માહિતી અધિનીયમ 2005 હેઠળ માહિતી અધિકારી માહિતી આપવા ઉણા ઉતરે અને માહિતી માગનાર અક્કળ વલણ અખત્યાર કરે ત્યારે માહિતી આયોગ માહિતી અધીકારીને દંડ કરવા, સર્વીસ બુકમાં નોંધ કરવી જેવી કાર્યવાહી કરે છે. આવી જ એક ઘટના માણાવદર તાલુકાના ખડિયા ગ્રામ પંચાયતના તલાટીમંત્રી સાથે બની છે.
કેશોદના વેપારી ગોરધન વાછાણીએ તેમના પિતા જમનાદાસના નામે માહિતી અધિનિયમ 2005 હેઠળ માહિતી માગી હતી. આ મામલે ખડિયાના એક ખેડૂતે વર્ષ 2016માં સેઢાપાળાના વૃક્ષનું ગેરકાયદેસર નિકંદન કાઢી નાખતા વર્ષ 2019માં માહિતી માગવામાં આવી હતી. જો કે માહિતી અધિકારીએ માહિતી ન આપતાં વર્ષ 2020માં પ્રથમ અપીલ ટીડીઓને કરવામાં આવી હતી.
જો કે આ અપીલ અધિકારીએ કોઇ નિર્ણય ન કરતાં કમિશનરમાં બીજી અપીલ દાખલ કરાઇ હતી. ત્યારબાદ કમિશનરે સંપૂર્ણ માહિતી આપવા માહિતી અધિકારીને જણાવ્યું હતું છતા આયોગના હુકમની અમલવારી ન થતાં વિવાદીએ તકેદારી આયોગ, રાજ્યપાલ, માહિતી આયોગને સમગ્ર ઘટના વર્ણવી હતી.
આ મુદ્દાને લઇને માહિતી આયોગે વીડિયો કોન્ફરન્સ કરી માહિતી અધિકારીની રજૂઆત સાંભળવા મોકો આપ્યો હતો. જ્યારે બીજી વખત વીડિયો કોન્ફરન્સ યોજાઇ તેમાં માહિતી અધિકારીની રજૂઆતો સંતોષકારક ન જણાતા રાજ્યના માહિતી કમિશનરે તલાટીકમ મંત્રીને 5000નો દંડ કરવા આદેશ કર્યો હતો.
આ ઘટનાથી સરકારી બાબુઓમાં ભારે ચર્ચા જાગી હતી. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે માહિતી કાયદા હેઠળ અધિકારીઓને બ્લેકમેઇલ કરવામાં આવતા હોય છે. માહિતીના કામનું ભારણ વધતા અન્ય જરૂરી કામ થતા ન હોય તેમ કહી કાયદાનો દુરઉપયોગ થતો હોય વગેરે સૂચનો કર્યા હતા. પરંતુ આ ઘટનામાં માહિતી અધિકારીએ ઉપલા અધિકારીનો ડર ન હોય તેમ કારણદર્શક નોટિસનો જવાબ આપવાનું પણ ટાળ્યું હતું. જેના કારણે દંડ ફટકારવામાં આવ્યો હતો.