જમ્મુની સરહદમાં અવાર-નવાર દેખા દઈ રહેલા ડ્રોનની પાછળ આતંકવાદી આકા હાફિઝ સઈદના ત્રાસવાદી સંગઠન લશ્કર એ તોયબાનો હાથ હોવાની પુરેપુરી શંકા છે. જમ્મુમાં ફરી એક વખત આજે લશ્કરી અને હવાઈ થાણાની આસપાસ ડ્રોન ઘુમરાતા દેખાયા હતા. ભારતીય દળો એકદમ સતર્ક છે.
કાલુચક અને જમ્મુની આસપાસ શંકાસ્પદ ડ્રોન નજરે પડતા ભારતીય જવાનોએ ગોળીબાર કરીને ડ્રોનને પાકિસ્તાનની સીમા તરફ પાછા ફરી જવાની ફરજ પાડી હતી. જમ્મુ પઠાણકોટ નેશનલ હાઈવે પર કાલુચક લશ્કરી થાણા પાસે ડ્રોનથી હુમલાનો પ્રયાસ સતર્ક ભારતીય જવાનોએ નિષ્ફળ બનાવ્યો હતો. જમ્મુ અને કાશ્મીરના ડીજીપી દિલબાગસિંઘે જણાવ્યું હતું કે, જમ્મુ અને આસપાસ સતત ડ્રોનથી હુમલા કરવા પાછળ લશ્કર એ તોયબા સંગઠનનો હાથ જ દેખાઈ રહ્યો છે.
આરડીએકસ અને અન્ય વિસ્ફોટક પદાર્થોનો ઉપયોગ કરી મોટા વિસ્ફોટ કરવાની સતત કોશિષો પાછળ એલઈટી જવાબદાર છે તેવું અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું છે. હાફિઝ સઈદના ઘર પાસે લાહોરમાં પ્રચંડ ધડાકો થયા બાદ એલઈટી ઘાંઘુ થયું છે પણ સતર્ક ભારતીય જવાનો ત્રાસવાદી મનસુબાને સતત નિષ્ફળ બનાવી રહ્યાં છે. ડ્રોનથી સતત હુમલા કરવાની પેરવી એલઈટીને ખુબજ મોંઘી પડશે તેવી શકયતાઓ છે.