સ્વાસ્થ્ય જ સાચુ સુખ છે. પણ ઘણાં લોકો ઊંઘ ન આવવાની સમસ્યાથી પરેશાન છે. તેમણે મુંઝાવાની જરૂર નથી. આ 5 ઊપાય સ્વયંભૂ અપનાવવા જોઈએ. ઘણીવાર ઘરગથ્થુ ઊપાય પણ કામ લાગે છે. મોડી રાત્રિ સુધી પથારીમાં પડખા ફર્યા કરવા છતાં પણ ઊંઘ ન આવવી એ આજની કોમન સમસ્યા બની ગઈ છે. આ સમસ્યા આમ તો સામાન્ય જ લાગે પણ સ્વાસ્થ્યને ખુબ જ અસર પહોંચાડે છે. ઘણાં તો નાછૂટકે ઊંઘની ગોળી લેવા લાગે છે.
આ બિમારીને અનિદ્રા અથવા તો ઇનસોમનીયા કહે છે. નિષ્ણાતો માને છે કે અનિદ્રાનો ઈલાજ ગોળીઓ નથી જ. લાંબા ગાળે પણ ઉપયોગી નિવડતી નથી. આ માટે તમારે આ 5 ઊપાયો કરી જોવા જોઈએ. બની શકે કે તમારી સમસ્યા દૂર થઈ જાય.
- સ્ક્રીન ટાઈમને ઓછો કરવાની કોશિશ કરો: રાત્રે સૂતા પહેલાં તમને સ્માર્ટફોનનો ઉપયોગ કરવાની ટેવ છે. તો એ ટેવ કાઢી નાખો. અથવા તેની સમય મર્યાદા બાંધી દો. એ જ પ્રમાણે સૂતા પહેલાં ટીવી કે લેપટોપ પર વધારે સમય આપતા હોય તો તેને પણ ઘટાડવો જોઈએ. કેમ કે વધારે પડતો સ્ક્રીન ટાઈમ ઊંઘ માટે જરૂરી એવું હોર્મોન મેલાટોનિનનું ઉત્પાદન ઘટાડે છે. ખાસ કરીને શયનરૂમમાં તો લેપટોપ, ટીવી, સ્માર્ટફોન ક્યારેય ન રાખવા.
- દિવસે ઊંઘવાનું ટાળવું જોઈએ: ઘણાં લોકોને ટેવ હોય છે કે બપોરે સમય મળે એટલે તુરંત જ સૂઈ જાય છે. આમ જોવા જઈએ તો બપોરે 2થી 3ની વચ્ચે એક ઝપકી લઈ શકાય છે. બાકી લાંબી ઊંઘ ખેંચવાની ટેવ હોય તો કાઢી નાખવી જોઈએ. જો તમે દિવસે લાંબો સમય સૂઈને એવું વિચારતા હોવ કે રાતની ઊંઘ ખરાબ થઈ તેની ભરપાઈ થઈ જશે તો એ સદંતર ખોટુ છે. તબીબો કહે છે દિવસે 15થી 20 મિનિટની ઊંઘ જ લઈ શકાય.
- ઓરડાનું તાપમાન બરાબર હોવું જોઈએ: નિંદ્રાની સાથે જોડાયેલાં નિષ્ણાતો માને છે કે રાત્રે સૂતી વખતે ઓરડાનું તાપમાન સામાન્ય કરતાં ઓછું અથવા સામાન્ય ઠંડું હોવું જોઈએ. જર્નલ સાયન્ટિફિક અમેરિકનમાં લખાયેલા શોધ લેખ મુજબ રાત્રે ઓછા તાપમાને સૂવાથી મગજ વધુ આરામ કરી શકે છે. જેમને વધુ પડતો પરસેવો થવાની સમસ્યા થતી હોય તેમણે પણ આ બાબતનો ખ્યાલ રાખવો જોઈએ.
- રાત્રે મોજા પહેરીને સૂઓ: ઘણાં નિષ્ણાતો માને છે કે રાત્રે સૂતી વખતે પગમાં મોજા પહેરી રાખવા જોઈએ. તેનાથી શરીરમાં રક્ત સંચાર બરાબર થાય છે. અને ઊંઘ સારી આવે છે. બની શકે કે ઊનાળામાં મોજા પહેરીને સૂવું ન ગમે. પણ ચોમાસા અને શિયાળા એમ બે સીઝનમાં તો એવું કરી જ શકાય.
- યોગ અને વ્યાયામથી પણ આવશે સારી ઊંંઘ: સારી ઊંઘ લેવા માટે જરૂરી છે કે દિવસમાં થોડો વ્યાયામ કરવામાં આવે. અનુકૂળ હોય તો રોજ થોડા સમય માટે યોગ પણ કરી લેવા જોઈએ. યોગ અને વ્યાયામ થી શરીર પણ સ્વસ્થ રહેશે સાથે જ રાત્રે ઊંઘની સમસ્યાનું નિવારણ આવશે. પ્રાણાયમ કરવાથી પણ સારી ઊંંઘ આવે છે.