હિતેશ રાવલ, સાબરકાંઠા: ગુજરાતમાં મેઘરાજા તેના ચારેમેઘ ખાંગા કરીને વર્ષાવી રહ્યો છે. ગુજરાતમાં મોટા ભાગના જિલ્લામાં ધમધોકાર વરસાદ પડી રહ્યો છે. વરસાદના આગમનથી અન્નદાતાઓમાં ખુશીનો માહોલ સર્જાયો છે. જયારે બીજી તરફ સાબરકાંઠા જિલ્લામાં વધુ વરસાદ પડવાથી ચોતરફ પાણી ભરાયું છે.
સારબકાંઠાના વડાલીમાં સતત 6 ઇંચ વરસાદ ખાબકતા નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે. આ ધોધમાર વરસાદથી વડાલીનું ચુલ્લા ગામ બેટમાં ફેરવાયું છે. ગામમાં તમે જ્યાં નજર કરો ત્યાં ચારે બાજુ પાણી પાણી જ દેખાય છે. ધોધમાર વરસાદથી નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાવથી મુશ્કેલીઓ સર્જાય છે.
વડાલીના ચુલ્લા ગામમાં એક સાથે 6 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. તમામ રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે અને આ સાથે સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે. આ સાથે છેલ્લા ચોવીસ કલાકમાં સાબરકાંઠાના તલોદ તાલુકાને બાદ કરતા બીજે બધે નોંધપાત્ર વરસાદ પડ્યો છે.