જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં ચકચારી યૌન શોષણના મામલે કલેકટરે કમીટીની રચના કર્યા બાદ મેડિકલ કોલેજના તબીબી અધ્યક્ષે જે એટેન્ડટ્સને કે અન્ય કોઇ લોકોને નિવેદનો આપવા હોય તેમણે શુક્રવારે સવારે ડીન કચેરીએ હાજર થવા જણાવ્યું હતું.
પરંતુ આશ્ચર્યજનક રીતે એકપણ વ્યક્તિ ત્યાં નિવેદન દેવા પહોંચી ન હતી. જેના કારણે તપાસ સમિતિ અને જે રીતે તપાસ થઇ રહી છે તેની સામે ગંભીર સવાલો ઉઠયા છે. જેથી હવે આ મામલે કોઇ બહારની એજન્સી નિષ્પક્ષ તપાસ કરે તે અત્યંત જરૂરી બન્યું છે. જી.જી.ની કોવિડ હોસ્પિટલમાં કોરોનાકાળ દરમ્યાન એટેન્ડન્ટ યુવતીઓના શોષણના ચકચારી મામલે ગુજરાતભરમાં ઘેરા પડઘા પડયા છે. ત્યારે સ્થાનિક તંત્ર જાણે તેને દબાવવામાં લાગ્યું હોય તેવો ઘાટ ઘડાયો છે.
એક બાજુ તપાસ સમિતિ પોતાનો અહેવાલ કલેકટરની સૂચનાથી તૈયાર કરી રહી છે તો બીજી બાજુ ગુરૂવારે જામનગરની કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતા પેશન્ટ એટેન્ડન્ટ, સુપરવાઇઝર અને ફીમેલ પેશન્ટ એટેન્ડન્ટ જેઓએ આ ઘટના અંગે નિવેદન આપ્યા નથી. તેઓને 18 જૂનના સવારે 10.30 કલાકે ડીન કચેરીએ ડીન સમક્ષ રજૂ થવાનું જણાવામાં આવ્યું હતું. પરંતુ આશ્ચર્યજનક રીતે કોઇપણ કર્મચારી નિવેદન આપવા આવ્યો ન હતો. આ હુકમમાં લખવામાં આવ્યું હતું કે, જો કોઇ કર્મચારી નિવેદન દેવા નહીં આવે તો તેમ સમજવામાં આવશે કે તેઓ નિવેદન આપવા માંગતા નથી. આ બધી રીતથી ગંભીર પ્રશ્ન તપાસ સામે ઉભા થયા છે.
ખરેખર તો હવે, ભોગ બનનાર પીડિતાઓ અને કર્મચારીઓને જામનગરના સ્થાનિક તંત્ર પર ભરોસો રહ્યો નથી. જેના કારણે તેઓ નિવેદન આપવા માંગતા નથી કારણ કે, તેમના નિવેદન ફેરવવામાં આવતા હોવાનો વિવાદ ઉભો થયો છે. તેની વચ્ચે હવે જામનગર બહારની કોઇ નિષ્પક્ષ એજન્સી અથવા તો કોર્ટ દ્વારા તપાસ થાય તે અત્યંત જરૂરી બન્યું છે. મહિલા આગેવાનો અને અમૂક પીડિતાઓ ડીન ઓફિસની બહાર દેખાઈ, પરંતુ અંદર નિવેદન દેવા ગઈ ન હતી. જે સૂચક છે કે, તેમને આ બધી તપાસ સમિતિઓ અને નિવેદનબાજીમાં હવે ભરોસો રહ્યો નથી.
ન્યાયિક તપાસની માંગણી કરતું લેડીઝ ચેમ્બર
યૌન શોષણ મામલે ઉંડાણપુર્વક અને તટસ્થ તપાસ કરવાની માંગ જામનગર લેડીઝ ચેમ્બર ઓફ કોમર્સના હોદેદાર મહિલાઓ દ્રારા કરવામાં આવી છે. મહિલા એટેન્ડેન્ટ દ્રારા જે જાતીય સતામણી અંગે રજુઆત કરીને હોસ્પીટલમાં કેટલાક વ્યકિતઓ દ્રારા થતી આવી પ્રવૃતિને ઉજાગર કરનાર સાહસિક દિકરીની વખાણતા લેડીઝ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને સામાજીક કાર્યકર સહારાબેન મકવાણાએ માંગણી કરી છે.
મહિલા આયોગે ડીજીપી પાસે સમગ્ર ઘટનાનો રિપોર્ટ માગ્યો
આ મામલે રાજ્ય મહિલા આયોગ દ્વારા ડીજીપીને પત્ર લખી સત્વરે તપાસ કરવા સૂચના આપવામા આવી છે. આયોગે સત્વરે રિપોર્ટ પણ માગ્યો છે. આ ઘટનામાં હકીકતમાં કેટલી યુવતીઓ ભોગ બની છે તેની તપાસ કરવા પણ સૂચના અપાઈ છે. સમગ્ર ઘટનાની તપાસ માટે નિમાઈ છે સરકારી કોવિડ હોસ્પિટલમાં શારીરિક શોષણ થયાના મહિલા એટેન્ડન્ટ દ્વારા આક્ષેપો થતા રાજ્ય સરકારે કડક તપાસના આદેશ આપ્યા હતા. ખુદ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ જામનગર કલેકટર સાથે વાત કરી હતી. બાદમાં કલેકટર દ્વારા સમગ્ર મામલાની તપાસ માટે પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને એક કમિટીની રચના કરવામા આવી છે. જે કમિટી હાલ મહિલા એટેન્ડન્ટના નિવેદન નોંધી રહી છે.જીજી હોસ્પિટલમાં ફરજ બજાવતા એક પુરુષ તબીબ પણ મહિલા એટેન્ડન્ટના સમર્થનમાં આવ્યા હતા અને કોવિડ હોસ્પિટલમાં મહિલા એટેન્ડન્ટનું શોષણ થતું હોવાનો પુરુષ તબીબ દ્વારા દાવો કરાયો હતો. જો પોતાની ઓળખ ગુપ્ત રહે તો કમિટી સમક્ષ નિવેદન આપવા માટે પણ તૈયારી બતાવી હતી.