દામનગર શહેરીની જનતાને છેલ્લા દોઢ વર્ષથી પીવાનું મીઠુ પાણી નહિ મળતા શહેરીજનો રોષે ભરાયાં છે. આ અંગે ધારાસભ્ય સહિત પાણી પુરવઠા મંત્રી સુધી રજુઆત કરાતા શહેરીજનો પણ રજુઆતો કરવાથી કંટાળ્યા છે. વધુમાં દામનગર પાણી પુરવઠા બોર્ડની કચેરી પણ ખંઢેર હાલતમાં તેમજ કચેરી કોઇની દેખરેખ કે કર્મચારી વગર રેઢીપટ જોવા મળે છે.
આ અંગે વારંવાર રજુઆતથી શહેરીજનો કંટાળ્યા: પાણી પુરવઠા બોર્ડની કચેરી કોઇ દેખરેખ કે કર્મચારી વગર રેઢીપટ
આ અંગે શહેરીજનોમાં અનેક પ્રશ્ર્નો ઉઠી રહ્યા છે. જેમ કે દામનગર કાળુભાર પાણી પુરવઠાની કચેરી રેઢી કયાં સુધી સુધી ચાલશે?
આખા શહેરને દોઢ વર્ષથી મીઠુ પાણી કેમ નથી મળતું અને અતિ ગંદુ પાણી સ્થાનીક પાલિકા તંત્ર દ્વારા પોતાના દારમાંથી વિતરણ કરાય છે તો મીઠુ પાણી કયાં જાય છે? જે પાણી ઢોર પણ ન પી શકે તેવું પાણી વિતરણ કરી શહેરીજનોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવે છે. ફલોરાઇડ યુકત પાણીની મુકિત માટે બનેલ કાળુભાર યોજનામાં કાળો કારોબાર કયાં સુધી ચાલશે? ઘણા સમયથી સંપખુલ્લો જોવા મળે છે. સંપમા મૃત્ પશુ જાનવરો જોવા મળે છે ત્યારે વહેલી તકે શહેરીજનોને મીઠુ પાણી પુરુ પડાય તેવી પ્રબળ માંગ ઉઠી છે.