ગરીબો માટેના અનાજને બનાવટી બીલો બનાવી બારોબાર ખુલ્લા બજારમાં વેંચી નાખવાના ગુજરાત વ્યાપી કૌભાંડને ઝડપી લેવામાં અમદાવાદ સિટી ક્રાઈમ બ્રાંચને સફળતા મળી છે. રેશનકાર્ડના બહુ આયામી કૌભાંડ બદલ પોલીસે 8 શખ્સોની ધરપકડ કરી લીધી હતી. જે લોકોએ માસીક અનાજનો જથ્થો પ્રાપ્ત કર્યો ન હોય તેવા લોકોના નામ શોધી કાર્ડધારકોના નામે રેશનનો જથ્થો બારોબાર વેંચી નાખવાનું કૌભાંડ લાંબા સમયથી ચાલી રહ્યું હતું એવું પોલીસની પ્રારંભીક તપાસમાં બહાર આવ્યું છે. આ કૌભાંડથી ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.
સિટી ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ જણાવ્યું હતું કે, કૌભાંડકારી ટોળકીએ ગેમ્સ સ્કેનના નામે એક ખાસ કોમ્પ્યુટર સોફટવેર તૈયાર કર્યો હતો. જેના મારફત રેશનકાર્ડ પર અનાજ ન લેનારા લોકોની માહિતી મેળવવામાં આવતી હતી અને એકત્ર કરવામાં આવી હતી. ત્યારબાદ અનાજનો આ જથ્થો રેશનકાર્ડ દુકાનદારની મીલીભગત સાથે ખુલ્લા બજારમાં વેંચી મારવામાં આવતો હતો. તે માટે ખોટા બીલ પણ તૈયાર કરી લેવામાં આવતા હતા. પોલીસે જણાવ્યું હતું કે, આ કૌભાંડ અમદાવાદ પુરતું સીમીત નથી પરંતુ રાજ્ય વ્યાપી છે.
હજુ વધુ ધરપકડો થવાની સંભાવના છે. કેટલાંક ચોક્કસ રેશન શોપ માલીકો અને વચેટીયાઓની મદદથી આ ટોળકી સરકારનો ગરીબો માટેનો અનાજનો જથ્થો બારોબાર વેંચી મારતી હતી અને જંગી નફો રળી લેતી હતી. સોફટવેર મારફત રેશનકાર્ડ લાભાર્થીઓના નામ તેમના આધારકાર્ડ નંબર, રેશનકાર્ડ નંબર અને બાયોમેટ્રીક વિગતો મેળવી લેવામાં આવતી હતી. રાશનકાર્ડના દુકાનદારના સોફટવેરમાંથી યુઝર નેમ અને પાસવર્ડ પણ મેળવી લેવામાં આવતા હતા. જેની મદદથી લાભાર્થીઓ માટેનો અનાજનો જથ્થો માસાંતે ખુલ્લા બજારમાં વેંચી મારવામાં આવતો હતો. રેકર્ડ પર એવું દર્શાવવામાં આવતું હતું કે, કાર્ડ ધારકોએ તેમનો માસીક પુરવઠો મેળવી લીધો છે. લાંબા સમયથી આ કૌભાંડ ચાલી રહ્યું હતું.
સૌપ્રથમ આ વ્યાપક કૌભાંડની પ્રારંભીક બાતમી મળ્યા બાદ પોલીસે અલ્પેશ ઠક્કર નામના એક શખ્સે ઝડપી લીધો હતો. આ શખ્સ રાશનકાર્ડ, દુકાનદારો પાસેથી વિગતો મેળવતો હતો. ઠક્કરના મોબાઈલ ફોનમાંથી તમામ વિગતો પ્રાપ્ત કરવામાં આવી છે અને વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે. પોલીસે અલ્પેશ પાસેથી મળેલી માહિતીના આધારે દુકાનદારો પાસેથી બે સોફટવેર એપ પુરી પાડનાર રફીક માનેશીયા, ઝાવેદ રંજરેજ, લતીફ માનેશીયા અને મુસ્તુફા માનેશીયાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ ગેમ્સ સ્કેન સોફટવેર બનાવનાર કૌશીક જોષી તથા દિપક ઠાકોરની પણ ધરપકડ કરી દલેવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લામાંથી સેવ ડેટા સોફટવેર સપ્લાય કરનાર હિતેશ ચૌધરીને પણ પોલીસે ઝડપી લીધો હતો.