કોરોનાની બીજી લહેરમાં કોરોનાના કેસોના વધતાં જતાં કેસોની સંખ્યાએ દેશભરમાં ભારે હાહાકાર મચાવ્યો હતો. તેને લઇને દેશના જુદા જુદા રાજયો દ્રારા લોકડાઉન તેમ જ કરફયૂ નાંખવાની ફરજ પડી હતી. તેમાં છૂટછાટ થતાં ગુજરાત રાજય વાહન વ્યવહાર નિગમ દ્રારા મધ્યપ્રદેશ તથા રાજસ્થાન જતી એસ.ટી. બસોની સેવા પૂર્વવત કરાઇ છે. આમ આંતરરાજય વ્યવહારો ફરીવાર શરૂ થઇ રહ્યાં છે. તેમાંય ખાસ કરીને રાજસ્થાનથી આવતાં મજૂરોને પણ સરળતાથી રહેશે.
આંતરરાજ્ય એસટી બસો આજથી પુનઃ શરૂ
ગુજરાત રાજય વાહન વ્યવહાર નિગમ દ્રારા મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મુંબઇ જતી એસ.ટી. બસોની સેવા પૂર્વવત કરાઇ
કોવિડ 19 અંતર્ગત નિગમ દ્રારા 7મી એપ્રિલથી મહારાષ્ટ્ર તથા મધ્યપ્રદેશ રાજયમાં અને 10મી મેથી રાજસ્થાન રાજયમાં આંતર રાજય સંચાલન હંગામી ધોરણે સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તાજેતરમાં જ કોવિડ 19 અંતર્ગત કરફયૂ અને લોકડાઉનની પરિસ્થિતિમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાન સરકાર દ્રારા છૂટછાટો આપવામાં આવી છે. તેમાં જાહેર પરિવહન સેવાના સંચાલનને અપાયેલી મંજુરી અનુસાર નિગમ દ્રારા પણ આંતર રાજય સંચાલન અન્વયે યોગ્ય સત્તાધિકારીઓ દ્રારા અપાયેલા આદેશને અનુલક્ષીને રાજયના તમામ વિભાગીય કચેરીઓને મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજયમાં સંચાલિત થતી સર્વિસો પૈકી બંને રાજયની કોવિડ 19 અંતર્ગતની છૂટછાટને ધ્યાનમાં લઇને શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. મહત્તમ ટ્રાફિક પ્રમાણ મળવાની શક્યતાઓવાળી સર્વિસો પ્રાયોગિક ધોરણે શરૂ કરવા અને મુસાફરની સંખ્યા તથા આવકની ચકાસણી કરી આવા સંચાલનમાં ક્રમશ વધારો કરવા જણાવ્યું છે.
વધુમાં જણાવ્યું છે કે, આંતર રાજય સર્વિસો શરૂ કરતાં પહેલાં જે તે રાજયની લાગુ પડતી બોર્ડર પરની આરટીઓ કચેરી ખાતેથી આંતર રાજય સંચાલન શરૂ કરવાની તમામ આનુષાંગિક કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ સંચાલન શરૂ કરવાની તાકીદ કરવામાં આવી છે.