પ્રામાણીક કરદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે કોર્પોરેશન દ્વારા દર વર્ષે એડવાન્સ ટેકસ ભરતા કરદાતાને વેરામાં વળતર આપવામાં આવે છે. 10 ટકા ટેક્સ રિબેટ યોજનાની મુદત આવતીકાલે પૂર્ણ થઈ રહી છે.
કાલે મોડી સાંજ સુધી સિવિક સેન્ટરોમાં ટેક્સ સ્વીકારવામાં આવશે. જ્યારે ઓનલાઈન વેરો ભરવા ઈચ્છુક કરદાતાઓ રાત્રીના 12 વાગ્યા સુધી વેરો ભરી શકશે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 10 ટકા વળતર યોજનામાં 18 કરોડ રૂપિયાની વધુ આવક થવા પામી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટે.કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષના નેતા વિનુભાઈ ઘવા અને દંડક સુરેન્દ્રસિંહ વાળાએ જણાવ્યું હતું કે, એડવાન્સ ટેક્સ ભરનાર કરદાતાને હાલ વેરામાં 10 ટકા જ્યારે મહિલાઓના નામે નોંધાયેલી મિલકતમાં 5 ટકા વધુ વળતર સાથે કુલ 15 ટકા વળતર આપવામાં આવે છે. આ યોજના આવતીકાલે પૂર્ણ થઈ રહી છે. જે અંતર્ગત મહાપાલિકાના તમામ સિવિક સેન્ટરો ખાતે સાંજના 6 વાગ્યા સુધી વેરો સ્વીકારવામાં આવશે.
જ્યારે ઓનલાઈન વેરો ભરવા ઈચ્છુક કરદાતાઓ રાત્રીના 12 વાગ્યા સુધી વેરો ભરપાઈ કરી શકશે. તેઓએ ઉમેર્યું હતું કે, 1લી જુલાઈથી 31 જુલાઈ સુધીના એક મહિનાના સમયગાળા દરમિયાન એડવાન્સ મિલકત વેરો ભરપાઈ કરનાર કરદાતાને ટેક્સમાં 5 ટકા અને મહિલાઓના નામે નોંધાયેલી મિલકતમાં વધારાના 5 ટકા સાથે કુલ 10 ટકા વળતર આપવામાં આવશે. બન્ને યોજનામાં ઓનલાઈન મિલકત વેરો ભરનારને વધારાનું 1 ટકા વળતર આપવામા ં આવી રહ્યું છે.
1લી એપ્રીલથી આજ સુધીમાં કુલ 1,85,674 કરદાતાઓએ વેરા વળતર યોજનાનો લાભ લેતા મહાપાલિકાની તિજોરીમાં 97 કરોડ રૂપિયા ઠાલવ્યા છે.
આ વખતે ઓનલાઈન વેરો ભરનાર કરદાતાની સંખ્યામાં ખાસ્સો એવો વધારો નોંધાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે વેરા વળતર યોજના અંતર્ગત આજ સુધીમાં 79 કરોડની આવક થવા પામી હતી. આ વર્ષે આવકમાં 18 કરોડ રૂપિયાનો વધારો થવા પામ્યો છે. શહેરીજનોને ટેક્સ રિબેટ યોજનાનો લાભ લેવા શાસકો દ્વારા અપીલ કરવામાં આવી છે.
હોટલ-રેસ્ટોરન્ટને વેરા માફીનો પરિપત્ર હજુ કોર્પોરેશનને મળ્યો નથી !
વેરા વળતર યોજના અંતર્ગત વેરો ભરનાર હોટલ-રેસ્ટોરન્ટ સંચાલકોને આવતા વર્ષે રિબેટ અપાશે
કોરોનાની બીજી લહેરમાં સંક્રમણને ખાળવા માટે રાજ્ય સરકાર દ્વારા મીની લોકડાઉન લાદવામાં આવ્યું હતું. જેમાં હોટલ-રેસ્ટોરન્ટ બંધ રહ્યાં હતા. દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વર્ષ 2021-22ના મિલકત વેરામાંથી હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોને માફી આપવાની જાહેરાત આજથી 21 દિવસ પૂર્વે કરવામાં આવી હતી. પરંતુ મહાપાલિકાને હજુ સુધી આવો કોઈ પ્રકારનો પરિપત્ર મળ્યો નથી. જેના કારણે હોટલ સંચાલકો સાથે તંત્ર પણ મુંઝવણમાં મુકાઈ ગયું છે. વેરા વળતર યોજનાનો લાભ લેવા માટે જે હોટલ-રેસ્ટોરન્ટના માલીકોએ વેરો ભરપાઈ કરી દીધો છે તેઓને મજરે આવતા વર્ષના વેરામાં આટલી રકમ બાદ કરી દેવામાં આવશે.