કોર્પોરેશન દ્વારા છેલ્લા ઘણા સમયથી શહેરના ત્રણેય ઝોન વિસ્તારમાં પાર્ટી પ્લોટ બનાવવાની જાહેરાત બજેટમાં કરવામાં આવે છે. પરંતુ આ પ્રોજેકટ માત્ર કાગળ પર જ રહે છે. તાજેતરમાં ન્યારી ડેમ સાઈટ પાસે વાગુદડના રસ્તે મહાપાલિકા દ્વારા 50,000 રનીંગ મીટરનો વિશાળ બગીચો બનાવવામાં આવ્યો છે. ન્યુ રાજકોટમાં આવેલા આ થર્ડ લાર્જેસ્ટ બગીચામાં 4000 ચો.મી. વિસ્તારમાં લોન બેઈઝડ ગાર્ડન બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત બગીચામાં સહેલાઈણીઓની સુવિધા માટે ફૂડ કોટ પણ બનાવવામાં આવશે. આવતીકાલે કોર્પોરેશનમાં મળનારી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં અલગ અલગ 15 દરખાસ્તો માટે નિર્ણય લેવામાં આવશે.
50,000 મીટરનું ક્ષેત્રફળ ધરાવતા આ બગીચામાં 4000 ચો.મી.માં બનશે લોન બેઈઝડ પાર્ટી પ્લોટ અને ફૂડ કોર્ટ: કાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં 15 દરખાસ્તો અંગે નિર્ણય
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 2020-21માં શહેરના જુદા જુદા બગીચામાં ચાર ફૂડ કોટ બનાવી રેવન્યુ આવક ઉભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત ત્રણેય ઝોનમાં શહેરીજનોને સુખાકારી વધારવા માટે પાર્ટી પ્લોટ પણ બનાવવાના પ્રોજેકટની જાહેરાત કરવામાં આવી હતી જે અંતર્ગત શહેરના વેસ્ટ ઝોનમાં ન્યારી ડેમ સાઈટ વાગુદડના રસ્તે મહાપાલિકા દ્વારા 50,000 ચો.મી.ના વિશાળ ક્ષેત્રફળમાં એક બગીચો બનાવવામાં આવ્યો છે.
ન્યારી ડેમ વિસ્તાર રાજકોટની તદન નજીક હોવાના કારણે અહીં રવિવાર અને જાહેર રજાઓમાં લોકો ફરવા માટે ઉમટી પડતા હોય છે. કાલાવડ રોડના મુખ્ય ભાગોમાં અનેક રેસ્ટોરન્ટ આવેલા છે ત્યારે આ ગાર્ડનમાં ફૂડ કોટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફૂડ કોટની સાથે લોન બેઈઝડ પાર્ટી પ્લોટ પણ વિકસાવવાનો નિર્ણય કરાયો છે.
જેમાં હાલ ચેઈન્જ રૂમ કે અન્ય વ્યવસ્થા કરવાની જરૂરીયાત રહેતી નથી. ભવિષ્યમાં આવી કોઈ જરૂરીયાત ઉભી થશે તો કોન્ટ્રાકટ દ્વારા કોર્પોરેશનની મંજૂરી લેવી પડશે. વાગુદડના રસ્તે આવેલા શહેરના થર્ડ લાર્જેસ્ટ ગાર્ડમાં એક ફૂડ કોટ અને 4,000 ચો.મી.ની જમીનમાં લોન બેઈઝડ પાર્ટી પ્લોટ બનાવવા અને તેનો 10 વર્ષ સુધી સંચાલન કરવાનો કોન્ટ્રાકટ આપવા માટે ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું.
જેમાં અલગ અલગ 3 પાર્ટીએ ઓફર આવી હતી. ટેન્ડરની શરતથી 10 ટકા વધુ મેશર્સ સોમનાથ એન્ટરપ્રાઈઝ વાર્ષિક રૂા.2,11,580 રૂપિયા કોર્પોરેશનને વાર્ષિક ચૂકવણી કરી ફૂડ કોર્ટ અને પાર્ટી પ્લોટનું સંચાલન કરવા ઓફર આપી હતી અને દર વર્ષે 10 ટકા ક્યુમીલેટીવ વધારો આપવાની શરત સાથે પણ સહમતી આપી છે. કોર્પોરેશન દ્વારા શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં વાગુદડના રસ્તે આવેલા બગીચામાં 4000 ચો.મી.માં પાર્ટી પ્લોટ બનાવવામાં આવશે.
તેઓએ ઉમેર્યું હતું કે, પાર્ટી પ્લોટનું ભાડુ અને નીતિ નિયમો ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી બજેટમાં ઝોનવાઈઝ પાર્ટી પ્લોટ બનાવવાની ઘોષણા કરવામાં આવે છે પરંતુ એક યા બીજા કારણોસર આ પ્રોજેકટ સાકાર થતો ન હતો. હવે મહાપાલિકા દ્વારા પ્રથમ પાર્ટી પ્લોટ બનાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત કાલે મળનારી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં વોર્ડ નં.4માં નવો બગીચો બનાવવા સહિતની 15 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.
પાર્ટી પ્લોટનું ભાડુ નક્કી કર્યા વિના જ 10 વર્ષનું સંચાલન સોંપવાની દરખાસ્ત શંકાસ્પદ!
સામાન્ય રીતે કોર્પોરેશન દ્વારા પોતાની માલીકીની મિલકતનું સંચાલન ખાનગી એજન્સીને સોંપવામાં આવતું હોય છે. ત્યારે ભાડા સહિતની તમામ નીતિ નિયમો અગાઉથી નક્કી કરી દેવામાં આવતા હોય છે. વાગુદડના રસ્તે બનાવવામાં આવેલા બગીચામાં મહાપાલિકા દ્વારા પ્રથમ પાર્ટી પ્લોટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનું સંચાલન 10 વર્ષ માટે મેસર્સ સોમનાથ એન્ટરપ્રાઈઝને સોંપવા અંગે સ્ટેન્ડિંગ કમીટીમાં દરખાસ્ત કરવામાં આવી છે.
એજન્સી દ્વારા દર વર્ષે 10 ટકાના વધારા સાથે 40 લાખ રૂપિયા 10 વર્ષમાં ચૂકવવામાં આવશે. આ કોન્ટ્રાકટમાં પ્રથમ શંકાસ્પદ વાત એ જણાય રહી છે કે, હજુ મહાપાલિકા દ્વારા પાર્ટી પ્લોટનું ભાડુ જ નક્કી નથી તો એજન્સીએ ક્યાં આધારે નક્કી કરી લીધુ કે તેમને 10 વર્ષમાં 40 લાખથી વધુની આવક થશે અને તે તંત્રને 10 વર્ષે 40 લાખ ચૂકવશે. જો કે, એકમાત્ર પાર્ટી પ્લાટના સંચાલન માટે નહીં પણ ફૂડ કોટના સંચાલન માટે પણ આ રકમ નિયત કરવામાં આવી છે. પ્રથમ વખત મહાપાલિકાના ઈતિહાસમાં એવું બની રહ્યું છે કે, જ્યારે કોઈ ભાડુ કે નીતિ નિયમો નક્કી કર્યા વિના તેનું સંચાલન સોંપી દેવામાં આવશે અને દર પણ નક્કી થઈ જશે.