહિતી અનુસાર જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ આવતીકાલના રોજ સવારે એઇમ્સ અને હીરાસર એરપોર્ટની સાઇટ વિઝીટ કરશે. તેઓ બન્ને મહત્વના પ્રોજેકટને બારીકાયથી નિહાળશે. આ વેળાએ સંલગ્ન વિભાગના અધિકારીઓની પણ ઉપસ્થિતિ રહેશે. તેઓ આ સાઇટ વિઝીટ વેળાએ તમામ વિગતો મેળવીને જરૂર પડ્યે અધિકારીઓને સ્થળ ઉપર જ માર્ગદર્શન આપશે.
આ સાઇટ વિઝીટ બાદ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ જિલ્લા કલેકટર કચેરી ખાતે બન્ને મહત્વના પ્રોજેકટ એઇમ્સ અને હીરાસર એરપોર્ટ અંગે સમીક્ષા બેઠક યોજશે. આ બેઠકમાં સંલગ્ન વિભાગના અધિકારીઓને બોલાવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.