દોકલામ વિવાદમાં દાખવેલી અડગત અને કટીબધ્ધતાના કારણે ચીન શાનમાં સમજી ચુકયું છે બ્રિકસ પરિષદ પહેલા દોકલામમાં ભારતે બતાવેલી સુઝબુઝથી ચીન ચોંકી ગયું છે ચીનને વ્યાપાર કરવો છે કે વિવાદ ? તે ચોખવટ હવે ચીનને બ્રીકસમાં કરવી પડશે
ચીનના શિયામાન શહેરમાં મળનારું બ્રીકસ સંમેલન વૈશ્ર્વિક રાજકારણની નવી ધરી રચવા જઈ રહ્યું છે. ભારત, ચીન, રશિયા, બ્રાઝીલ અને સાઉથ આફ્રિકા જેવા વિકસતા અર્થતંત્રના સંગઠન બ્રીકસની શિખર પરિષદ ઉપર અમેરિકા અને બ્રિટન જેવા વિકસીત દેશોની ચાંપતી નજર છે. બ્રીકસમાં એકંદરે તમામ દેશોના આર્થિક અને રાજનૈતિક હિત સમાયેલા છે.ભારત માટે આર્થિક વિકાસની સાથો સાથ આતંકવાદનો ખાત્મો પણ મહત્વનો હોવાથી આ બંન્ને મુદ્દા બ્રીકસમાં ભારત ઉઠાવશે. બીજી તરફ ખંધા ચીને બ્રીકસ પહેલા જ પાકિસ્તાન પ્રેરીત આતંકવાદ અંગે ચર્ચા કરવાનો નનૈયો ભણી દીધો છે. વિસ્તારવાદ અને આર્થિક લાભ માટે કંઈ પણ કરી છુટવાની તાસીર હંમેશાથી ચીનની રહી છે. ચીન બ્રીકસમાં વન બેલ્ટ વન ‚ટ અને આયાત-નિકાસમાં ભારતે કેટલીક ચીજો ઉપર મુકેલા પ્રતિબંધનો મામલો ઉઠાવશે. મૂકત વ્યાપારની તરફેણ કરી આતંકવાદ જેવા ગંભીર દુષણ સામે આંખ આડા કાન કરશે.બ્રીકસને સોનાની મરઘી સમાન ગણતુ ચીન સંમેલન દરમિયાન દોકલામ કે અન્ય કોઈ સીમા વિવાદનો મુદો નહીં જ ઉછાળે. ચાલુ વર્ષે બ્રીકસમાં ભારતને સીમા વિવાદ અને આતંકવાદ અંગે ડંડો પછાડવાની તક છે. દોકલામ વિવાદમાં દાખવેલી અડગત અને કટીબધ્ધતાના કારણે ચીન શાનમાં સમજી ચુકયું છે. બ્રીકસ પરિષદ પહેલા દોકલામમાં ભારતે બતાવેલી સુઝબુઝથી ચીન ચોંકી ગયું છે. ચીનને વ્યાપાર કરવો છે કે વિવાદ ? તે ચોખવટ હવે ચીનને બ્રીકસમાં કરવી પડશે.ભારતને પજવતા પાકિસ્તાનને પંપાળવાની નાપાક હરકત ચીન કરી રહ્યું છે. ભારતને આતંકવાદના ભોરીંગમાં વ્યસ્ત રાખવાની દાનત ચીનની છે. પરિણામે આતંકવાદના મુદ્દાને બ્રીકસમાં ન ઉપાડવા ચીનની તૈયારી છે. બીજી તરફ ભારત પણ હવે ડ્રેગનની તરકીબોથી અવગત છે. પરિણામે બ્રીકસ પહેલા દોકલામમાં ચીનની પૂંછડી દબાવી રખાઈ હતી. દોકલામ વિવાદ સરકારની લાંબાગાળાની રણનીતિનું પરિણામ હોવાનું માનવામાં આવી રહ્યું છે.એક રીતે જોઈએ તો ચીન કયારેય ભારતનું પરંપરાગત શત્રુ રહ્યું નથી. હા,ચીનની સામ્યવાદી નીતિ હંમેશા ભારત માટે ચીંતાનો વિષય રહી છે. ચીનની દાનતના કારણે જ ૧૯૬૫નું યુધ્ધ થયું, ત્યારબાદ ચીન સાથેની સરહદે કયારેય એક પણ ગોળી છુટી નથી. જેનું એક કારણ ભારતનું વિશાળ બજાર છે. વર્ષે દાડે અબજો-ખર્બોનું હુંડિયામણ ચીન ભારતમાં વ્યાપાર કરી ઢસડી જાય છે. હજ્જારો પ્રકારની વસ્તુઓ ચીન ભારતીય બજારમાં વહેંચે છે. જયાં વિજળી નથી ત્યાં પણ ચાઈનીઝ સામાન જોવા મળે છે. આ સિધ્ધી બદલ ચીનની પીઠ થપથપાવી રહી.પાકિસ્તાન સિવાય એશિયાના અન્ય દેશો સાથે ચીનના સંબંધો ધનિષ્ઠ નથી. મોટાભાગના દેશો સાથે વિસ્તારવાદનો વિવાદ છે. જયારે ભારતે દોકલામ પ્રકરણ બાદ ભૂતાન જેવું કાયમી મીત્ર મેળવ્યું છે. ભારતે બીગ બ્રધરની ભૂમિકા નિભાવી હોવાથી પાડોશી દેશોનો ભારત ઉપર વિશ્ર્વાસ વધ્યો છે. બ્રીકસમાં રશિયા પણ ભારતના પડખે છે. દોકલામ બાદ હવે ચીનનો સાથ આપશું તો ભારત સાથેના સંબંધો કથળશે તેવું રશિયાએ અનુભવ્યું છે. ચીન અને ભારત પોતાની રીતે વિવાદનો અંત લાવે તેવા સંકેતો રશિયાએ આપ્યા છે.હવે ઈતિહાસ ભણી થોડી નજર દોડાવીએ તો જણાઈ આવે કે તમામ દેશોએ પોતાની અનુકુળતા મુજબ ટૂંકા કે લાંબાગાળાના સંબંધો વિકસાવ્યા છે. એક સમયે ભારતને દબડાવવા યુધ્ધ જહાજ મોકલનાર અમેરિકા હવે ભારતને હુકમનો એક્કો માને છે. પાકિસ્તાનને હાંસીયામાં ધકેલે તો પાકિસ્તાન ચીનના ખોળે બેસે છે. અફઘાનિસ્તાનમાં સ્થિરતા લાવવા ભારતને તમામ પ્રકારનો ટેકો આપવા પણ અમેરિકા તૈયાર થાય છે.અનુકુળતા પ્રમાણે સંબંધોમાં આવતી હોય છે જો કે, ભારત સબંધોમાં હંમેશા પ્રમાણિક રહ્યું છે. અને આ પ્રમાણિકતા જ અત્યાર સુધી ભારતને ભારે પડી છે. નેપાળ અને શ્રીલંકાનો જ દાખલો લઈએ તો આ બન્ને દેશો ભારતનો અહેસાન ભુલવાની ભુલ અનેક વખત કરી ચૂકયા છે. પ્રમાણીકતા દાખવવાની પરંપરા લાંબા ગાળે બેવકુફી સાબીત થઈ છે. બ્રીકસની રચના આર્થિક વિકાસને પરિપેક્ષમાં રાખીને કરવામાં આવી હતી. જેમાં રશિયા સિવાયના તમામ દેશોનું અર્થતંત્ર વિકાસશીલ છે. ચીન અને ભારત વચ્ચે આર્થિક વિકાસની હોડ છે. જેમાં કેટલીક સ્થાનિક નબળાઈના કારણે ભારત પાછળ રહ્યું છે. અલબત વડાપ્રધાન મોદીએ સત્તા સંભાળ્યા બાદ વૈશ્ર્વિક રાજકારણમાં ભારત પોતાનો પગ જમાવવા લાગ્યું છે. વ્યાપાર-વાણિજય વિકસાવવા અને આતંકવાદનો ખાત્મા માટે વિશ્ર્વના અનેક દેશો ભારતની પડખે ઉભા છે.વૈશ્ર્વિક વેપાર વધારવા માટે જ મોદી સરકારે ઘર આંગણે જ અનેક સુધારા કર્યા છે. સિંગલ વિન્ડો કલીયરન્સ અને ગુડ ગવર્નન્સનો સમાવેશ આ સુધારામાં થાય છે. આયાત-નિકાસ માટે બ્રાઝીલ અને સાઉથ આફ્રિકામાં ભારતને બહોળી તક દેખાઈ રહી છે.અલબત ચીનની જેમ વન બેલ્ટ, વન ‚ટ (ઓબોર) વિકસાવવામાં ભારત ઉણુ ઉતર્યું છે. બ્રીકસમાં વ્યાપાર કે આતંકવાદ શું મુખ્ય મુદ્દો હશે તે તો હવે થોડા દિવસોમાં બહાર આવી જ જશે.