અજવાળી એકાદશીને નિરજલા અગિયારસ પણ કે છે: ભીમે આ એકાદશીનું વ્રત કરેલું: આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરી આમ્રફળ ધરાવવાનું અનેરું મહત્વ
આપણી કાઠિયાવાડી સંસ્કૃતિમાં તેવારોનું અનેરૂ મહત્વહ છે. આજે પણ કોરોના કાળમાં ઉત્સાહ, ઉમંગથી આપણે ઉજવણી કરી શકતા નથી પણ તેનું મહત્વ અકબંધ છે. આજે જેઠ મહિનાની અગીયારસનું મહત્વ અનેરું છે. આપણી અનેક પરંપરાઓમાં ગુજરાતી મહિનામાં આવતા વિવિધ તહેવારો સાથે આપણું ગ્રામ્ય કે શહેરી જીવન જોડાયેલ છે. જેઠ સુદ અગિયારસ એટલે નિરજલા એકાદશી કે ભીમ અગિયારસ કહેવાય છે. ઋતું ચક્રના ફેરફારો ગ્લોબલ વોમિંગને કારણે હવે થયા પણઆ પહેલા ભીમ અગિયારસે વરસાદ પડે છે ને વાવણી પણ થઇ જતી હતી. આ તહેવારથી હવે આવનારા દિવસોમાં વિવિધ તહેવારો સાતમ-આઠમના મેળા સુધીના આવે છે. છોકરીઓના મેળાવ્રત, એવરત જીવરત, દિવાસોનું જાગરણ વિગેરે તહેવારો બાદ બીજા તહેવારોની હાર માળા આવે છે.
જેઠ સુદ અગિયારસ એટલે ‘ભીમ’ અગિયારસ કહેવાય છે. નામ પ્રમાણે આ તહેવારની આપણી પ્રાચિન વાત પાંડવ પુત્ર ‘ભીમ’ સાથે જોડાયેલી છે. આજે ઘરે ઘરે રસ પુરીના જમણ સાથે મહિલાઓ એકાદશીનું વ્રત કરે છે કે નિરજલા એકાદશી પણ રહે છે. પૂરાણ કાળમાં પાંડુ પુત્ર ભીમે આ અગિયારસનું વ્રત કરેલું તેથી તેના નામ પરથી આ તહેવાર ઉજવાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરી આમ્રફળ ધરાવવાનું આપણાં કાઠિયાવાડમાં અનેરુ મહત્વ છે. લોકો આ દિવસની ભાવભેર ઉજવણી કરે છે.
આજેય ગામડામાં બેન – દિકરીઓ ભીમ અગિયારસ કરવા પિયર આવે છે. નવા વરઘોડીયા પણ મા-બાપને મળવા સાથે વડિલોના આશિર્વાદ મેળવે છે. ચોમાસાના પ્રારંભે આ તહેવારોનું ગામડામાં ઘણું મહત્વ છે. શહેરમાં તો લોકો રસ-પુરીના જમણથી જ ઉજવણી કરે છે પણ ગ્રામ્ય સંસ્કૃતિમાં આ તહેવારો સાથે ઘણી પરંપરા આજેય જોડાયેલી છે. પરણેલી દિકરીને પ્રથમ ભીમ અગિયારસે તહેવાર મનાવવા પિયર પક્ષ તેડાવવાનો આજેય રિવાજ છે. જેઠ મહિનાની અંજવાણી અગિયારસને દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી લાભ મળે છે. આ દિવસે ભગવાનને નિવેધમાં કેરી ધરાવી પ્રસાદ જમાડે છે. ઘણા લોકો આ દિવસે નિરજલા એકાદશી પણ રહેતા હોય છે.
જેઠ મહિનાની શુકલ પક્ષની અગિયારસ પાંડવ પુત્ર ભીમે વ્રત કરીને કરેલ તેથી તેને પાંડવ એકાદશી પણ કહેવાય છે. આ દિવસે માનેલી માનતાઓ પરિપૂર્ણ થાય છે. આ દિવસે ઘણા લોકો અન્ન, કપડાં, ગાય વિગેરેનું દાન પણ કરે છે. પુરાણોની વાતમુજબ પાંડવ પુત્ર ભીમ જમવાના શોખીન હતા સાથે તેઓ ભુખ્યા રહી શકતા નહીં આ દિવસે ભીમે નદીએ સ્નાન કરતા ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં એવા તલ્લીન થઇ ગયા કે તેને આહાર કે પાણીનું ભાન ન રહ્યું, એક વાયકા એવી પણ છે કે વેદ વ્યાસજીએ ભીમને કહેલું કે ઉપવાસ વિના સ્વર્ગની પ્રાપ્તિ ન થાય તેથી પણ ભીમે આ એકાદશીનું વ્રત કરેલું.
આખા વર્ષમાં કુલ ર4 અગિયારસ પૈકી આ એક જ અગિયારસને પુણ્યકારક ગણાવામાં આવી છે. માતા કુંતિજીએ પોતાના પાંચે પુત્રોને આ અગિયારસ અન્ન કે જળ વગર રહેવાનું કહેતાને બધા આ વ્રત કરતાં પણ ખરા ભીમથી આ વ્રત થતું ન હતું. યેન કેન પ્રકારે માતાએ ભીમને મનાવી આ વ્રત કરવા મનાવી લીધો હતો. અનેક દંત કથા લોકવાયકા સાથે ભીમ અગિયારસ જોડાયેલી છે. ધરતી પુત્રો વાવણી કરે અને પત્તાપ્રેમીઓ જુગારની બાજી માંડીને ભીમ અગિયારસનું મુહૂર્ત સાચવી લે છે. જે ક્રમ સાતમ-આઠમ સુધી નિયમિત ચાલે છે.
ભીમે અન્ન-જળનો ત્યાગ કરીને આ વ્રત કરતાં ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઇને કહ્યું કે તારી માફક જે કોઇપણ સ્ત્રી પુરૂષ આ એકાદશી વ્રત કરશે તેને મનોવાંછિત ફળ સાથે મૃત્યુ બાદ સ્વર્ગની પ્રાપ્તિ થશે. આ દિવસે આમ્ર ફળનુ (આંબાના વૃક્ષમાંથી ઉત્પન થયેલ ફળ કેરી) મહત્વ છે. ભગવાન વિષ્ણુનો મંત્ર ‘ઓમ નમો ભગવતે વાસુ દેવાય’મંત્રોચાર સાથે ભગવાનની પૂજા અર્ચના કરવી, આ અગિયારસના પૂણ્યે પાંડવોને હસ્તીનાપુર રાજય સુરક્ષિત ભગવાનશ્રી કૃષ્ણના આશિર્વાદથી મહોલ હતું. જૈન સમાજમાં આ દિવસ પછી કેરી ખાવાનું બંધ કરે છે.
ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં ભીમ એટલા તલ્લીન થઇ ગયા કે અન્ન કે પાણી ગ્રહણનું ભૂલી ગયા તેથી આ અગિયારસને ‘નિરજલા’ એકાદશી કે ભીમ અગિયારસ કહે છે. આપણાં પ્રાચિન મહા કાવ્ય મહાભારત અનુસાર દ્રૌપદી સહિત પાંડવોએ એકાદશીનું વ્રત કરેલ હતું. સમગ્ર ભારત વર્ષમાં અને આપણાં ગુજરાતમાં આ અગિયારસનું આગવું મહત્વ છે. આ દિવસ જળ સાથે જોડાયેલો છે. આપણી પ્રાચીન પરંપરા પ્રમાણે અગાઉના સમયમાં લોક સંસ્કૃતિની રૂઢી પ્રમાણે વરસાદનું આગમન થાય એ પહેલા આ દિવસે વર્ષાજળના સંગ્રહ માટે તમામ સ્થાનિક સ્ત્રોતોનું નવિનીકરણ કરાતું હતુ. જળ દેવતા સરળતાપૂર્વક ધરતી ઉપર વિશ્રામ કરી શકે તે માટે કુવા-તળાવો વિગેરેની સાફ સફાઇ પણ કરાય છે.
ભીમ અગિયારસે ભોજન ગ્રહણ કરે તે દુર્ગતિને પામે છે. તોજે દાન કરે છે તે પરમપદને પામે છે. આ દિવીસે રાત્રિ જાગરણ કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. શ્રઘ્ધાપૂર્વક આ એકાદશીની કથાનું પઠન- શ્રવણ કરે છે. તે મોથી ગતિને પામે છે. આપણાં દરેક તહેવારો પાછળ કોઇક ને કોઇક વૈજ્ઞાનિક કારણો છુપાયેલા રહે છે. આ દિવસ બાદ બહેનોના વિવિધ તહેવારો સાથે શિતળા સાતમ- ગોકુલ આઠકને પારણા નોમ સુધી કાઠિયાવાડી ગુજરાતી કેલેન્ડરમાં તહેવારોની વણઝાર આવશે. ગુજરાતનું સૌરાષ્ટ્ર ઉત્સવપ્રેમી સાથે ઉજવણી પ્રેમી પણ છે. સૌરાષ્ટ્રની પ્રજાની ઉજવણી માટે તહેવારોનું બહાનું જ જોઇએ.
પત્તાપ્રેમીઓ બાજી માંડીને આજે મુહૂર્ત સાચવશે
આપણી કાઠિયાવાડી સંસ્કૃતિ વિવિધ તહેવારો સાથે માનવ-જીવનની ઘણી બધી પરંપરાઓ રીતો, રસમ જોડાયેલા છે. આજે ભીમ અગિયારે પત્તાપ્રેમીઓ જુગારની બાજીઓ માંડીને મુર્હુત સાચવી લે છે. આ ક્રમ સાતમ-આઠમ સુધી નિયમિત ચાલતો હોય છે. ભીમ અગિયારસે વરસાદનું આગમન સાથે ગામડાંમાં વાવણી પણ ધરતીપુત્રો કરે છે. આ દિવસે આમ્રફળ (કેરી)નું વિશેષ મહત્વ છે તેથી જ ભગવાન વિષ્ણુને આમ્ર ફળ ધરાવાય છે.
વરસની ર4 અગિયારસ પૈકી આ અગિયારસનું વિશેષ મહત્વ છે. આજે એકટાણુ કે વ્રત કરવાથી બધી અગિયારસનું ફળ મળે છે. આજેય ગામડાઓમાં બેન-દિકરીઓને ભીમ અગિયારસ કરવા પિયર પક્ષે બોલાવવાનો રિવાજ છે. આ તહેવારોનું શહેર કરતાં ગ્રામ્ય સંસ્કૃતિમાં આજે ય વિશેષ મહત્વ છે.