આગામી તા.24મી જુને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરના ગુપકર જોડાણ સહિતના તમામ ટોચના પક્ષો અને રાજકીય સંગઠનોના નેતાઓ સાથે ખાસ બેઠકનું આયોજન કર્યા બાદ ધીમે ધીમે એ હકીકત સ્પષ્ટ થઈ રહી છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે એશિયામાં પ્રભુત્વ માટે તથા અફઘાની તાલીબાનોને ડબ્બે પુરવાની દિશામાં આગળ વધી રહ્યાં છે અને તેમનો માસ્ટર પ્લાન અમલમાં મુકવાની તૈયારીઓના આખરી તબક્કામાં પહોંચી ગયા છે.
કાશ્મીરના નેતાઓને સાનમાં સમજી જવાનો સ્પષ્ટ સંકેત, 24મી જુને મગનું નામ મરી પાડશે વડાપ્રધાન
વડાપ્રધાનની બેઠકથી પાંચ પક્ષોના ગુપકર જોડાણના પેટમાં તેલ રેડાયાનો ઈશારો કરતા મહેબુબા
જો કે, મોદીજીનો આશય કાશ્મીરના નેતાઓને શાનમાં સમજી જવાનો સંકેત આપવાનો હોવાથી ગુપકર એલાઈન્સના પેટમાં તેલ રેડાયું હોય તેવું દેખાઈ રહ્યું છે. જે નેતાઓને વડાપ્રધાનનું આમંત્રણ મળ્યું છે તેમાના મોટાભાગના નેતાઓ દિલ્હી જવા ઈચ્છુક છે પરંતુ મહેબાબુ મુફતી હજુ હિચકિચાટ અનુભવતા હોય તેવું જાણવા મળ્યું છે.
24મી જૂનની બેઠક માટે કેન્દ્ર સરકાર તરફથી નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલા, પીડીપીના પ્રમુખ મહેબુબા મુફતી, પેન્થર પાર્ટીના વડા ભીમસિંઘ, કાશ્મીર માર્કસવાદી પક્ષના નેતા મહમદ યુસુફ તારીગામી, કોંગ્રેસના નેતા તારાચંદ, ભાજપના નેતાઓ નિર્મલસિંગ અને કવિન્દ્ર ગુપ્તા સહિતના નેતાઓને દિલ્હી તેડુ મોકલવામાં આવ્યું છે. મહેબુબા મુફતીના મામા શરતાઝ મદની અને સહાયક નઈમ અખતરને કાશ્મીરના પ્રશાસને રવિવારે જ નજરકેદમાંથી છોડી મુક્યા હતા. તેમ છતાં મહેબુબા મુફતી મીટીંગમાં જવા માટે અનિચ્છુક દેખાયા છે. પીડીપીની આગેવાની લેનાર મહેબુબા મુફતી હજુ ઘણા બધા મુદ્દાઓ પર કેન્દ્ર સ્પષ્ટતા કરે તેવો હઠાગ્રહ રાખી બેઠા છે.
પીડીપીના અધિકારીએ જણાવ્યું હતું કે, રાજ્યના પુન: સીમાંકન અને ચૂંટણીઓ જેવા મુદ્દાઓ પીડીપી માટે મહત્વના નથી. પીડીપી એવું ઈચ્છે છે કે, આવી બેઠક બોલાવ્યા પહેલા કેન્દ્ર સરકારે વિશ્ર્વાસ પ્રેરક વધુ કેટલાંક પગલા લેવાની જરૂર હતી. હવે ગુપકર એલાઈન્સની બેઠક બાદ મોદી પ્રેરીત બેઠકમાં હાજરી આપવી કે નહીં તેનો આખરી નિર્ણય લેવામાં આવશે. જો કે ગુપકર જોડાણના પાંચમાંથી મોટાભાગના પક્ષો વડાપ્રધાન સાથેની ચર્ચા માટે આતુર છે. એક ટોચના નેતાએ સંકેત આપ્યો હતો કે, જમ્મુ અને કાશ્મીરનો દરજ્જો બદલાયા બાદ વડાપ્રધાને પહેલીવાર આવી મહત્વની બેઠક બોલાવી છે ત્યારે તેમાં હાજરી આપવા સીવાય કોઈ છુટકો રહેતો નથી.
આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય ટોચના કેન્દ્રીય નેતાઓ પણ હાજરી આપશે તેવી શકયતા છે. વડાપ્રધાનની આ બેઠક એ હકીકતનો સંકેત આપે છે કે વડાપ્રધાન સમગ્ર એશિયામાં ભારતનું પ્રભુત્વ વધારવા અને ખાસ કરીને અફઘાની તાલીબાનોને ડબ્બે પુરવાના તેમના માસ્ટર પ્લાનમાં હવે ઝડપથી આગળ વધવા ઈચ્છે છે.