કોરોનાના કપરા કાળમાં પારાવાર નુકશાની વેઠનાર હોટેલ-રેસ્ટોરન્ટને ચાલુ સાલ મિલકત વેરામાંથી મુક્તિ આપવાની જાહેરાત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા કરવામાં આવી હોવાની વાતને એક પખવાડીયું વિતી ગયું હોવા છતાં હજુ સુધી રાજકોટને આ અંગે કોઇ પરિપત્ર મળ્યો જ નથી. જેના કારણે હોટેલ-રેસ્ટોરન્ટના સંચાલકોમાં થોડુ દોડધામ મચી જવા પામી છે. આગામી સપ્તાહે વેરા-વળતર યોજના પૂર્ણ થઇ રહી છે. ત્યારે બંને બાજુથી ન રહે તેવો ભય પણ સતાવી રહ્યો છે.
મુખ્યમંત્રી દ્વારા હોટેલ-રેસ્ટોરન્ટને મિલ્કત વેરામાંથી મુક્તિ આપવાની સત્તાવાર ઘોષણા કરાયા બાદ કોર્પોરેશનની ટેક્સ બ્રાન્ચ દ્વારા શહેરમાં કેટલી હોટેલ અને રેસ્ટોરન્ટ છે તેની આંકડા જાહેર કરવામાં આવ્યા છે જે હોટેલ પાસે ફૂટ લાઇસન્સ છે તેને ધ્યાનમાં રાખી શહેરમાં 242 હોટલ-રેસ્ટોરન્ટ છે તેવું જાહેર કરવામાં આવ્યું છે જેનાથી ટેક્સ પેટે 2.5 કરોડનું ગાબડું પડશે તેવું દર્શાવવામાં આવ્યું હતું. વાસ્તવમાં મહાપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ કરતા શહેરમાં ત્રણ ગણીથી હોટેલ કે રેસ્ટોરન્ટ આવેલા છે.
જે આ વર્ષે ટેક્સમાંથી આપવા અંગેનો રાજ્ય સરકારનો પરિપત્રનો હજુ સુધી મળ્યો નથી જેના કારણે સંચાલકોમાં દોડધામ મચી જવા પામી છે કારણ કે આગામી સપ્તાહે વેરા-વળતર યોજનાઓ પૂર્ણ થઇ રહી છે. જો ટેક્સ માફી અંગેનો પરિપત્ર ન આવે તો હોટેલ સંચાલકો બંને યોજનાથી વંચિત રહે તેવી દહેશત ઉભી થવા પામી છે. સરકાર કોઇપણ યોજનાની જાહેરાત કરી દે છે પરંતુ સંભવિત વિભાગ દ્વારા આ અંગેનો પરિપત્ર જે-તે શહેર કે ગામને મોકલવામાં આવતો ન હોવાના કારણે સમસ્યાઓ ઉભી થાય છે.