બગોદરા-તારાપુર હાઇવે પર ઇન્દ્રણજ ગામ નજીક વહેલી સવારે ટ્રક અને ઇક્કો સામસામે ધડાકાભેર અથડાતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં અજમેરી પરિવારની બાળકી સહિત દસના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજતા અરેરાટી મચી ગઇ છે. તે અકસ્માતના થોડા સમય પહેલા જ પૂરો પરિવાર મોજ મસ્તીથી સફરની મજા લેતા હતા. તે દરમિયાન ઇકોના ડ્રાઈવરે એક વીડિયો ઉતાર્યો હતો. જે હાલ ખુબ વાયરલ થયો છે.
આ પરિવાર જલગાંવમાં લગ્નપ્રસંગ પતાવીને ભાવનગરના વરતેજ ગામે તરફ જઈ રહ્યા હતા. જેમાં તેને એક વિડીયો ઉતાર્યો હતો. જેમાં પરિવાર ઇકો ગાડીમાં મોજ-મસ્તી સાથે પરત ફરી રહ્યા હતા. એ સમયે ડ્રાઈવર સીરાજભાઈએ ઉતારેલો અંતિમ વીડિયો સામે આવ્યો છે. જેમાં અજમેરી પરિવાર લગ્નપ્રસંગની મોજની વાતો કરીને એકદમ ઉત્સાહ અને આનંદમાં વતન તરફ જઇ રહ્યો હતો. તે મોજ મસ્તીની વચ્ચે તારાપુરના ઇન્દ્રણજ પાસે મોત જાણે કે તાંડવ કરવા બેઠું હોય એમ કાળમુખો ટ્રક ઇકોમાં ઘૂસી ગયો હતો.
ઇક્કો કાર અને ટ્રક સામસામે અથડાતા ઇક્કો કાર અડધો ટ્રકમાં ઘુસી જતા ઇક્કોમાં બેઠેલા તમામ મુસાફરોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે. ઇક્કો કારમાંથી મૃતદેહ બહાર કાઢવા ક્રેઇનની મદદ લેવી પડી હતી. જીવલેણ અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઇ ગયો છે. મૃતકોની ઓળખ મેળવવા અને પરિવાર સુરતથી ભાવનગર શા માટે જતા હતા તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
વૃદ્ધની ઘડપણની લાકડી બને એવું પરિવારમાંથી કોઇ ન બચ્યું
આણંદ તારાપુર હાઇવે પર ઇન્દ્રણજ નજીક વહેલા પરોઢિયે કાળ બનીને આવેલા ટ્રકે ઇકો ગાડીને ટક્કર મારતાં ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના 06 સભ્યો, પતિ-પત્ની અને પુત્રી, સાળો તેમના પત્ની અને પુત્ર સહિત અન્ય ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે એક જ પરિવારના 06 સભ્યો મોતને ભેટતાં તેમના પરિવારમાં હવે માત્ર એક જ 75 વર્ષીય વૃદ્ધ જ બચ્યાં છે. ભાવનગરમાં હવે વૃદ્ધની ઘડપણની લાકડી બને એવું પરિવારમાંથી કોઇ બચ્યું નથી.
આણંદ અકસ્માતમાં એક જ પરિવારના 10નાં મોત, મૃતદેહ બહાર કાઢવા ક્રેઇનની મદદ લેવી પડી…
કેન્દ્ર સરકારે 2 લાખની સહાય જાહેર કરી
તારાપુર પાસેના ટ્રક અને ઇક્કો કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારની દસ વ્યક્તિના મોતની ઘટના અંગે મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણીએ સંવેદના પાઠવી છે. તેઓએ આણંદ જિલ્લા કલેકટર સાથે ટેલિફોનીક વાતચીત કરી મૃતકનો ત્વરિત અને યોગ્ય મદદ કરવા સુચના આપી છે. આ સાથે રાષ્ટ્રપતિ,ગૃહ મંત્રી અમિત શાહે પણ ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને કેન્દ્ર સરકારે મૃતકના પરિવારને 2 લાખની સહાયની જાહેરાત કરી છે.