એક મહિલા કંડકટર સાથેના ટ્રાફિક ઇન્સ્પેક્ટરના ગર્ભિત અશ્લીલ માંગણી ભર્યા સંવાદો મામલે વાયરલ થયેલા ઓડિયો ક્લિપ બાદ એસ.ટી તંત્ર હરકતમાં આવ્યું છે અને ગઈકાલે જ મહિલા કંડકટરનું નિવેદન લેવામાં આવ્યું છે, તથા મહિલા કંડકટર સાથે અશ્લીલ વાત કરતા ટ્રાફિક ઇન્સ્પેક્ટર સામે કડક કાર્યવાહી હાથ ધરાઇ તેવું જાણવા મળી રહ્યું છે. બીજી બાજુ મોબાઈલ પર થયેલી વાતચીતની ક્લીપ વાયરલ થતાં આ બાબત એસ.ટી. વિભાગમાં ચર્ચાની એરણે ચડી છે.

એક મહિલા કંડકટર સાથે એસ.ટી.ના ટ્રાફિક ઇન્સ્પેક્ટર દ્વારા દૂધમાં સાકર ભળે એમ ભળી જઈએ તેવા વારંવાર નિવેદન સાથે ગર્ભિત કહી શકાય તેવી અશ્લીલ માગણી કરતી ફોનિક સંવાદની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા ઉપર  વાઇરલ થઇ છે. અને જેને લઇને એસટી તંત્રને એક કાળી ટીલી લાગી છે.

આ ઓડિયો ક્લિપમાં ટ્રાફિક ઇન્સ્પેક્ટર દ્વારા દ્વી અર્થી ભાષામાં જગ્યા ગોતો તેવું જણાવી ગર્ભિત રીતે અસલી માંગણી કરવામાં આવી રહી હોવાનું સંભળાઈ રહ્યુ છે. જો કે મહિલા કંડક્ટર દ્વારા આપ મારા અધિકારી થઈને કઈ રીતની વાત કરવા માંગો છો તે હું સમજતી નથી તેમ જણાવવામાં આવતા આ ટ્રાફિક ઇન્સ્પેક્ટર થોડા ઢીલા પડતા હોવાનું અને બાદમાં વાત સંકેલી કોલ પૂર્ણ કર્યા હોવાનું ઓડિયો ક્લિપમાં સાંભળવા મળી રહ્યું છે.

મહિલા કંડકટર સાથે આવી ગોળ ગોળ દ્વી અર્થી  રીતે અશ્લીલ માંગણી કરતા સંવાદો કરનાર વ્યક્તિ એસ.ટી.વિભાગના ટ્રાફિક ઇન્સ્પેક્ટર હોવાનું તથા એક મજદૂર સંઘમાં હોદ્દો ભોગવતા હોવાનું પણ બહાર આવ્યું છે. ત્યારે આ મામલે એસટી તંત્ર પણ હરકતમાં આવ્યું છે, અને એસ.ટી.ને દાગ લગાડનાર ટ્રાફિક ઇન્સ્પેક્ટર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

આ અંગે જૂનાગઢના વિભાગીય નિયામક સાહે અબ તક સાથેની  ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આવી એક અરજી મહિલા કંડક્ટર દ્વારા અમને મળવા પામી છે. અને આ બાબતે અમે મહિલા કંડકટરના નિવેદનો નોંધ્યા છે, અને આ બાબતના રિપોર્ટ ઉપલી કચેરીએ મોકલવામાં આવ્યા છે. જોકે એક વાત મુજબ મહિલા કલેકટર સાથે અશ્લીલ સંવાદો કરનાર એસ.ટી.ના અધિકારી એક મજદૂર સંઘના નેતા હોય ત્યારે આ બાબતોનો ઢાંકપિછોડો કરવા માટે પણ હલચલ શરૂ થઇ રહી છે તથા આ બાબત ભીની સંકેલાઇ જાય તે માટે સમાધાન માટે પણ ધમપછાડા થઈ રહ્યા હોવાની એસટી વિભાગમાં ચર્ચા છે.

જો કે સામે પક્ષે મહિલા કંડકટરે એસટી વિભાગને અરજી કરી છે અને હાલમાં તો મહિલા કંડકટરના નિવેદન લેવાયા છે. ત્યારે આ બાબતે એસ.ટી.વિભાગ કેટલા અને કેવા આકરા પગલાં ભરે છે એ તો સમય જ બતાવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.