રાજકોટ મહાનગરપાલિકાના 31માં મ્યુનિસિપલ કમિશનર તરીકે આજે અમીત અરોરાએ વિધિવત ચાર્જ સંભાળી લીધો છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેર પૂર્વે રાજકોટમાં 100 ટકા વેક્સિનેશનનો લક્ષ્યાંક સિધ્ધ થાય તે કામને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે તેવું જણાવ્યું હતું.
પ્રાથમિક સુવિધાઓને વધુ પ્રાધાન્ય આપી રાજકોટવાસીઓનું જીવન ધોરણ સુધારાશે: મ્યુનિ.કમિશનર તરીકે વિધિવત ચાર્જ સંભાળતા અમીત અરોરા
શાસક પાંખ સાથે સંકલન રાખી પારદર્શક વહીવટ ચલાવવાનો અને તમામ પ્રોજેકટ સમયમર્યાદામાં પૂર્ણ કરવાનો પ્રયાસ કરાશે
સ્માર્ટ સિટીમાં રાજકોટ શા માટે પાછળ ધકેલાયું તેની પણ સમીક્ષા થશે: ચોમાસાની સીઝનમાં જ્યાં વરસાદી પાણી ભરાય છે તે સમસ્યા હલ કરવાનો પુરતો પ્રયાસ કરવાની ખાતરી
કમિશનર તરીકે વિધિવત ચાર્જ સંભાળ્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા અમીત અરોરાએ જણાવ્યું હતું કે, હાલ રાજકોટમાં કોરોના વેક્સિનેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેર પૂર્વે 18 વર્ષ કે તેથી વધુ વયના તમામ લોકોને વેક્સિન આપી સુરક્ષીત કરી શકાય અને વેક્સિનેશનનો ટાર્ગેટ 100 ટકા પૂર્ણ થાય તે દિશામાં કામ કરવામાં આવશે.
થર્ડ વેવ પૂર્વેની તમામ તૈયારીઓની યોગ્ય સમીક્ષા કરવામાં આવશે. સરકાર દ્વારા મહાપાલિકાને જે સાધન સામગ્રી ફાળવવામાં આવી છે તેનો ટેકનોલોજી સાથે ઉપયોગ કરવામાં આવશે. નિયત મર્યાદામાં રસીકરણની કામગીરી પૂર્ણ થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ચૂંટાયેલી પાંખ સાથે યોગ્ય સંકલન રાખી પ્રાથમિક સુવિધાના કામોને પણ એટલું જ મહત્વ આપવામાં આવશે. જે પ્રોજેકટ ચાલી રહ્યાં છે તે નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવા માટે પ્રયાસ કરવામાં આવશે.
ટેક્સ, પાણી, ડ્રેનેજ, લાઈટ, રોડ-રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાના કામોને પણ અગત્યતા આપવામાં આવશે. લોકોનું જીવન ધોરણ સુધરે તેવા તમામ પ્રયાસો કરાશે. સંતોષકારક અને પારદર્શક વહીવટ આપવાની તેઓએ નેમ વ્યકત કરી હતી.
સ્માર્ટ સિટીમાં અન્ય શહેરોની સરખામણીએ રાજકોટ ખુબજ પાછળ ધકેલાઈ ગયું છે તેનું કારણ શું અને ફરી રાજકોટ સ્માર્ટ સિટીના ટ્રેક પર આવે તે માટે શું કામગીરી કરવામાં આવશે તેવા સવાલનો જવાબ આપતા નવનિયુક્ત મ્યુનિ.કમિશનર અમીત અરોરાએ ઉમેર્યું હતું કે, સ્માર્ટ સિટીના રેન્કીંગમાં પાછળ ધકેલલાવામાં ક્યાં ચૂક થઈ છે તેની યોગ્ય સમીક્ષા કરવામાં આવશે અને સ્માર્ટ સિટીના કામો હવે ઝડપથી આગળ વધે તે દિશામાં કામગીરી કરવામાં આવશે. પ્રી-મોન્સુન કામગીરીની સમીક્ષા કરાશે.
ગત વર્ષે ચોમાસાની સીઝનમાં ક્યાં-ક્યાં વરસાદી પાણી ભરાયા હતા તેના ડેટા મેળવી આ વર્ષે આ વિસ્તારોને વરસાદી પાણી ભરાવાની સમસ્યામાંથી મુક્તિ મળે તે માટેની પણ કામગીરી કરવા અંગે તેઓએ પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી. આજે મ્યુનિ.કમિશનર અમીત અરોરા સાથે ડીએમસી આશિષકુમારે પણ વિધિવત ચાર્જ સંભાળી લીધો હતો.
શાસકોને સંકલનનો કોલ આપતા અરોરા
મ્યુનિ.કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ અમીત અરોરાએ મહાપાલિકાના મેયર ડો.પ્રદિપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષના નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. પદાધિકારીઓએ તેને બુકે આપી વધાવ્યા હતા. અમીત અરોરાએ વહીવટી પાંખ અને શાસક પક્ષ વચ્ચે યોગ્ય સંકલન રાખવાનો કોલ આપ્યો હતો. સાથે સાથે જુદા જુદા પ્રોજેકટ જેવા કે, ઓવરબ્રિજ, રામવન, અટલ સરોવર અને પ્રાથમિક સુવિધાના કામોને તબક્કાવાર આગળ વધારાશે તેવું જણાવ્યું હતું.
મુખ્યમંત્રીના હોમટાઉનમાં અમીત અરોરા પાસે વધુ કામની આશા
રાજકોટ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું હોમટાઉન હોય અહીં ટ્રાન્સફર થઈ આવતા તમામ સનદી અધિકારીઓ પાસે અન્ય શહેરોની સરખામણીએ વધુ કામોની અપેક્ષા રહેતી હોય તો સ્વાભાવિક છે. કારણ કે, કોઈ પ્રોજેકટમાં જો સામાન્ય ચૂક પણ થાય તો તેની નોંધ રાજ્ય સ્તરે લેવામાં આવતી હોય છે. આજે મહાપાલિકાના 31માં મ્યુનિસિપલ કમિશનર તરીકે અમીત અરોરાએ ચાર્જ સંભાળી લીધો છે.
રાજકોટવાસીઓ આમ પણ અધિકારીઓ પાસે સવિશેષ કામની અપેક્ષા રાખતા હોય છે. હવે તો રાજકોટ મુખ્યમંત્રીનું હોમટાઉન બની ગયું છે. અહીં કેટલાંક પ્રોજેકટો હાલ ધમધમી રહ્યાં છે જે સમય મર્યાદામાં પૂર્ણ થાય તેવી અપેક્ષા નવનિયુક્ત કમિશનર અમીત અરોરા પાસે રાજકોટવાસીઓ રાખી રહ્યાં છે. આટલું જ નહીં ચોમાસાની સીઝનમાં સામાન્ય વરસાદમાં પણ શહેરના અમુક વિસ્તારો જળમગ્ન બની જાય છે તે સમસ્યામાંથી છુટકારો અપાવવાની ખાતરી ચોક્કસ કમિશનર દ્વારા આપવામાં આવી છે. જો આ કામ થઈ જાય તો સૌથી શ્રેષ્ઠ કામ ગણવામાં આવશે.