સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં હાલ ભારે બફારા સાથે લોકો અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યાં છે ત્યારે આ વર્ષે ગુજરાતમાં ચોમાસાએ 6 દિવસ વહેલી દસ્તક દીધી છે જો કે હજુ સુધી હવામાન વિભાગની આગાહી છતાં સૌરાષ્ટ્રના રાજકોટમાં વરસાદનું ટીપુ’ય પડ્યું નથી. અગાઉ ગયા મહિને તાઉતે વાવાઝોડાને લઈને પણ રાજકોટ જિલ્લામાં આ વાવાઝોડુ ટકરાય તેની ચેતવણી આપવામાં આવી હતી પરંતુ તાઉતે દબંગની જેમ લોકોને મુંઝવીને રાજકોટની બાજુમાંથી જ પસાર થઈ જતું રહ્યું અને તેવી જ રીતે વરસાદ પણ જાણે રાજકોટ જિલ્લાને હાઉકલી કરી નિકળી ગયો હોય તેમ મેઘો આવવાનું નામ જ લઈ રહ્યો નથી. ક્યાંકને ક્યાંક તાઉતે વાવાઝોડાની અસરતળે રાજકોટ જિલ્લાની વરસાદી સીસ્ટમ વિખાઈ ગઈ હોય અને તેની અસર હાલ રાજકોટ જિલ્લાવાસીઓ ભોગવી રહ્યાં છે. વાવાઝોડુ તો રાજકોટમાં ન જ આવ્યું સાથે સાથે વરસાદ પણ લઈ ગયું હોય તેવુ લાગી રહ્યું છે.

આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી

અગાઉ 5 દિવસની આગાહી છતાં સૌરાષ્ટ્રમાં વરસાદ જોવા મળ્યો નથી: વાવાઝોડાએ રાજકોટ સહિતના વિસ્તારોની વરસાદી સીસ્ટમ વિખેરી નાખી છે

અગાઉ હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં તા.11 જૂનથી 16 જૂન દરમિયાન હળવાથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી. જો કે આ આગાહી ખોટી પડી હાયે તેમ છેલ્લા 48 કલાકમાં સૌરાષ્ટ્રમાં તો વરસાદ ક્યાંય પડ્યો જ નથી પરંતુ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ આ વરસાદની ક્યાંય અસર જોવા મળી નથી. રાજકોટમાં 12-13 જૂન દરમિયાન વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી હતી જો કે છેલ્લા 2 દિવસ દરમિયાન રાજકોટવાસીઓએ 40 ડિગ્રી તાપમાન સાથે અસહ્ય બફારાનો સામનો કરવો પડી રહ્યો છે. તાઉતે વાવાઝોડાએ ગીર સોમનાથ, અમરેલી સહિતના વિસ્તારોમાં તબાહી મચાવી છે ત્યારે અમરેલીમાં અત્યાર સુધીમાં કુલ 5 થી 6 ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યું છે ત્યાં વાવાઝોડાની અસર પણ દેખાઈ હતી પણ રાજકોટ જિલ્લાની તાઉતેની અસર બિલકુલ જોવા મળી નહોતી, ફકત સામાન્ય વરસાદ જોવા મળ્યો હતો ત્યારે હવે ચોમાસાએ દસ્તક દીધી હોવા છતાં રાજકોટમાં આગાહી છતાં પણ વરસાદ પડ્યો નથી.

હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાત તેમજ રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર, જૂનાગઢમાં હળવાથી ભારે વરસાદની શકયતા છે. જો કે બીજીબાજુ રાજકોટ હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 17-18 જૂન બાદ વરસાદ પડી શકે તેમ છે. હાલમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારે ચોમાસુ અટવાઈ બેઠુ છે, કોઈ સપોટીવ સીસ્ટમ જોવા મળી રહી નથી, આગાહી છતાં પણ વરસાદ ન પડતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યાં છે. અને હવે આગામી 3-4 દિવસમાં રાજકોટ જિલ્લામાં પણ વરસાદ આવે તેવી શકયતા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.