ગુજરાતના પાટનગર એવા ગાંધીનગરમાં સ્થિત ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક- ગિફ્ટ સિટિ હવે ભારતના સર્વાંગી વિકાસ માટેનું દ્વાર બનશે. નાણાકીય રોકાણ માટેની એક ટેકનોલોજી અને મોકળા મેદાન સ્વરૂપ આ ગિફ્ટ સીટી વૈશ્વિક નાણાકીય હબ બનતું જઈ રહ્યું છે. જેમાં સ્થાનિક ઉપરાંત વિદેશી કંપનીઓને પણ મોટી તક ઊભી થઈ છે છેલ્લા 14 માસના ગાળામાં આ ફાઇનાન્સિયલ હબમાંથી ભારતીય કંપનીઓએ રૂપિયા 2.60 લાખ કરોડ અંકે કર્યા છે. જે ઘર આંગણે વિકસીત થયેલ નાણાકીય હબ ગિફ્ટ સિટીમાં ભજવેલી મહત્વની ભૂમિકા દર્શાવે છે.
કોરોનાના કપરાકાળમાં પણ ગીફટના માધ્યમથી થતા વ્યાપાર ક્ષેત્રમાં ઉછાળો, કુલ 67 અબજ ડોલરના નાણાંકીય વ્યવહારો થયા: નિયમનકાર દિપેશ શાહ
2 લાખ કરોડથી વધુ રૂપિયા રળેલ આ ભારતીય કંપનીઓમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એલએન્ડટી, ટાટા સ્ટીલ, અદાણી જૂથ અને એચસીએલ ટેકનોલોજી સહિત ઓછામાં ઓછી 15 મોટી કંપનીઓનો સમાવેશ છે. જેમણે ગિફ્ટ સિટીના માધ્યમથી આ વિશેષ આર્થિક ક્ષેત્રમાં વ્યવહાર કર્યો છે. જેમાં બાહ્ય કોમર્શિયલ બોરોવિંગ, વિદેશી ચલણની મુદત લોન અને અન્ય ટ્રેડ ફાઇનાન્સનો સમાવેશ થાય છે. જેનું ટ્રાન્ઝેક્શનનું કુલ મૂલ્ય 67 અબજ ડોલર થયુ છે. જેમાંથી અડધાથી વધુનો હિસ્સો પાછલા 14 મહિનામાં એકત્ર થયો છે. આઈએફએસસીના તાજેતરના ડેટા અનુસાર આ ગિફ્ટ સીટી સ્થાનિક કંપનીઓને વૈશ્વિક કરારો માટે વધુને વધુ વન સ્ટોપ શોપ બની રહી છે.
ગુજરાત જીઆઇએફટી સિટીના નિયમનકાર આઈએફએસસીના વડા, દિપેશ શાહે જણાવ્યું કે, કોવિડ-19ના રોગચાળાના આ સમય દરમિયાન પણ અમે વ્યાપારના ક્ષેત્રમાં નોંધપાત્ર ઉછાળો જોયો છે. મોટી સંખ્યામાં સંગઠનોએ નાણાં વધારતા આઈએફએસસી (ગિફ્ટ સીટી) પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો છે. જે અન્ય સિંગાપોર અથવા લંડન જેવા અન્ય વૈશ્વિક કેન્દ્રોમાં રોકાણ કરતા હોય. ગિફ્ટ સિટીમાં થયેલા રોકાણના વ્યવસ્થાપન માટે હાલ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, એક્સીસ બેંક, કોટક બેંક તેમજ આઈસીઆઈસીઆઈ અને એચડીએફસી બેન્ક જેવી 16 બેન્કો સામેલ છે. અહીં ટ્રાન્ઝેક્શન કરતી અન્ય કંપનીઓમાં હિંડાલ્કો કોર્પોરેશન, હિરો ગ્રૂપ, કોલ ઈન્ડિયા, મધરસન સુમી, એપોલો ટાયર્સ શામેલ છે.
ઓનલી રિલાયન્સ..!!
અબુધાબીમાં રોકાણ કરશે રિલાયન્સ, પેટ્રો રસાયણ કેન્દ્ર સ્થાપવા પર કરાર
કલોર ક્ષાર, ઈથિલીન ડાઈકલોરાઈડ અને પોલીવિનાઈલ કલોરાઈડ જેવા રસાયણ ઉત્પાદનમાં ઝંપલાવી વધુ મજબૂત બનવા રિલાયન્સની રણનીતિ
ઓન્લી રિલાયન્સ…. ઈંધણથી માંડી સંચાર વ્યવસ્થા પુરી પાડતી અને દેશની ટોચની કંપની રિલાયન્સે હવે ભારત ઉપરાંત વિદેશમાં પણ પાંખો પોળી કરવા પર ધ્યાન દોર્યુ છે. તાજેતરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે અબુધાબીમાં મોટપાયે રોકાણ કરવા પર કરાર કર્યા છે. અબુધાબીના રુવેઈમાં પેટ્રોકેમિકલ સેન્ટરમાં રોકાણ કરવાના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. જોકે, રોકાણની રકમ અંગે હજુ કોઈ વિસ્તૃત માહિતી આપવામાં આવી નથી. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ઓઇલથી લઈ ટેલિકમ્યુનિકેશંસ સેવાઓ પૂરી પાડતી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અબુધાબી નેશનલ ઓઇલ કંપનીના રુવાઈસ પ્રોજેક્ટમાં સામેલ થશે.
જણાવી દઈએ કે અબુધાબી નેશનલ ઓઇલ કંપની (એડીએનઓસી)એ રિલાયન્સના અબુ ધાબીના રુવાઈસમાં તાજીઝેડ ખાતે નવી વર્લ્ડ ક્લાસ ક્લોર અલ્કલી, ઇથિલિન ડિક્લોરાઇડ અને પોલિવિનાઇલ ક્લોરાઇડ (પીવીસી) ઉત્પાદન સુવિધા ઉભી કરવા પર કામગીરી કરી રહ્યું છે જેમાં હવે રિલાયન્સ પણ સહભાગી બનશે અને આ રસાયણનું ઉત્પાદન કરી કંપનીને વધુ મજબૂતાઈ પુરી પાડશે.
આ કરારથી વૈશ્વિક ઔધોગિકદ કાચા માલની વધતી માંગને સંતોષવામાં મોટી મદદ મળશે. અને એડીએનઓસી અને રિલાયન્સની વૈશ્વિક ઔધોગિક અને ઉર્જા કંપનીઓ તરીકેની મજબૂતાઇને મદદ મળશે. કંપનીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ તાજીઝેડ ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ્સ ઝોનમાં કરવામાં આવશે.જે એડીએનઓસી અને એડીક્યુ વચ્ચેનો એક સંયુક્ત સાહસ છે.