રાજકોટમાં દારૂનો મોટો જથ્થો આવતો હોવાની બાતમીના આધારે એરપોર્ટ પોલીસ સ્ટાફ દ્વારા બેટી પુલ પાસેથી પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ ટ્રકને રોકી તેની તપાસ કરતા ભૂસા પાછળથી રૂ.11.84 લાખની વિદેશીની બોટલ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે દારૂ કબ્જે કરી ક્યાં બુટલેગરે દારૂનો જથ્થો મગાવ્યો છે તે અંગે વધુ તપાસ હાથધરી છે.
ક્યાં બુટલેગરે દારૂનો જથ્થો મગાવ્યો તે અંગે તપાસ શરૂ: ટ્રક સહિત રૂ.27.69 લાખનો મુદ્દામાલ કબ્જે
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ એરપોર્ટ પોલીસ મથકના સ્ટાફને અમદાવાદ તરફથી મોટી સંખ્યામાં દારૂનો જથ્થો આવતો હોવાની બાતમીના આધારે પોલીસે બેટી નદીના પુલ પાસે વોચ ગોઠવી હતી. જેના આધારે નિયત વર્ણન વાળી ટ્રક પસાર થતા તેને રોકી ટ્રકની પાછળની સાઈડ તપાસ કરવામાં આવી હતી. પ્રથમ નજરે ટ્રકમાં મકાઈનું ભૂસું ભર્યું હોવાનું દેખાતા પોલીસે ભૂસુ હટાવતા તેની પાછળથી રૂ.11,84,640 કિંમતની વિદેશી દારૂની કુલ 2688 બોટલો મળી આવી હતી.
પોલીસે વિદેશી દારૂના મોટા જથ્થા સાથે હરિયાણાના બીઠમાર ગામના ગુરમીતસિંગ બીમસિંગ ચમાર (ઉ.વ.22) અને દિલબાગ મનિરામ ચમાર (ઉ.વ.20)ને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીને 2688 દારૂની બોટલ અને ટ્રક સહિત કુલ રૂ.27,67,340નો મુદ્દામાલ કબ્જે કરી ક્યાં બુટલેગર દ્વારા દારૂનો જથ્થો મગાવામાં આવ્યો હતો તે અંગે પૂછતાછ હાથધરી છે.