ભારતીય શેરબજારોમાં આજે તેજીનો તોખાર જોવા મળ્યો હતો.ઉઘડતી બજારે જ સેન્સેક્સ અને નિફ્ટીએ સર્વોરચ સપાટી હાંસલ કરતા રોકાણકારોમાં હરખની હેલી વ્યાપી જવા પામી હતી. બુલિયન બજારમાં બેતરફી માહોલ રહ્યો હતો.સોનુ થોડું ઊચકાયુ હતું તો ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.ડોલર સામે આજે રૂપિયામાં સામાન્ય મજબૂતાઈ જોવા મળી હતી.
ઉપાડતી બજારે જ બંને ઈન્ડેક્સે નવી લાઈફ ટાઈમ હાય સપાટી હાંસલ કરી: ડોલર સામે રૂપિયામાં સામાન્ય મજબુતાઈ
ગઈકાલે ઉઘડતા સપ્તાહે શેર બજારમાં અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે કામકાજના અંતે સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા. આજે મંગળવાર જાણે ભારતીય શેરબજાર માટે મંગળકારી સાબિત થયો હોય તેમ સેન્સેક્સે 52869.51 ની સર્વોચ્ચ સપાટી હાંસલ કરી હતી. નિફ્ટી પણ 16 હજારની સપાટીને આંબવા માટે જાણે થનગની રહી હોય તેમ નિફ્ટીએ પણ 15901.60 ની લાઈફ ટાઈમ હાઈ સપાટી હાસલ કરી હતી. બંને આગેવાન ઇન્ડેક્ષ ઉઘડતી બજારે જ સર્વોચ્ચ સપાટીએ પહોંચી જતા રોકાણકારોએ ભારે વિશ્વાસ સાથે ખરીદી ચાલુ રાખી હતી.ચાલુ સપ્તાહે અલગ-અલગ આઇપીઓ આવી રહ્યા છે.જેને પરિણામે બજારમાં તેજીનો રૂખ જળવાય રહેશે તેવું જાણકારો માની રહ્યા છે.
બેંક નિફ્ટી પણ આજે 196 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.જ્યારે બુલિયન બજારમાં બેતરફી માહોલ રહ્યો હતો.સોનામાં નજીવો ઉછાળો નોંધાયો છે તો ચાંદીમાં નજીવો ઘટાડો જોવા મળ્યો હતો.બીજી તરફ આજે ડોલર સામે બે પૈસા મજબૂત બન્યો છે. આ લખાઈ રહ્યું છે ત્યારે સેન્સેક્સ 251 પોઇન્ટના ઉછાળા સાથે 52803 અને નિફ્ટી 74 પોઇન્ટના ઉછાળા સાથે 15885 પર ટ્રેડ કરી રહ્યા છે. જ્યારે ડોલર સામે બે પૈસાની મજબૂતી સાથે રૂપિયો 73.25 પર કામકાજ કરી રહ્યો છે.