21 જુન 2021 ના દિવસે 7માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થશે, પરંતુ હજુ પણ યોગ વિશે ઘણી ગેર માન્યતાઓ લોકોના મનમાં ઘર કરી ગઈ છે તે દુર નથી થઇ. છેલ્લા 2 વર્ષમાં આપણા સહુના જીવનમાં ઘણા પરિવર્તન આવ્યા છે અને માનવ જીવનની સામે એક પ્રશ્ન ઉભો થયો છે કે હજુ આપણે કેટલું અવ્યવસ્થિત જીવન જીવીશું?
આધુનિક તબીબી વિજ્ઞાને ખુબ પ્રગતિ કરી છે પરંતુ હજુ સંપૂર્ણ સ્વસ્થ માનવ શરીર અને મન માટે ચિકત્સા પદ્ધતિ તૈયાર કરી શકી નથી. છેલ્લા થોડા વર્ષોથી યોગનું મહત્વ ખુબ વધ્યું છે અને ઘરે ઘરે યોગનો અભ્યાસ થવા લાગ્યો છે. આ બધાની સાથે આયુર્વેદ, નેચરોપેથી, હોમયોપેથીનો પણ ઘણો વિસ્તાર થયો છે, પરંતુ શું માનવ જીવન વધુ સુખી અને સમૃદ્ધ બન્યું છે ? કદાચ આ પ્રશ્નનો જવાબ હા પણ હોઈ શકે અથવા ના પણ હોઈ શકે. આ 2 વર્ષમાં જે મહામારી આપણે જોઈ છે એના પરથી એવું તો નથી લાગતું કે આપણે સમૃદ્ધ તો થયા છીએ પણ એવું તો ચોક્કસ લાગે છે કે આપણે સ્વસ્થ જીવનશૈલી પણ ભૂલી ગયા છીએ.
લઘુયોગ વશિષ્ઠગ્રંથમાં જણાવ્યા પ્રમાણે અસ્તિત્વ સબંધી વિકાર મુખ્યત્વે બે પ્રકારના છે. (1) સામાન્ય (કાયિક, માનોકાયિક, કાયમાનસિક અને માનસિક ઈત્યાદી) (2) સાર (વૃદ્ધત્વ અને મૃત્યુ). આના પરથી સ્પષ્ટ છે કે, આજના યુગના જે અસાધ્ય રોગ છે તેને લઘુયોગ વશિષ્ઠ ગ્રંથ સામાન્ય ગણે છે. આ પરથી એવું સમજી શકાય કે તે સમયમાં પણ તબીબી વિજ્ઞાન કામિયાબીના શિખર પર હતું. વિશ્ર્વ સ્વાસ્થ્ય સંસ્થા : સ્વાસ્થ્ય શારીરિક, માનસિક, સામાજિક તથા આધ્યાત્મિક સુખની એક પૂર્ણાવસ્થા છે, નહિ કે કેવળ કોઈ રોગ વિશેષ તથા શારીરિક ખામીની અનુપસ્થિતિ. આધુનિક મનોવિજ્ઞાન તણાવને ખાલી માનસિક સ્તરે જ સ્વીકાર કરે છે પરંતુ યોગ માનસિક અને શારીરિક સ્તરે તણાવના પરિણામની ચર્ચા કરે છે અને એને મૂળથી દુર કરવાના ઉપાય બતાવે છે. યોગશાસ્ત્રમાં મન અને શરીરનું માધ્યમ પ્રાણતત્વ ગણવામાં આવ્યું છે.
યૌગિક અભ્યાસની અસર માનવ જીવન પર :
યૌગિક અભ્યાસને કારણે મનોશારીરિક અધ્યાત્મિક સંવેદના ઉભી થાય છે અને પરિણામે આપણી ભાવના, વિચાર અને વ્યવહાર પ્રભાવિત થાય છે. યૌગિકજીવનશૈલીથી આસક્તિ ભાવ ઓછો થાય છે. સફળતા અને અસફળતામાં સમત્વ ભાવની આદત બને છે, કર્મ, ફળ, પ્રતિ અનાસક્તિ ભાવ પેદા થાય છે. આમ જોવા જાય તો હજુ સુધી આપણે યોગ, આસન અને પ્રાણાયામનો અભ્યાસ કરીને શરીરને સુદ્રઢ બનાવી શકાય એટલા વિચારથી જ ખુશ થઇ ગયા છીએ. પરંતુ યોગશાસ્ત્ર માનવ જીવનને વધુ સ્વસ્થ અને તંદુરસ્ત જીવનશૈલી બતાવે છે. આપણે એ જીવનશૈલીને કેટલી ગંભીરતાથી સમજવાનો પ્રયત્ન કરી છીએ તેના પર આધાર છે. યોગએ કોઈ ચિકિત્સા નથી, યોગશાસ્ત્રના પતંજલિ યોગ દર્શનમાં આપણને ક્યાય યોગ એ ચિકિત્સા છે એવું જાણવા નથી મળતું પણ યોગએ જીવન જીવવાની ઉત્તમ શૈલી છે. તો ચાલો જાણીએ યોગશાસ્ત્રમાં એવું શું કહેલું છે કે આપણે ઉત્તમ જીવન તરફ પ્રયાણ કરી શકીએ. યોગ અભ્યાસથી થતા લાભો વિષે જાણીએ.
યોગઅભ્યાસ પહેલા સૂક્ષ્મ વ્યાયામ કરવાથી શારીરિક જાગૃતિ વધે છે, જે શરીરને જાણવામાં મદદ કરે છે. મિતાહાર (યૌગિક આહાર)થી સત્વ ગુણમાં વૃદ્ધિ થાય છે અને મન પ્રસન્ન રહે છે. પ્રાણાયામથી શ્ર્વાસ અને પ્રશ્ર્વાસ માટે જાગૃતિ વધે છે. આસનો કરવાથી શરીરમાં સ્થિરતા અને લચીલાપણું આવે છે. શુદ્ધિ ક્રિયાનો અભ્યાસ કરવાથી સ્થૂળ શરીર માટે સંવેદનશીલતા વધારી શકાય છે. શરીરમાંથી જુનો મળ દુર થાય અને પાચન ક્રિયા સારી બને. શ્ર્વસનતંત્ર પ્રણાલીમાં ફેફ્સા મજબુત બને અને શ્વાસઅને પ્રશ્વાસ પ્રક્રિયા સરળ બને. સ્નાયુઓમાં તણાવ અને શરીરમાં થતા નાના મોટા દુ:ખાવા ઘટી જાય છે. વૃદ્ધત્વની ગતિ ધીમી રહે છે અને લાંબુ અને સ્વસ્થ જીવન જીવવું સહેલું બને છે. નીંદર સારી આવે છે અને પરિણામે તણાવમાં ઘટાડો થાય છે.
આમ યોગના લાભ તો ઘણો છે અને યોગના અભ્યાસથી આપણે સંપૂર્ણ વ્યક્તિત્વને નવી સકારાત્મક દિશા આપી શકીએ છીએ. આસન પ્રાણાયામથી આપણી ભાવનાઓ પર સકારાત્મક અસર પડે છે સાથે સાથે યોગશાસ્ત્રનો અભ્યાસ કરવાથી સાક્ષીભાવ અને દ્રષ્ટાભાવ જેવા અધ્યાત્મિક સ્તરોનો અનુભવ કરવો સરળ બની જાય છે.