જય વિરાણી, કેશોદ: કોરોના વાયરસને નાથવા સરકારે રસીકરણ અભિયાને વેગ આપ્યો છે. દેશમાં દરેક લોકોને રસી મળી રહે તે માટે સરકારે રસીકરણ કેન્દ્રો શરૂ કર્યા છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા યોગ દિવસ થી 18+ ની કોરોના વેકસીન વિનામૂલ્યે સ્થળ પર આપવાની જાહેરાત કરવામાં આવેલ છે. ત્યારે કેશોદ આરોગ્ય વિભાગ દ્વારા વધું પ્રમાણમાં લોકો રસીકરણનો લાભ મેળવી સુરક્ષિત બને એ હેતુથી સરકારી દવાખાને ઉપરાંત કેશોદ વિવિધ વિસ્તારોમાં ધાર્મિક સ્થળો અને શૈક્ષણિક સંસ્થાઓમાં વિનામૂલ્યે રસીકરણનું આયોજન કરવામાં આવેલું હતું.
કેશોદના અમૃત નગર ખાતે આવેલ ક્રિષ્ના સ્કૂલ ખાતે કોરોના વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો. કેશોદ અર્બન હેલ્થ સેન્ટર અને ક્રિષ્ના સ્કૂલ સાથે મળીને આ કોરોના વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. કોરોના વેક્સિનેશન કેમ્પમાં 18 વર્ષથી લઇ અને 44 વર્ષના લોકોએ બહોળી સંખ્યામાં કેમ્પનો લાભ લીધો હતો. સ્કૂલના ટ્રસ્ટીએ અપીલ કરતા જણાવ્યું કે, ‘કોરોના વેક્સિન વધુમાં વધુ લોકોએ લેવી હિતાવહ છે.’
આજરોજ કેશોદના અમૃતનગર વિસ્તારમાં આવેલી ક્રિષ્ના સ્કૂલમાં યોજાયેલ કોરોના રસીકરણ કાર્યક્રમમાં યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. કેશોદના ધાર્મિક સ્થળો અને શૈક્ષણિક સંસ્થાઓમાં ચાલતાં કોરોના વેકસીન રસીકરણ કાર્યક્રમમાં વધું લોકોને લાભ મેળવવા યુવાનો દ્વારા સોશ્યલ મીડિયાનાં માધ્યમથી પ્રેરિત કરવામાં આવી રહ્યાં છે. કેશોદ અર્બન હેલ્થ સેન્ટરનાં ડૉક્ટર રક્ષિત જોષી અને વેકસીનેશનની જવાબદારી સંભાળતાં દિપેન અટારાએ અપીલ કરી કહ્યું કે, ‘કોઈ અફવા કે અન્ય ગેરસમજ ધ્યાનમાં લીધાં વગર રસીકરણ માં જોડાઈ પોતે તથા પોતાનાં પરિવાર ને સુરક્ષિત બનાવીએ.’