ઓફલાઈન શિક્ષણ બંધ હોવા છતાં પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઈ; અત્યાર સુધીમાં ધોરણ 1માં 127 નવા નામાંકન: ગોકુલનગર અને મહાપ્રભુજીની બેઠક પાસે પ્રાથમિક શાળાનું નિર્માણ થશે
જામનગર નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન શિક્ષણ કાર્ય હાથ ધરાયું છે ત્યારે ધોરણ.1માં 127 નવા નામાંકન થયા છે. આવનારા સમયમાં વધુ બે પ્રાથમિક શાળાઓ નગરસીમ વિસ્તારમાં નિર્માણનું કાર્ય હાથ ધરાશે તેમ શિક્ષણાધિકારી સી.એમ.મહેતાએ જણાવ્યું હતું.
નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ જામનગર દ્વારા શહેરના કુમાર ક્ધયાઓને માટે કુલ 45 શાળાઓ જુદા-જુદા વિસ્તારોમાં કાર્યરત છે. જેમાં ધો.1 થી 8નું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. વર્તમાન સમયમાં કુલ 9 હજારથી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે. કોરોનાને લઇને વર્તમાન સમયમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.
નવા શૈક્ષિણક સત્રમાં ધો.1માં 785 વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે ત્યારે હાલ કોરોનાને લઇને શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ આપવાનું બંધ હોવા છતા પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં ધો.1માં કુલ 127 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવી લીધો છે. 2020ની વાત કરીએ તો 970 વિદ્યાર્થીઓએ પ્રવેશ ધો.1માં ગયા વર્ષે મેળવ્યો હતો. હાલમાં પ્રવેશ પ્રક્યિા ચાલુ છે.
નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની અનેક શાળાઓમાં 500થી વધુ વિદ્યાર્થીઓ છે. આવનારા સમયમાં જે વિસ્તારમાં સરકારી સ્કુલ ન હોવાથી અનેક બાળકો શિક્ષણથી વંચિત રહેતા હોવાનું તેમજ ઉચ્ચ શિક્ષણ મેળવવાને બદલે ક્ધયા અને કુમારો શિક્ષણ છોડી દેતા હોવાનું જાણવા મળતા નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા નગરસીમ વિસ્તારમાં 2 નવી સ્કુલોનું નિર્માણનું કાર્ય હાથ ધરાશે.જેમાં ગોકુલનગર વિસ્તારમાં એક પ્રાથમિક શાળા અને બીજી મહાપ્રભુજીની બેઠક પાસેના વિસ્તારમાં પ્રાથમિક શાળાનું નિમાર્ણ થશે.
જેનાથી આ વિસ્તારમાં રહેતા રહેવાસીઓના બાળકોને શિક્ષણથી વંચિત નહી રહેવુ પડે અને ઘર આંગણે ધો.1 થી 8 સુધીનું શિક્ષણ સરકાર દ્વારા વિનામુલ્ય મળી રહેશે. નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાઓમાં ધો.1 થી 5માં 16 જેટલા શિક્ષકોની ઘટ રહેવા પામી છે. તાજેતરમાં બદલી કેમ્પ દરમ્યાન 10 જેટલા શિક્ષકોની નિમણુંક થયેલ છે અને આવનારા સમયમાં આ ખાલી પડેલી શિક્ષકોની જગ્યા પણ ભરાઇ જશે. જે પ્રાથમિક શાળાના બિલ્ડીંગોમાં મરામતની જરૂરીયાત હતી. તે મારમતનું કામ પણ હાલ ચાલી રહ્યું છે.