રાજ્ય સરકાર દ્વારા રાજકોટને અપુરતો વેક્સિનનો જથ્થો ફાળવામાં આવતો હોવાના કારણે છેલ્લા એક સપ્તાહથી વેક્સિનેશનની કામગીરી ભારે અફરા-તફરીનો જેવો માહોલ સર્જાય છે. દરમિયાન આજે કોર્પોરેશન દ્વારા અલગ અલગ 30 સેન્ટરો પર કોવિશિલ્ડ વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામાં આવતા ભારે અવ્યવસ્થા સર્જાઈ જવા પામી હતી. બે સેન્ટરો પર તો પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. તમામ સેન્ટરો પર માથાકૂટના વાવડ મળતા મ્યુનિ.કમિશનર અમીત અરોરાએ તાત્કાલીક ડીએમસી આશિષકુમારને સેન્ટરો પર દોડાવ્યા હતા. જો કે મોટાભાગના સેન્ટરો પર બપોરથી વેક્સિનેશનની કામગીરી બંધ કરી દેવામાં આવી છે.
વેક્સિનેશન સેન્ટરો પર અફરા-તફરી: પોલીસ બોલાવી પડી
કોવિશિલ્ડ આપવાનું શરૂ કરતા તમામ 30 સેન્ટરો પર ભારે ધસારો: અવ્યવસ્થાના કારણે લોકો રોષે ભરાયા, મ્યુનિ.કમિશનર અમીત અરોરાએ ડીએમસી આશિષકુમારને સેન્ટરો પર દોડાવ્યા
રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે રાજકોટને કોવિશિલ્ડના 6 હજાર ડોઝ ફાળવવામાં આવ્યા હોય આજે મહાપાલિકા દ્વારા અલગ અલગ 30 સેશન સાઈટ પર કોવિશિલ્ડ અને બે સાઈટ પર કો-વેક્સિન આપવાનું શરૂ કર્યું હતું.
જો કે તમામ સેન્ટરોને માત્ર 200 ડોઝ આપ્યા હોવાથી ભારે અવ્યવસ્થા સર્જાઈ જવા પામી હતી. અમીન માર્ગ સિવિક સેન્ટર અને એરપોર્ટ રોડ પર ચાણક્ય સ્કૂલ પર આવેલા વેક્સિનેશન સેન્ટર પર લોકોએ જબરો હંગામો મચાવતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. અનેક સેન્ટરો પર વેક્સિનેશન પર ટોકન આપી દેવાયા બાદ વેક્સિન આપવામાં આવશે નહીં તેવી ઘોષણા કરવામાં આવતા લોકો વિફર્યા હતા. કોવિશિલ્ડના ડોઝ આપવાનું શરૂ કરાતા તમામ સેન્ટરો પર લોકોનો ધસારો ધાર્યા બહારનો થયો હતો.
બીજી તરફ મર્યાદિત ડોઝ હોવાના કારણે સ્થિતિ વધુ વિકટ બની જવા પામી હતી. વેક્સિનેશન સેન્ટરો પર ભારે હંગામાના વાવડ મળતા મ્યુનિ.કમિશનરે તાત્કાલીક અસરથી ડીએમસીને સેન્ટરો પર દોડાવ્યા હતા.
કોવિશિલ્ડના વધુ 6000 ડોઝ ફાળવાયા: કાલે પણ હંગામાની દહેશત
રાજ્ય સરકાર દ્વારા આજે રાજકોટને ફરી કોવિશિલ્ડ વેક્સિનના 6000 ડોઝ ફાળવવામાં આવ્યા છે. જ્યારે કો-વેક્સિનના 1500 ડોઝ હાલ મહાપાલિકા પાસે ઉપલબ્ધ છે. સેશન સાઈટ સાંજે જાહેર કરવામાં આવશે. જરૂરીયાત મુજબ ડોઝની ફાળવણી કરવામાં આવતી ન હોવાના કારણે આવતીકાલે પણ વેક્સિનેશન સેન્ટર પર હંગામાની સ્થિતિ સર્જાય તેવી ભીતિ છે. એક તરફ વેક્સિનેશનની મોટી-મોટી વાતો કરવામાં આવી રહી છે. બીજી તરફ પર્યાપ્ત માત્રામાં જથ્થો ફાળવવામાં આવતો ન હોય રોજ સેન્ટરો પર માથાકૂટ સર્જાય છે.