જી.જી. કોવિડ હોસ્પિટલના ચકચારી યૌન શોષણ પ્રકરણમાં વિવાદ અને અનેક આક્ષેપો વચ્ચે આજે એક સપ્તાહ બાદ 2 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. પોલીસ ફરિયાદ બાદ ક્રાઈમ બ્રાન્ચે 2 આરોપીઓ એચ આર મનેજર અને સુપરવાઈઝરને ઉઠાવી લીધા હોવાનું સૂત્રો માંથી જાણવા મળ્યું છે.
શહેરની કોવિડ હોસ્પિટલમાં યૌન શોષણનો મામલો આખા રાજ્યમાં ગાજી રહ્યો છે. મહિલા અટેન્ડન્ટોને મજબૂર કરીને તેમનું શારીરિક શોષણ કરવામાં આવતું હોવાનો ઘટસ્ફોટ થયા બાદ જામનગર રાજકારણનું કેન્દ્ર બની ગયું હતું. આ મામલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ગંભીર નોંધ લઈ જવાબદારો સામે આકરી કાર્યવાહી થશે તેવા સંકેત આપ્યા હતા. રાજ્ય સરકારના આદેશ છૂટ્યા બાદ કલેકટરે એક તપાસ સમિતિની રચના પણ કરી હતી.
આ સમિતિએ ભોગ બનનાર યુવતીઓને સાંભળી તેમના નિવેદનો નોંધ્યા હતા. મહિલા અટેન્ડન્ટસ દ્વારા થયેલા આક્ષેપો મુજબ આરોપીઓ દ્વારા શારીરિક સંબંધ રાખવા દબાણ કરાતું અને વશ ન થાય તેવી યુવતીઓને નોકરીમાંથી કાઢી મુકાતી હતી. આ મામલે પોલીસે આઈપીસી 354 (ક), 114 અને 506(2) મુજબની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, વિધિવત ફરિયાદ થયા બાદ ક્રાઈમ બ્રાન્ચે હોસ્પિટલમાં મેન પાવર પૂરો પાડતી એજન્સીના એચઆર મેનેજર લોમેશ બી. પ્રજાપતિ અને સુપરવાઈઝર અકબરઅલી આમદભાઈ નાયક પઠાણને ઉઠાવી લીધા છે. આ પ્રકરણમાં અન્ય કોણ – કોણ સંડોવાયેલા છે તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
પોલીસ ફરિયાદ નોંધવાની માંગ સાથે મહિલા પંચે ધરણા યોજયા હતા
જી.જી.હોસ્પિટલમાં યૌન શોષણ મામલે મહિલા ન્યાય મંચ દ્વારા ગઇકાલે લાલબંગલા સર્કલ ખાતે ધરણા યોજવામાં આવ્યા હતા. જેમાં જી.જી. હોસ્પિટલની દીકરીઓને ન્યાય આપો અને ગુનેગાર સામે એફઆઈઆર દાખલ કરો તેવા હાથમાં પોસ્ટર લઈને ધરણા પર મહિલાઓ બેઠા હતા અને આવેદનપત્ર પણ એસ.પી ને આપવામાં આવ્યું હતું. તેમજ બીજી બાજુ આવેદનપત્ર અને રજૂઆત કર્યા બાદ મહિલા ન્યાય મંચ લાલ બંગલા સર્કલ ખાતે ધરણા યોજ્યા હતા.
મહિલા ન્યાય મંચ દ્વારા જણાવ્યું હતું કે અમે અઠવાડિયાથી લડાઈ લડી રહ્યા છીએ ત્યારે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સાંસદ દ્વારા પણ આદેશ છતાં ક્યાંક ને ક્યાંક દીકરી ને ન્યાય નથી મળી રહ્યો. ત્યારે અમે લાચાર થઈને છેલ્લો ઉપાય ધરણાનો કરીએ છીએ અને જો હજી ન્યાય નહીં મળે તો કોર્ટના દરવાજા ખખડાવ્યા સિવાય અમારી પાસે બીજો કોઈ રસ્તો નથી તેમ જણાવ્યું હતું.