આગામી ૪ નવેમ્બરે રાજકોટમાં ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે જામશે જંગ
આગામી ૪ નવેમ્બરે યોજાનાર ભારત-ન્યુઝીલેન્ડની ટી ટવેન્ટી ઇન્ટર નેશનલ મેચ અંતર્ગત રાજકોટના ખંઢેરી સ્ટેડીયમ પર ન્યુઝીલેન્ડના ડેલીગેશન સહીત બીસીસીઆઇના મેનેજર ગ્રાઉન્ડ ની તપાસ કરી હતી અને ખેલાડીઓ માટે તથા ક્રિકેટ રમવા માટેની તમામ સગવડોનું નિરીક્ષણ કર્યુ હતું.જેમાં સ્ટેડીયમ ગ્રાઉન્ડ, પીચ અને નેટ પ્રેકટીસ એરીયા અને ઇન્ડોર પ્રેકટીસ જીમ સહીતના વિવિધ વિસ્તારોની મુલાકાત લેતા ન્યુઝીલેન્ડ ટીમના મેનેજર માઇક સેન્ડલે જણાવ્યું હતું કે ખેલાડીઓને રમવા માટેનું આ શ્રેષ્ઠ સગવડ ધરાવતું સ્ટેડીયમ છે. જયારે ન્યુઝીલેન્ડની સીકયુરીટી ટીમના વડા કુપરે જણાવ્યું હતું કે સીકયુરીટીની બાબતે અહી વહીવટી તંત્ર દ્વારા વિશેષ કાળજી રખાય છે. જેનાથી અમે સંતુષ્ટ છીએ. ન્યુઝીલેન્ડના પ્રતિનિધિઓએ સ્ટેડીયમ પરની સ્વચ્છતાની પણ નોંધ લીધી હતી. આગામી મેચ ન્યુઝીલેન્ડ માટે રાજકોટની ની બીજી મુલાકાત બની રહેશે આ અગાઉ ૧૯૯૯ માં પાંચ નવેમ્બરે ન્યુઝીલેન્ડ ભારત સામે વન-ડે મેચ રમી હતી જેમાં ન્યુઝીલેન્ડે મેચ જીત્યો હતો. જયારે રાજકોટમાં ટી ટવેન્ટીમેચ પણ આંતરરાષ્ટ્રીય લેવલની બીજી મેચ હશે આ અગાઉ ૧૦ ઓકટોમ્બર ૨૦૧૩ના રોજ ખંઢેરી સ્ટેડીયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાઇ હતી જેમાં ભારતે વિજય મેળવ્યો હતો.