ઘંટેશ્વરમાં રૂ.90 કરોડના ખર્ચે ડિસ્ટ્રિક્ટ કોર્ટના અદ્યતન બિલ્ડીંગનું રાજકોટ ડિસ્ટ્રીકટ કોર્ટનું નવું બિલ્ડીંગ રાજકોટના ઘંટેશ્વર વિસ્તારમાં વિશાળ જગ્યા પર બની રહ્યું છે. સરકાર દ્વારા આ કામગીરી માટે રૂ. 117 કરોડની તાંત્રિક મંજુરી આપવામાં આવી છે. જેના ભાગરૂપે અંદાજે રૂ. 90 કરોડના ખર્ચે બાંધકામ અને ફર્નીચર સહિત અન્ય સુવિધા સાથે આ કોર્ટ બિલ્ડીંગ તૈયાર થશે. કોર્ટ બિલ્ડીંગનું મોટા ભાગનું સિવિલ વર્ક પૂર્ણ થઇ ગયું છે અને આગામી માર્ચ 2022માં બિલ્ડીંગનું બાંધકામ તૈયાર થઈ જશે તેવો અંદાજ છે. રાજકોટના ઘંટેશ્વરમાં એફ.સી.આઇ.ના ગોડાઉન પહેલા આવેલ ડિસ્ટ્રિક્ટ કોર્ટનું કેમ્પસ 56658 ચો.મી. જમીનમાં પથરાયેલું છે.
52 કોર્ટ બેસી શકે એવી સગવડતા ધરાવતી ડિસ્ટ્રીકટ કોર્ટના બિલ્ડિંગનું બાંધકામ માર્ચ 2022માં પૂર્ણ થશે
કોર્ટ બિલ્ડિંગ ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત કુલ પાંચ માળનું બની રહ્યું છે જેમાં મકાનનુ કુલ ક્ષેત્રફળ 36520 ચો.મી.રહેશે.અત્યાર સુધીમાં કોર્ટ બીલ્ડીંગ બાંધકામમાં ચાર માળના સ્લેબની કામગીરી પૂર્ણ થઇ ચુકી છે, જ્યારે પાંચમાં માળનું આર.સી.સી. કામ પુર્ણ થવામાં છે. હાલ મોડેલ કોર્ટરૂમ પણ તૈયાર કરી લેવામાં આવ્યું છે. આ ભવનમાં 52 કોર્ટનો સમાવેશ થઇ શકે તેવી સવલત ઉભી કરવામાં આવી છે. લાયબ્રેરી તેમજ વિડીયો કોન્ફરન્સ હોલ, બાર રૂમ, ચેમ્બરો, સ્ટાફ માટે વિવિધ સુવિધા તેમજ પાર્કિંગની સુવિધા, વિકલાંગો માટે અલાયદી સવલતો સહિતનું સિવિલ વર્ક થઈ રહ્યું છે. નવી કોર્ટ બિલ્ડીંગમાં સોલાર રૂફ ટોપ ઇન્સ્ટોલ કરવા માટે પણ કાર્યવાહી ચાલી રહી છે.
વકીલો-પક્ષકારોની અગવડતાને ધ્યાને રાખીને નવું કોર્ટ બિલ્ડીંગનું કાર્ય હાથ ધરાયુ: કે.ડી.દવે (એડિશનલ ડિસ્ટ્રીકટ જજ)
રાજકોટ એડિશનલ ડિસ્ટ્રીકટ જજ કે.ડી.દવે સાહેબે ’અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ ખાતે નવું કોર્ટ સંકુલ ઉભું કરાઈ રહ્યું છે જેનું મુખ્ય કારણ છે કે, રાજકોટ ખાતે હાલ કુલ 38 કોર્ટ કાર્યરત છે જે દરેક અલગ અલગ બિલ્ડીંગમાં આવેલી છે જેના કારણે વકીલો-પક્ષકારોને ખૂબ જ તકલીફ પડતી હોય છે.
વરસાદના સમયમાં જરૂરી કાગળો લઈને એક બિલ્ડીંગમાંથી બીજા બિલ્ડીંગમાં પહોંચવું મોટું પડકાર હોય છે જેને ધ્યાને રાખીને નામદાર ગુજરાત હાઇકોર્ટ અને રાજ્ય સરકારે એક વિશાળ જગ્યામાં નવા કોર્ટ બિલ્ડીંગના નિર્માણ અંગેનો નિર્ણય લીધો હતો. હાલ નિર્માણકાર્ય ખૂબ ઝડપે ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં આ કાર્ય પૂર્ણ પણ કરી લેવામાં આવશે.
વકીલો-પક્ષકારોની તમામ અગવડતા દૂર થશે:દિલીપભાઈ પટેલ (સભ્ય- બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા)
બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સભ્ય દિલીપભાઈ પટેલે કહ્યું હતું કે, મોચી બજાર કોર્ટમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા સર્જાઇ રહી હતી. વકીલો-પક્ષકારોને અનેકવિધ હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. ત્યારે નામદાર હાઇકોર્ટ અને રાજ્ય સરકારે આ બાબતે યોગ્ય નિર્ણય લઈને નવું કોર્ટ બિલ્ડીંગ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. હાલ આ કોર્ટ બિલ્ડીંગનું નિર્માણ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે.
બિલ્ડીંગ નિર્માણ થઈ જતાં અહીં એક સાથે 52 કોર્ટ બેસી શકશે. વકીલો-પક્ષકારોને એક જ બિલ્ડીંગમાં તમામ પ્રકારની કોર્ટો બેસી શકશે. ઉપરાંત પાર્કિંગ, કેન્ટીન સહિતની અનેક વ્યવસ્થાઓ કરવામાં આવશે જેથી વકીલ કે પક્ષકારને કોઈ પણ જાતની અગવડતા પડશે નહીં.
સુવિધાસભર કોર્ટ બિલ્ડીંગ વકીલ-પક્ષકાર બંને માટે આશિર્વાદરૂપ: ડી.એ.વોરા( એડિશનલ ડિસ્ટ્રીકટ જજ)
એડિશનલ ડિસ્ટ્રીકટ જજ ડી.એ. વોરા સાહેબે ’અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટના વકીલો અને પક્ષકારોને પડતી મુશ્કેલીઓના નિરાકરણ માટે નામદાર ગુજરાત હાઇકોર્ટ અને રાજ્ય સરકાર દ્વારા 14 એકરની વિશાળ જગ્યામાં 5+1 માળની કોર્ટ બિલ્ડીંગનું નિર્માણકાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. હાલ પાંચેય માળના કોલમ-બિમનું કાર્ય પૂર્ણ થઈ ગયેલ છે અને પ્લાસ્ટર- રંગનું કામ ચાલી રહ્યું છે. રૂ. 118 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલી કોર્ટ બિલ્ડીંગમાં વકીલો-પક્ષકારો માટે અલગ-અલગ પ્રકારની સુવિધાઓ છે.
50થી પણ વધુ કોર્ટરૂમનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિડીયો કોનફરન્સ રૂમ, લાયબ્રેરી સહિતની સુવિધા આપવામાં આવી છે. વધુમાં લેન્ડસ્કેપ અને ટ્રી પ્લાન્ટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે. નવી કોર્ટ બિલ્ડીંગ શરૂ થતાં પક્ષકારોને સુવિધાયુક્ત બિલ્ડીંગ મળશે, દિવ્યાંગો માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. ન્યાયાધીશો અને વકીલો માટે પણ સુવિધાઓ આપવામાં આવી છે જેથી તમામની કાર્યશક્તિમાં વધારો થશે. નવી બિલ્ડીંગમાં એ.ટી.એમ., પોસ્ટ ઓફિસ અને કેન્ટીન તેમજ વિશાળ પાર્કિંગ પણ રાખવામાં આવ્યું છે.