ૐ ભૂર્ભુવસ્વ: તત્સવિતુર્વરોણ્યં ભર્ગોદેવસ્ય ધિમહી ધિયો યો ન: પ્રચોદયાત….
આવતીકાલે 20 જૂનના વેદમાતા ગાયત્રી જયંતિ છે. કહેવાય છે કે ગાયત્રીમંત્રના જાપથી પૈસાની તંગી, નોકરી, બીમારી, બાળકો સાથે જોડાયેલી સમસ્યા વગેરે અનેક પરેશાનીઓ દૂર થઇ શકે છે. તેથી જ તેને મહામંત્રની સંજ્ઞા આપવામાં આવી છે. આજે આપણે ગાયત્રી મંત્રના જાપથી થતા ફાયદાઓ વિશે વાત કરીશું પરંતુ તે પહેલા ગાયત્રી મંત્રનો અર્થ સમજી લઇએ.
ગાયત્રી મંત્રનો અર્થ: એ પ્રાણસ્વરૂપ, દુ:ખનાશક, સુખ સ્વરૂપ, શ્રેષ્ઠ તેજસ્વી, પાપનાશક, દેવ સ્વરૂપ, પરમાત્માને આપણે અંતરાત્મામાં ધારણ કરીએ, એ ઇશ્ર્વર આપણી બુધ્ધિને સન્માર્ગે પ્રેરિત કરે.
ગાયત્રી મંત્ર જાપથી થતા ફાયદાઓ
(1) જો કોઇ છોકરા અથવા છોકરીના વિવાહમાં વિલંબ થતો હોય તો પ્રત્યેક સોમવારે ગાયત્રી મંત્રનો જાપ 108 વાર કરવાથી વિવાહ સંબંધિત બાધાઓ દૂર થાય છે. (2) ગાયત્રી મંત્રનો જાપ સ્ટુડન્ટ્સો માટે ફાયદેમંદ હોય છે. કોઇ બાળકનું ભણવામાં મન ન લાગતુ હોય તો તેણે દરરોજ સવારે ગાયત્રી મંત્ર જાપ કરવો. (3) સંતાનપ્રાપ્તિમાં વિલંબ અથવા તો બાળક સંબંધી કોઇ સમસ્યા હોય તો દરરોજ સવારે ગાયત્રીમંત્રનો જાપ કરવાથી સમસ્યા દૂર થઇ શકે છે. (4) બીમાર વ્યક્તિની સામે બેસીને મંત્ર જાપ કરવાથી તેમની હેલ્થમાં ઝડપથી સુધાર આવે છે. (પ) ધનલાભની પ્રાપ્તિ માટે પણ લક્ષ્મી દેવીની સામે બેસીને ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઇએ (6) નોકરી અથવા વ્યાપારમાં લગાતાર નુકશાન થતું હોય, મહેનત કરવા છતાં સફળતા મળતી ન હોય તો પ્રત્યેક શુક્રવારે પીળા કપડા પહેરીને ગાયત્રી મંત્રનો જાપ કરવાથી સમસ્યા દુર થાય છે.
વેદોની સંખ્યા ચાર છે અને ચારેય વેદોમાં ગાયત્રી મંત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ મંત્રના ઋષિ વિશ્ર્વામિત્ર છે. આ મંત્રમાં અત્યંત શકિત છે, નિયમિત ત્રણ વાર જાપ કરવાથી નકારાત્મક શકિતઓનો પ્રભાવ દૂર થાય છે. આ મંત્રના જપથી બૌઘ્ધિક ક્ષમતા અને સ્મરણ શકિત વધે છે. તેનાથી વ્યકિતનું તેજ પણ વધે છે. ગાયત્રી મંત્રનો જાપ સૂર્યોદય પહેલા બે કલાકથી લઇને સૂર્યાસ્તથી એક કલાક બાદ સુધી કરવામાં આવે છે. રાત્રિ કાળ દરમિયાન આ મંત્ર જાપ ન કરવો.
ગાયત્રી મંત્રમાં ચોવીસ અક્ષર છે. આ ચોવીસ અક્ષર ચોવીસ શકિતઓ સિઘ્ધિઓનું પ્રતિક છે.ભારતમાં ગાયત્રી માતાના અનેક પ્રાચીન મીંદરો આવેલા છે. તેમાંથી રાજસ્થાનના પુસ્કરજીમાં સ્થિત ગાયત્રી મંદિરને સૌથી પ્રાચીન માનવામાં આવે છે. કહેવાય છે કે પુરસ્કરમાં જ યજ્ઞ દરમિયાન સાવિત્રીની અનુપસ્થિતિ થવાની સ્થિતિમાં બ્રહ્માજીએ વેદોના જ્ઞાતા વિદ્વાન સ્ત્રી ગાયત્રી સાથે વિવાહ કરીને યજ્ઞ પૂર્ણ કર્યો હતો.