આપણે એક જટિલ અને ઝડપી ગતિવાળી દુનિયામાં જીવીએ છીએ જેમાં મોટા-મોટા વ્યક્તિને પણ ક્યારેક જીવન જીવવું મુશ્કેલ લાગે છે. આજની દુનિયામાં હવે નાના નાના છોકરાઓને પણ જીવવું મુશ્કેલ લાગવા લાગ્યું છે જેથી તે આત્મહત્યા કરવા તરફ પ્રેરાય છે.અત્યારની પેઢીને ઘણીવાર દુનિયા આપણા માટે ખૂબ ક્રૂર છે એવુ લાગી રહ્યું છે. આમ, શારીરિક કરતા માનસિક સમસ્યાઓ દિન પ્રતિદિન વધતી જાય છે. હાલમાં આ સમસ્યાઓ તરુણવાસ્થામા વધુ જોવા મળી રહી છે.
તરુણાવસ્થાએ જીવનનો એવો સમય છે જયારે વ્યક્તિની જનેન્દ્રીયો પોતાની પરિપકવતામાં પ્રવેશ કરે છે. તરુણાવસ્થાએ વિકાસનો કોઈ સ્વતંત્ર સમય નથી તે કિશોરવયના વિસ્તરણનો ફક્ત એક ભાગ છે. કિશોરોમાં શારીરિક, માનસિક, આવેગિક, નૈતિક અને આધ્યાત્મિક આ દરેક પ્રકારના ભાગનો સમાવેશ થાય છે. પરંતુ તરુણાવસ્થાનો મુખ્ય સબંધ શારીરિક વિકાસ સાથે હોય છે. આ શારીરિક વિકાસની અસર તેમના માનસિક વિકાસને પણ અસર કરતી હોય છે જેના કારણે તેની મનોવૈજ્ઞાનિક સમસ્યાઓનો અભ્યાસ કરવો જરૂરી બની રહે છે.
આ ઉદેશ્ય સાથે મનોવિજ્ઞાન ભવને તરુણાવસ્થાનો મનોવૈજ્ઞાનિક અભ્યાસ કર્યો છે જેમાં 360 તરુણો અને 540 વડીલો પાસે પ્રત્યુત્તરો મેળવવામાં આવ્યા હતા. હાલમાં લોકડાઉન, મહામારીનો ભય અને ઓનલાઇન શિક્ષણથી તેમની સમસ્યાઓ ખુબ જ વધી છે તેવું તેઓ સ્વીકારે છે. ઘરમાં સતત નજર કેદ હોય તેવો અહેસાસ તરુણોને થઇ રહ્યો છે. મિત્રો સહેલી સાથે બહાર ન જઈ શકવાથી તરુણો સ્ટ્રેસ અનુભવી રહ્યા છે. ઘર છોડી ભાગી જતા તરુણો સાથેની વાતચીતમાં પેરેન્ટિંગ સ્ટાઇલ જવાબદાર. ( મનોવિજ્ઞાન ભવનમાં 27 તરુણોના વાલીઓએ કહેલ કે ઘરેથી ભાગી જાય છે આખો આખો દિવસ ઘરે આવતા નથી.)
ઘરેથી ભાગી ગયેલા તરુણોએ ખુલાસો કર્યો કે તેઓએ પરિવારના અતિશય નિયંત્રણ અને દબાણથી છુટકારો મેળવવા માટે આ રીત અપનાવી હતી. ઘરના સભ્યોની સજાના ડરથી ઘરેથી ભાગ્યા હતા. વધુ પડતા રક્ષણાત્મક વાતાવરણને કારણે તેમની સ્વતંત્રતા ખોરવાઈ રહી છે. 28% તરુણોના કહ્યા મુજબ, તેઓ પ્રેમ સંબંધના કારણે ઘરેથી ભાગી જવાનું વિચારે છે. 22 ટકા તરુણોએ કહ્યું કે માતા-પિતાએ તેમની જવાબદારી બરાબર નિભાવી નથી. અપેક્ષાઓ પૂર્ણ ન થવાને કારણે ઘરની બહાર નીકળી ગયા. 25% તરુણો તેમની બળવાખોર વૃત્તિને કારણે ઘર છોડી ગયા. 9 ટકા તરુણોને લાગ્યું કે તેમના પરિવારના સભ્યોમાં કોઈ સુમેળ કે સહકાર નથી. 12% તરુણો સ્વીકારે છે કે તેમના માતાપિતા તેમનો દુરુપયોગ કરે છે અને માર મારતા હોય છે. આથી નિરાશ થઈને તે ઘરેથી ભાગ્યા હતા.
તરૂણોની વ્યથા
36% તરુણોએ સ્વીકાર્યું કે ઘરેથી ભાગી જવાનું મન થાય છે. 18% તરુણોએ કહ્યું કે ઘણીવાર ઘરે કહ્યા વગર આખો દિવસ દોસ્તો સાથે રખડવા જતા રહીએ છીએ. 54% તરુણોએ કહ્યું કે ઘર પરિવારના લોકો અમારો અનાદર કરતા હોય, અમે બુદ્ધિ વગરના અને રખડું છીએ એવું માને છે. 27% તરુણોએ કહ્યું કે નાના ભાઈ બેન પર સરખું ધ્યાન આપે જયારે અમે મોટા છીએ એ ગુનો હોય એવું લાગે છે.
પરિવારમાં ઉછેરમાં ભેદભાવ હોવાનું 18% તરુણો માને છે. 27% કિશોરો તણાવ, ઉદાસ કે નિરાશામાં છે, 11 % વિચલિત હતા અને મોટા ભાગનાં સમયમાં પોતાના કાર્યમાં એકાગ્રતા કેળવી શકતા ન હતા. જ્યારે 8 % કિશોરો એકલતા અનુભવતા હતાં. આમ , તણાવ વિચલિતતા , ચિંતા અને એકલતા અનુભવતા 63 % કિશોરો છે બાકીના 37 % સામાન્ય અને સ્વસ્થ હોવાનું જણાવે છે.
આ સર્વેમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે
- 93% લોકોએ સ્વીકાર્યું કે સાંપ્રત સમયમાં અમારી નજરે ચડેલ તરુણો માનસિક, સામાજિક સમસ્યાઓ અનુભવતા હોય એવું અમને લાગે છે.
- શું આજના તરુણો માતા પિતાના હસ્તક્ષેપથી છુટકારો મેળવવા ઈચ્છે છે? આ પ્રશ્નના જવાબમાં 90% લોકોએ હા કહી.
- 90%એ જણાવ્યું કે આજનો તરુણ બીજાની સુવિધા પર ઓછુ ધ્યાન આપી સરખા જવાબો નથી આપતા.
- 90% લોકોએ જણાવ્યું કે આજના તરુણો ઝડપી ક્રોધમાં આવી ઉત્સુકતા બતાવે છે.
- 50% લોકોએ જણાવ્યું કે આજના તરુણો સ્વતંત્રતા મેળવવા માટે માતા પિતા સાથે દલીલ અને જગડો કરે છે.
- 60% લોકોએ જણાવ્યું કે આજના તરુણો પોતાની ટીકા સાંભળી ગુસ્સે થઇ જાય છે.
- 80% લોકોએ સ્વીકાર્યું કે તરુણોમાં ઘર મુકીને ભાગી જવાનું વર્તન વધ્યું છે.
- 80% લોકોએ જણાવ્યું કે આજના તરૂણોમાં ડિપ્રેશન સ્ટ્રેસ, એકલતા વધ્યા હોય એવું અમને લાગે છે.