ધીમે ધીમે હવે આપણી ઘરે આવતા ઇન્ટરનેટના દોરડાઓ ફાઇબરમાં ફરવાના શરૂ થઈ ગયા છે. જીઓ ફાઇબર, બીએસએનએલ ફાઇબર, એરટેલ ફાઇબર જેવા ઘણા ફાઇબરના વિક્રેતાઓ ગ્રાહકો સુધી અતિ ત્વરિત ફાઇબર લિન્ક પહોંચાડવા કાર્યરત બન્યા છે. કિલોમીટરો સુધી લંબાયેલા હાલનાં ઓપ્ટિકલ ફાઇબરનાં દોરડા 1960નાં દાયકામાં ફક્ત 20 મીટર (65 ફૂટ) જેટલા વિસ્તારની અંદર જ ઉપયોગમાં લઈ શકાતાં હતાં. ટેલિફોન કે ટેલિવિઝન સિગ્નલને ઘેર-ઘેર પહોંચાડવા માટે કાચનાં ફાઇબર કેબલ સિવાય બીજી ખાસ કોઇ સુવિધા નહોતી.
સ્વપ્નદ્રષ્ટા શબ્દ કદાચ હવે બહુ ચવાઇ ગયો છે: આમ છતાં ચાર્લ્સ કાઓ માટે વિચારવા જઈએ તો, આ શબ્દનું મૂલ્ય ઘણું વધી જાય છે: 1966થી શરૂ કરીને એમણે 2018 સુધી એમણે ઓપ્ટિકલ ફાઇબર ક્ષેત્રે સતત પરિવર્તન જોયું: પાંચ-છ દાયકાની અંદર તેમણે આખેઆખી પેઢીઓ બદલાતી જોઈ
1966ની સાલમાં રજૂ થયેલા એમનાં રીસર્ચ પેપર ડાયઇલેક્ટ્રિક-ફાઇબર સરફેસ વેવગાઇડસ ફોર ઓપ્ટિકલ ફ્રીકવન્સિસમાં ડો. કાઓ અને ડો. હોકહામે કમ્યુનિકેશનનાં માધ્યમ માટેની અઢળક નવી શક્યતાઓનાં દ્વાર ખોલી આપ્યા
ત્યારબાદનાં ફક્ત દસ વર્ષોની અંદર ઓપ્ટિકલ ફાઇબર પર થયેલા રીસર્ચ-વર્કને લીધે ટીવી-ટેલિફોન સિગ્નલ્સ અડધો માઇલ સુધીનું અંતર કાપી શકે એવા બનવા લાગ્યા. જેનો મુખ્ય શ્રેય ગયો, ડો. ચાર્લ્સ કાઓ અને બ્રિટિશ એન્જિનિયર જ્યોર્જ આલ્ફ્રેડ હોકહામને! બંને ધુરંધર વૈજ્ઞાનિકોએ રજૂ કરેલા રીસર્ચ પેપરને કારણે ઓપ્ટિકલ ફાઇબર ક્ષેત્રે ઘણા સમીકરણો બદલ્યા! થોડા સમય અગાઉ(2018) ઓપ્ટિકલ ફાઇબર માટે નોબેલ પ્રાઇઝ મેળવનાર ડો. ચાર્લ્સ કાઓનું 84 વર્ષે નિધન થયું અને વિજ્ઞાનજગતમાં લગભગ સોંપો પડી ગયો.
1933ની ચોથી નવેમ્બરનાં રોજ સાંઘાઈ (ચીન)ની એક અમીર ફેમિલીમાં જન્મેલા ચાર્લ્સ કાઓનાં પિતા વ્યવસાયે જજ! એમનાં દાદાએ 1911માં શરૂ થયેલી ક્રાંતિ-ચળવળમાં મહત્વનો ફાળો આપેલો. સ્વાભાવિક રીતે જ, દોમદોમ સાહ્યબી અને જાહોજલાલી તો જાણે ચાર્લ્સ કાઓની ઓળખાણ બની ગઈ! પરિવાર તરફથી વધારે પડતાં સુખ-સગવડોની વચ્ચે ઉછેર થનાર ચાર્લ્સે થોડા વર્ષો અગાઉ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે, પોતાને નાનપણમાં ઘણા વધારે લાડકોડ સાથે મોટા કરવામાં આવ્યા છે.
ફક્ત 14 વર્ષની વયે સમગ્ર કાઓ પરિવાર શાંઘાઈને અલવિદા કહીને હોંગકોંગ આવી ગયો. અને ત્યારબાદ 19 વર્ષની ઉંમરે ચાર્લ્સ કાઓ ઇંગ્લેન્ડની વૂલવિચ પોલિટેક્નિક (હાલની યુનિવર્સિટી ઓફ ગ્રીનવિચ) ખાતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરીંગનો અભ્યાસ કરવા માટે આવી ગયા. ભણવામાં તેઓ તદ્દન એવરેજ સ્ટુડન્ટ! આખો દિવસ ટેનિસ કોર્ટનાં મેદાન પર તેમની હાજરી વધુ જોવા મળે. એ જમાનામાં ફર્સ્ટ, સેક્ધડ, પાસ અથવા ફેઇલ એવી ફક્ત ચાર કેટેગરીમાં વિદ્યાર્થીઓનાં પરીક્ષા-પરિણામને વહેંચવામાં આવતાં. ચાર્લ્સ કાઓનું સ્થાન કોલેજકાળ દરમિયાન હંમેશા સેક્ધડ કેટેગરીમાં રહ્યું.
ગ્રેજ્યુએશન બાદ ચાર્લ્સ કાઓ બ્રિટિશ સબસિડિયરી ઓફ ઇન્ટરનેશનલ ટેલિફોન એન્ડ ટેલિગ્રાફ સાથે જોડાઇ ગયા. ત્રણ દાયકા સુધી તેમણે બ્રિટન, યુરોપ અને યુનાઇટેડ સ્ટેટ્સની કંપની માટે કામ કર્યુ. જીવન દરેક પરિસ્થિતિમાં વ્યક્તિને તક આપતું રહે છે. ફુલફ્લેજ્ડ કરિયર અને સ્થિર થઈ ચૂકેલી ચાર્લ્સ કાઓની જિંદગીમાં ગ્વેન વોંગ નામની સ્ત્રીનો પ્રવેશ થયો, જે ઇંગ્લેન્ડની કંપનીમાં ચાર્લ્સથી એક ફ્લોર ઉપર, એન્જિનિયર તરીકે કામ કરતી હતી. ધીરે ધીરે બંને વચ્ચે પ્રેમ પાંગર્યો અને થોડા વર્ષોની અંદર બંને લગ્નગ્રંથિથી જોડાઈ ગયા! 1966ની સાલમાં રજૂ થયેલા એમનાં રીસર્ચ પેપર ડાયઇલેક્ટ્રિક-ફાઇબર સરફેસ વેવગાઇડ્સ ફોર ઓપ્ટિકલ ફ્રીકવન્સિસમાં ડો. કાઓ અને ડો. હોકહામે કમ્યુનિકેશનનાં માધ્યમ માટેની અઢળક નવી શક્યતાઓનાં દ્વાર ખોલી આપ્યા.
ગ્લાસી ફાઇબર મટિરિયલ વિશે તેમણે અનેક શક્યતાઓને પોતાનાં રીસર્ચ પેપરમાં જગ્યા આપી, જેનાં ફક્ત ચાર વર્ષો બાદ ટેલિવિઝન-ટેલિફોનનાં સિગ્નલ્સ અડધા માઇલ સુધી ઘેર-ઘેર પહોંચાડવા શક્ય બન્યા. માહિતી સંગ્રહી શકવાની કેબલની ક્ષમતાને તેમણે કોપર તથા રેડિયો વાયરની સરખામણીમાં વધુ ઉપયોગી સાબિત કરી. સ્વપ્નદ્રષ્ટા શબ્દ કદાચ હવે બહુ ચવાઇ ગયો છે. આમ છતાં ચાર્લ્સ કાઓ માટે વિચારવા જઈએ તો, આ શબ્દનું મૂલ્ય ઘણું વધી જાય છે. 1966થી શરૂ કરીને એમણે 2018 સુધી એમણે ઓપ્ટિકલ ફાઇબર ક્ષેત્રે સતત પરિવર્તન જોયું. પાંચ-છ દાયકાની અંદર તેમણે આખેઆખી પેઢીઓ બદલાતી જોઈ.
નવી પેઢીનાં વૈજ્ઞાનિકો-સંશોધનકર્તાઓની વિચારધારા સાથે તેઓ રૂબરૂ થયા. માછલી પકડવાનાં તાર જેવા દેખાતાં ફાઇબર ઓપ્ટિક કેબલ્સને તેમણે 21મી સદીનાં બ્રોડબેન્ડ કોમ્યુનિકેશન્સ, બાયોમેડિકલ ઇન્ફોર્મેટિક્સ તેમજ અન્ય અસંખ્ય ડિજિટલ એપ્લિકેશન્સ માટે અપડેટ થતાં જોયા! 2009માં ભૌતિકવિજ્ઞાન (ફિઝિક્સ) ક્ષેત્રે તેમને જ્યારે નોબેલ પુરસ્કાર અનાયત થયો ત્યારે ધ રોયલ સ્વીડિશ અકેડમી ઓફ સાયન્સ મુજબ, વિશ્વમાં પથરાયેલા ઓપ્ટિકલ કેબલ્સનાં ગુંચળાની કુલ લંબાઈ 600 મિલિયન માઇલ જેટલી હોઇ શકે એ વાત સામે આવી! (આજે તો એ સર્વેને પણ બીજા 9 વર્ષ વીતી ગયા છે!)
યુરોપિયન ફિઝિકલ સોસાયટીનાં ભૂતપૂર્વ પ્રેસિડન્ટ અને ફાઇબર ઓપ્ટિક્સ રીસર્ચર જોહ્ન ડડલીએ ચાર્લ્સ કાઓનાં નિધન પર શોક વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ઓપ્ટિકલ ફાઇબર વર્લ્ડમાં ચાર્લ્સનું કામ એવા પ્રકારનું હતું જેનાં લીધે સમગ્ર વિજ્ઞાનજગતમાં ધરખમ પરિવર્તનો જોવા મળી શક્યા. સમગ્ર દુનિયા વિજ્ઞાનક્ષેત્રે એમણે આપેલા યોગદાનને ચિરકાળ સુધી યાદ રાખશે! રેસ્ટ ઇન પીસ મિસ્ટર ચાર્લ્સ!
આપણે ભલે અત્યારે ચાર્લ્સ કાઓનાં સંશોધનો અને તેમની શોધખોળ વિશે વાત કરી રહ્યા હોય, પરંતુ એક હકીકત તો એ પણ છે કે એમણે રજૂ કરેલા રીસર્ચ પેપર બાદનાં ચાલીસેક વર્ષ સુધી વિજ્ઞાનજગતને એની ખાસ મહત્તા ન જણાઈ. 2000ની સાલ પછી ઓપ્ટિકલ ફાઇબર ક્ષેત્રે દુનિયાએ જે હરણફાળ ભરી, ત્યારબાદ નોબેલ પ્રાઇઝ કમિટીને લાગ્યું કે ડો.ચાર્લ્સ કાઓનાં આટલા મહત્વનાં સંશોધનને કઈ રીતે અવગણી શકાય!? આથી 2009માં તેમને પોતાનાં કામ માટે નોબેલ પુરસ્કાર અનાયત કરવામાં આવ્યો. 2010માં ચાર્લ્સ કાઓને પ્રિન્સ્ટન સહિત વિશ્વનાં પુષ્કળ એન્જિનિયરીંગ અસોશિયેશન તરફથી અવોર્ડ્સ આપવામાં આવ્યા. જીવનનાં પાછલા વર્ષો તેમણે ચાઇનીઝ યુનિવર્સિટી ઓફ હોંગકોંગનાં પ્રોફેસર અને વાઇસ-ચાન્સેલર તરીકે વિતાવ્યા.
ચાર્લ્સ કાઓએ 2010ની સાલમાં પોતાની પત્ની ગ્વેન સાથે શરૂ કરેલા ચાર્લ્સ કે. કાઓ ફાઉન્ડેશનમાં અલ્ઝાઇમર પીડિત દર્દીની સારવાર કરવામાં આવે છે. ઇન્ફર્મેશન ક્ષેત્રનાં પાયોનિયર ગણાતાં ચાર્લ્સ કાઓનાં મૃત્યુની ખબર આગની જેમ દેશ-દુનિયામાં ફેલાઇ. મીડિયા તરફથી તેમનાં અવસાનની વિગતો જાણવાનાં પ્રયાસો થયા, પરંતુ કાઓ ફાઉન્ડેશન તેમજ ગ્વેન કાઓ પાસેથી કોઇ કારણો જાણી ન શકાયા. વિજ્ઞાનજગત સાથે સંકળાયેલા વ્યક્તિની શોધખોળને મોટે ભાગે યુરેકા (ચમત્કાર) ગણીને ભાગ્યનો ખેલ ગણી દેવામાં આવે છે. પરંતુ ચાર્લ્સ કાઓનાં કિસ્સામાં એ વાત તદ્દન ખોટી છે. અસંખ્ય પ્રયોગો અને રાત-દિવસનાં ઉજાગરા કર્યા બાદ તેમણે ઓપ્ટિકલ ફાઇબર ક્ષેત્રે પોતાનું રીસર્ચ પેપર રજૂ કર્યુ હતું. બગાસું ખાતાં પતાસું આવી પડે એવો કોઇ ઘાટ અહીં સર્જાયો નહોતો. મોડર્ન ડિજિટલ વર્લ્ડનાં પ્રણેતા ચાર્લ્સ કાઓને ટેકવર્લ્ડ તરફથી એક આખરી સલામ!