સૂર્ય શક્તિનો મુખ્ય સ્ત્રોત અને બ્રહ્માંડનું પાવર સ્ટેશન ગણાય છે. સૂર્ય વગર જીવન શક્ય નથી. શક્તિના સ્ત્રોતનો હવે આર્થિક આધાર તરીકે ઉપયોગ કરવાની દિશામાં દુનિયાથી એક ડગલુ આગળ આપણે નિકળી ગયા છીએ. આધુનિક વિશ્ર્વમાં ઉર્જા આર્થિક ઉપાર્જનના રૂપમાં વિનીમયનું મુખ્ય કેન્દ્ર બની છે તેવા સંજોગોમાં સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરીને સમૃધ્ધી અંકે કરવાની દિશામાં ખુબજ અસરકારક રીતે પ્રયત્નો શરૂ થયા છે ત્યારે સૂર્યના પાવરને દેશના વિકાસ દર સાથે જોડવામાં આવી રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગના નકારાત્મક પરિબળને દૂર કરવામાં અબજો રૂપિયા વાપરવાની નોબતની આફતને અવસરમાં પલટાવવા માટે સૂર્યને વધારે જગમગાવવામાં આવશે. સૂર્ય ઉર્જાના ઉપયોગ થકી 300 કરોડ ટન કાર્બન ડાયોકસાઈડના ઘટાડા થકી ભારતના વૃદ્ધિદરમાં વધારાના ત્રીજા ભાગનું લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે સરકારનો ગ્રીન ટાર્ગેટ બિનપરંપરાગત ઉર્જાના માધ્યમથી પર્યાવરણને સુરક્ષીત કરવાની સાથે સાથે અર્થતંત્રને વેગવાન બનાવવામાં આવશે. વીજળીનું ઉત્પાદન કરવા માટે હાઈડ્રો પાવર પ્લાન્ટની જગ્યા સૂર્યની શક્તિનો ઉપયોગ કરી સોલાર પાવર પ્લાન્ટની કાર્ય ક્ષમતા વધારીને વાતાવરણમાં વધતું કાર્બન ડાયોકસાઈડ ઘટાડવાની દિશામાં જે રીતે કામ થઈ રહ્યું છે તેમાં 300 કરોડ ટન કાર્બન ડાયોકસાઈડનું ઘટાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. મહાકાય માત્રામાં કાર્બન ડાયોકસાઈડનું પ્રમાણ ઘટાડવા માટે અબજો ડોલરનો ખર્ચ થાય તેની સામે સૂર્ય શક્તિને કામે લગાવી ઉર્જાનું ઉત્પાદન કરવામાં આવે તો વિદ્યુત બનાવવા માટે જે રીતે કાર્બન એમિશન વાતાવરણમાં મુક્ત થાય છે તેને નિયંત્રણમાં લાગવી શકાય.
પેરીસમાં મળેલી ગ્લોબલ સમીટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશ્ર્વ સમાજ સમક્ષ એક સુઝાવ મુક્યો હતો કે દરેક જવાબદાર રાષ્ટ્ર પોતાના પર્યાવરણમાં 1 થી લઈ 3 ડિગ્રી સે. જેટલું તાપમાન ઘટાડે તો ગ્લોબલ વોર્મિંગની સમસ્યા કાબુમાં આવે. જગતમાં હવે કાર્બન એમિશન ઘટાડવાનો મોટો પડકાર ઉભો થયો છે. ભારતે કાર્બન એમિશનના ઘટાડા માટે સૂર્ય ઉર્જાને કામે લગાડવાનો ઉપાય સિધ્ધ કર્યો છે. 300 કરોડ ટન કાર્બન ડાયોકસાઈડનું સ્તર નીચે લાવવાનું સફળતા મળી જાય તો જીડીપીના ત્રીજા હિસ્સા જેટલી બચત થઈ જાય. સૂર્ય શક્તિનો ઉપયોગ માટે જીવસૃષ્ટિ અને ખેતી તેમજ વનસ્પતિના સંચરણ, વિસ્તરણ માટે કુદરતી રીતે કરવાની સાથે સાથે સૂર્ય ઉર્જા થકી વીજળી ઉત્પન્ન કરવામાં આવે તો એક પંથ અને અનેક કાજ જેવા હેતુ સીધ્ધ થશે.
સૂર્યને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે. વૈદ્યપુરાણ અને શાસ્ત્રોમાં સદીઓ પહેલા સૂર્ય શક્તિના માનવ કલ્યાણ ઉપયોગના વિવિધ રસ્તાઓ બતાવવામાં આવ્યા હતા. સૂર્ય શક્તિનો કલ્યાણના રસ્તે ઉપયોગ થઈ શકે તે ભારત અને ભારતીય સંસ્કૃતિથી વધુ કોણ સમજી શકે. સૂર્યને દેવ તરીકે પુજવાની રાષ્ટ્રીય ધર્મ સંસ્કૃતિની પરંપરાએ સદીઓ પહેલા સૂર્યનો ઉપયોગ અને તેની ઉપયોગીતાના સંદેશા માનવજાતને આપ્યા હતા. શક્તિનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તે કલ્યાણકારી પરિણામો આપી શકે, જો આ શક્તિને વણ વાપરેલી રાખવામાં આવે તો તેનો વ્યય જાય અને દૂરઉપયોગ કરવામાં આવે તો વાપરનાર જ નાશ પામે છે. અત્યાર સુધી આપણે સૂર્યને તડકો ખાવા માટે વાપરવાનું શીખતા આવ્યા છીએ. સૂર્યના કિરણોમાં અલ્ટ્રા વાયોલેટ કિરણોની ભયાવહ વાતો સાંભળતા આવ્યા છીએ. હવે સૂર્યના આ કિરણોનો ક્રાંતિકારી કલ્યાણલક્ષી ઉપયોગ કરવા તરફ ડગ માંડી ચૂક્યા છીએ. સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી વાતાવરણનું કાર્બન ડાયોકસાઈડ ઓછુ કરવાથી વાતાવરણ નિર્મળ થશે સાથે સાથે આર્થિક રીતે પણ મોટો લાભ થશે. આને જ કહેવાય સૂર્યનો પાવર સાચી રીતે જનરેટ કરવાની કળા.