મુંબઈના જૂના ફોર્ટ વિસ્તારમાં શુક્રવારે સવારે 7:30 વાગ્યાના સુમારે 5 માળની એક ઈમારત પત્તાના મહેલની જેમ જમીન દોસ્ત થઈ ગઈ હતી. પરિણામે સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. ઘટના સ્થળે ધસી ગયેલા ફાયર બ્રિગેડ સ્ટાફ અને સ્થાનીકો દ્વારા 34 જેટલા લોકોનં રેસ્કયુ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં સદ્નસીબે કોઈ જાનહાની થઈ નથી.
દક્ષિણ મુંબઈના ફોર્ટ વિસ્તારમાં આશાપુરા નામની આ ઈમારત સવારે અચાનક કડડભૂસ થઈ ગઈ હતી. પરિણામે લોકોમાં ભારે ભાગદોડ મચી જવા પામી હતી. ફાયર બ્રિગેડની ટૂકડીઓ, પોલીસ અને મનપાના આરોગ્ય વિભાગની ટુકડીઓ ઘટના સ્થળે ધસી ગઈ હતી અને લોકોનું રેસ્ક્યુ યુદ્ધના ધોરણે કરવામાં આવ્યું હતું.
ફાયર બ્રિગેડ સ્ટાફ દ્વારા કાટમાળ હેઠળથી 24થી વધુ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. કોઈ જાનહાની થયાના અહેવાલ મળ્યા નથી.આ લખાય છે ત્યારે હજુ કાટમાળ હેઠળથી લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે.