વિશ્વભરમાં કોવિડ 19 વાયરસથી ઘણા લોકોના જીવન જોખમમાં મુકાયેલા છે, આ પરિસ્થિતિમાં બગસરા શહેર પણ બાકાત રહેલ નથી. ત્યારે કોરોના મહામારીની પરિસ્થિતિમાં પોતાના જીવનને જોખમમાં મુકી લોકોના સ્વાસ્થ્યની ખેવના કરનાર કોરોના વોરિયર્સ એવા બગસરા સામુહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરોથીથી લઈ સ્વિપર સુધીના 32 કર્મચારીઓનું સન્માન તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એચ કે મકવાણા પોલીસ સબ ઇન્સ્પેક્ટર યુ એફ રાવલને મોમેન્ટથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સાથે જ વયમર્યાદાના કારણે નિવૃત્ત થનાર મામલતદાર આઈ.એસ તલાટને નિવૃત્તિ સન્માન અને કોરોના વોરિયર્સ એવા બગસરા તાલુકા હેલ્થ ઓફિસર સ્વર્ગીય ડોક્ટર મિતેષ ગોંડલિયા સાહેબને મરણોત્તર એવોર્ડ અને બગસરા સામુહિક આરોગ્ય કેન્દ્રની જરૂરિયાત મુજબ મંડળી દ્વારા સ્ટ્રેચર અર્પણ કરવા જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ બગસરા નાગરિક શરાફી મંડળીના એમ.ડી . નિતેશભાઇ ડોડીયા, શરાફી મંડળીના ચેરમેન રશ્વિન ભાઈ ડોડીયા અને મંડળીના સ્ટાફ દ્વારા નાગરિક શરાફી મંડળી અરવિંદભાઇ મણીઆર ભવન ગોંડલીયા ચોક ખાતે યોજાયો હતો. ચતુર્થ સમારોહમાં હાલ કોરોના મહામારી ધ્યાને લઇ કાર્યક્રમમાં મર્યાદિત લોકોને જ આમંત્રિત કરવામાં આવ્યા હતા અને આગેવાનોની ઉપસ્થિતિમાં બગસરાના તમામ કોરોના વોરિયર્સને સન્માનિત કરવામાં આવ્યા હતા.