પેન્શનરોને બેંકીગની કાર્યવાહીમાં વધુ સરળતા થાય એ માટે કેન્દ્ર સરકારે એક રાહતરૂપ નિર્ણય લીધો છે. જે બેંકો પેન્શનધારકોના ખાતા ધરાવે છે તે તમામ પેન્શન ખાતાધારકોને એમને મળતાં પેન્શન સહિતની એમના ખાતાની તમામ વિગતો દર મહિને પૂરી પાડવાનો તમામ બેંકોને આદેશ આપવામાં આવ્યો છે.
પેન્શન ખાતામાં જમા થયા બાદ કેટલી રકમ આવી, કેટલાં વેરાની કપાત થઇ એ તમામ વિગતોની સ્લીપ બેંકોએ દર મહિને અચૂકપણે પેન્શન ખાતા ધારકોને આપવાની રહેશે.
કેન્દ્રના પર્સોનલ અને પેન્શન મંત્રાલય દ્વારા આ અંગેનો ખાસ આદેશબહાર પાડવામાં આવ્યો છે. કેમ કે, પેન્શન ધારકોને આવક વેરા, મોંઘવારી ભથ્થુ તથા અન્ય ભથ્થા વગેરે માટે એમના ખાતાની માહિતીની જરૂર પડતી હોય છે. એ માટે જે બેંકો પેન્શનરોના ખાતા ધરાવતી હોય એ તમામ બેંકોએ દર મહિને પેન્શન સહિતની વિગતોની સ્લીપ પેન્શનરોને મોકલવાની રહેશે.
પેન્શન જમા થયા પછી એ ખાતા ધારકોના મોબાઇલ પર એસએમએસ મારફત, ઇ-મેઇલ પર દર મહિને પેન્શન ખાતાની વિગતો મુકવાની રહેશે. વોટ્સએપ્પ ઉપર પણ વિગતો મોકવી શકાશે. પેન્શનરોના ઇઝ ઓફ લિવિંગના સરકારના મંત્રને સાકાર કરવા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.