જય વિરાણી, કેશોદ: કેશોદ શહેરમાં માંગરોળ રોડ પર આવેલા ખાનગી માલિકીના બહુમાળી બિલ્ડીંગ પર મોબાઈલ ટાવર ઉભો કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરી શરૂ થતા આસપાસના વિસ્તારના લોકો એકઠાં થઈ હોબાળો મચાવ્યો હતો. કેશોદ નગરપાલિકા પ્રમુખનાં વિસ્તારમાં જ આસપાસના રહેવાસીઓને અંધારામાં રાખી મોબાઈલ ટાવર ઉભો કરવાની NOC આપી દેવામાં આવી છે.
NOC પરથી એ સાબિત થાય છે કે, સ્થાનિક નગરપાલિકાનું તંત્ર રામભરોસે ચાલી રહ્યું છે. અને નિયમો અને પરિપત્રોને મનફાવે એવાં અર્થઘટન કરી મનમાની ચલાવી રહ્યા છે. કેશોદ શહેરમાં વગર મંજુરીએ પણ સંખ્યાબંધ મોબાઈલ ટાવર ખડકી દેવામાં આવેલાં છે. ત્યારે નિયમોને નેવે મૂકીને શહેરીજનો માટે જોખમરૂપ મોબાઈલ ટાવર ઉભા કરવા આડેધડ કામગીરી પ્રાથમિકતાનાં ધોરણે ચાલી રહી છે.
આધારભૂત સૂત્રોના જણાવ્યાં મુજબ મોબાઈલ ટાવર અને કેબલ નાંખવાની કામગીરી વધું પડતી રાજકીય આગેવાનો કે માફીયાઓ દ્વારા કરવામાં આવતી હોય છે. ત્યારે આવાં તત્વો ઉપરથી દબાણ કરાવી પોતાનું ધાર્યું કામ કરાવે છે. કેશોદના માંગરોળ રોડ પર મોબાઈલ ટાવર ઉભો કરવાની કામગીરી કાગળ પર કાયદેસર સ્થાનિક રહીશોને અંધારામાં રાખી થઈ ગયેલી છે, ત્યારે સત્તાધિશોને ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 હેઠળ NOC રદ્ કરે તો જ જીવન પર જોખમરૂપ મોબાઈલ ટાવરનું કામ અટકાવી શકાય તેમ છે.