અમેરિકાના દળોએ અફઘાનિસ્તાનની ભૂમી પરથી વિદાય લીધા બાદ પઠાણી રાષ્ટ્ર ફરીથી તાલીબાનોના કબજામાં આવી જશે તેવી વિશ્વની આશંકા ખોટી પડી રહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છોડેલું જાદૂઈ રાજકીય બ્રહ્માસ્ત્ર ધાર્યા નિશાન પાર પાડવામાં સફળ થઈ રહ્યું છે. તાજેતરમાં બનેલી ઘટનાઓ પરથી એ સ્પષ્ટ બની રહ્યું છે કે, અફઘાનિસ્તાનમાં તાલીબાનો ફરી માથુ ન ઉંચકે અને એશિયા પર સુરક્ષાનો ખતરો ન સર્જાય તે માટે વડાપ્રધાન મોદીની રાજદ્વારી યોજના અને પાછલા બારણાની ડિપ્લોમસી કારગર સાબીત થઈ રહ્યાં છે.
કાબુલ સહિતના વિસ્તારોમાં તાલીબાનો માટે પીછેહટ કરવાનો સમય આવ્યો છે. ભારતના સતત રાજદ્વારી પ્રયાસો અને પ્રચંડ દબાણના કારણે તાલીબાનો માટે માથુ ઉંચકવાની જગ્યા રહી નથી તેવી પરિસ્થિતિ હવે અફઘાનિસ્તાનમાં નિર્માણ થઈ રહી છે.
મોદીના અફઘાન પ્લાનની સફળતાના સંકેતરૂપે ગઈકાલે પશ્ર્ચિમ અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં 130 જેટલા તાલીબાની આતંકવાદીઓ શરણે આવી ગયા હતા અને અફઘાન સરકાર સામે શસ્ત્ર હેઠા મુકી દીધા હતા. તાલીબાનીઓએ શરણે થતાં સમયે 85 જેટલી એકે-47 રાયફલ, 5-પીકે ગન અને સંખ્યાબંધ રોકેટ પ્રેરીત ગ્રેનેડનો જથ્થો પણ સત્તાવાળાઓને સોંપી દીધો હતો. મોટા પ્રમાણમાં દારૂગોળો પણ કબજે લેવાયો હતો. આ રીતે મોદીજીએ અફઘાન પ્લાન અમલમાં મુકતાની સાથે જ શક્તિશાળી તાલીબાની સંગઠનને પહેલો મોટો ફટકો પડ્યો છે.
અફઘાનિસ્તાનમાં તાજેતરના સમયમાં સંખ્યાબંધ શહેરો અને જિલ્લા પર તાલીબાનોનું વર્ચસ્વ વધી રહ્યું હતું. અમેરિકાએ પણ પરિસ્થિતિ ગંભીર ગણાવી હતી અને ત્યાં સુધી આગાહી કરી દીધી હતી કે, અફઘાની પાટનગર કાબુલ ગમે ત્યારે તાલીબાનોના હાથમાં જઈ પડશે. અમેરિકાના ભયસુચક સિગ્નલની સામે મોદી બ્રહ્માસ્ત્ર અફઘાનિસ્તાનમાં અલગ પરિસ્થિતિનું નિર્માણ કરી રહ્યું છે અને તાલીબાનો હેરાત જેવા મહત્વના વિસ્તારોમાં પીછેહટ કરવા મજબૂર બન્યા છે. એ દર્શાવે છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અફઘાન મિશન ધાર્યા નિશાન પાર પાડવા લાગ્યું છે. જેના કારણે તાલીબાની સંગઠનોમાં ભય અને ફફડાટની લાગણી પ્રસરી છે.
અમેરિકાએ જે ખાલીપો ઉભો કર્યો છે તેનું સ્થાન તાલીબાન ન લે તે દિશામાં ભારતે ખુબજ સમયસર રાજદ્વારી પગલા લેવાનું શરૂ કર્યું છે. જેના કારણે અફઘાનિસ્તાનને પુરેપૂરું હસ્તગત કરી લેવાની તાલીબાનોની મહેચ્છા પર અત્યારે જોરદાર બ્રેક લાગી છે તેવું રાજકીય નિરીક્ષકો કહી રહ્યાં છે. અત્યારે ભલે તાલીબાનો અફઘાનિસ્તાનના 370 જિલ્લાઓમાંથી 50 જિલ્લાઓ પર અંકુશ ધરાવે છે પરંતુ હેરાની પીછેહટ તેમના વળતા પાણીનો મજબૂત સંકેત આપી રહી છે.
જે જિલ્લાઓમાં અફઘાની દળો ગોઠવાયેલા નથી ત્યાં તાલીબાનોએ ધાક જમાવવા કોશીષ કરી છે એ સીવાયના વિસ્તારોમાં તેમની કારી ફાવી નથી. અમેરિકનો હવે અફઘાની ભૂમી પર પાછા ફરવા જરા પણ ઈચ્છુક નથી એટલે રાજદ્વારી રીતે તેમને અફઘાનિસ્તાનમાં કોઈ રસ રહ્યો નથી જેનો ગેર લાભ ઉઠાવવાની તાલીબાનોની મનની મનમાં રહી જવા પામી છે અને તે માટે સંપૂર્ણ યશ મોદી બ્રહ્માસ્ત્રને જ આપવો પડે.
પાકિસ્તાનીઓની દુનિયામાંથી હકાલપટ્ટી
પાકિસ્તાનીઓ પોતાની ભૂમિ પર રહીને જે રીતે દુનિયા આખી માટે શિરદર્દ બને છે તે રીતે અન્ય દેશોમાં રહેવા જતાં હોય તો પણ સખણા રહેતા નથી. 2015ની સાલથી 138 દેશોમાંથી આવા અનેક અવળચંડા પાકિસ્તાની નાગરિકોની હકાલપટ્ટી કરી નાખવામાં આવી છે. પાકિસ્તાનના મિત્ર ગણાતા દેશોએ પણ અનેક પાકિસ્તાનીઓને હાંકી કાઢ્યા છે. સાઉદી અરેબીયા, ઓમાન, યુએઈ, કતાર, બહેરીન, ઈરાન અને તુર્કીમાંથી કુલ 6,18,887 પાકિસ્તાનીઓને તગેડી મુકવામાં આવ્યા હતા. છેલ્લા 6 વર્ષમાં એકલા સાઉદી અરેબીયામાંથી 3,21,590 પાકિસ્તાનીઓને ઘરભેગા કરવામાં આવ્યા હતા. ગયા વર્ષે પણ સાઉદી ભૂમી પરથી 19,333 પાકિસ્તાનીઓને દેશમાંથી હાકી કાઢવામાં આવ્યા હતા. હકાલપટ્ટીના સ્પષ્ટ કારણો હજુ જાહેર કરવામાં આવ્યા નથી પરંતુ બાંગ્લાદેશી
નાગરિકોની જેમ પાકિસ્તાની નાગરિકો જે દેશમાં જાય ત્યાં ગુનાખોરીના કામોમાં સંડોવાઈ જતાં દેખાયા છે જેના કારણે સ્થાનિક પ્રજાના રોષનો ભોગ બનતા હોય છે. પરિણામે કોઈ દેશમાં સરખી રીતે રહી શકતા નથી.
ભારત તમામ પાડોશીઓ સાથે હંમેશા સોહાર્દપૂર્વક સંબંધ ઈચ્છે છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વેગીલી અફઘાન ડિપ્લોમસીની પ્રક્રિયા વચ્ચે વિદેશ મંત્રાલય દ્વારા આજે સુચક સંકેત આપવામાં આવ્યો હતો કે, પાકિસ્તાન સહિત તમામ પાડોશી દેશો સાથે ભારત સારા અને સુમેળભર્યા સંબંધો રાખવા ઈચ્છુક છે. વિદેશ મંત્રાલયના પ્રવકતા અરિંદમ બાગચીએ સાથે સાથે એવી સ્પષ્ટ ટકોર પણ કરી હતી કે, ભારત પાડોશીઓ સાથે સુમેળ ઈચ્છે છે પરંતુ કોઈપણ દેશની ભૂમિનો ત્રાસવાદીઓ માટે દૂરઉપયોગ થાય તે પણ ચલાવી લેવા માંગતું નથી.
અન્ય દેશમાં સીમા પારથી આતંકવાદની નિકાસ થતી રોકવા અને અન્ય દેશની ભુમિનો ત્રાસવાદ માટે ઉપયોગ થતો અટકાવવા માટે વિશ્ર્વસનીય, નક્કર અને વૈવિધ્યસભર પગલા લેવા પર ભારતે ભાર મુક્યો છે. તેમણે જણાવ્યું હતું કે, પાકિસ્તાને તેમની ભૂમિનો આતંકવાદી ઉપયોગ ન કરે તે માટે તેમને વિશ્ર્વાસપાત્ર, વૈવિધ્યસભર અને નક્કર પગલા લઈને સુમેળભર્યું
વાતાવરણ ઉભુ કરવું પડશે. જેથી સીમા પારથી ભારતમાં આતંકવાદી ઘુસણખોરી થતી અટકે. અફઘાનિસ્તાનમાં નવીદિલ્હીની ભૂમિકા અંગે પાકિસ્તાની વિદેશ મંત્રી કુરેશીના વિધાનો અંગે બાગચીએ જણાવ્યું હતું કે, ભારતે અફઘાનિસ્તાનમાં ડેમ બાંધ્યા છે. શાળાઓ ઉભી કરી છે, વીજળી પુરવઠો પુરો પાડ્યો છે અને માળખાકીય સવલતો ઉભી કરી છે. પાકિસ્તાને અફઘાનિસ્તાનને શું આપ્યું એ આખી દુનિયા જાણે છે. ભારત અફઘાનિસ્તાનમાં શાંતિ ઈચ્છે છે એટલે જ નવીદિલ્હીએ અફઘાનિસ્તાનમાં વર્ચસ્વ ધરાવતા તમામ જુથો સાથે સંપર્ક જાળવ્યો છે.