ગુજરાત રાજયમાં શાળાઓમાં વર્ષોથી ખાલી પડેલી શિક્ષકોની જગ્યાઓ બાબતે શિક્ષણ વિભાગે ખાસ ધ્યાન આપીને થોડા સમયથી ખાલી જગ્યાઓ ભરવા માટે તાકીદે પગલા તથા કામગીરી શરૂ કરી છે. જેમાં થોડા સમય પહેલા સરકારી શાળાઓમાં 1800 ઉપરાંત શિક્ષકોની ભરતી પછી તાજેતરમાં રાજયની ગ્રાંટેડ ઉ.મા. શાળાઓમાં 2829 જેટલા શિક્ષકોની ભરતી કરીને તેમને નિમણુંક પત્ર આપીને ફરજ પર પણ ચડાવી દેવાયા છે. તે પછી બાકી રહેતા માધ્યમિક વિભાગના શિક્ષકો માટે પણ ભરતી પ્રક્રિયા શરૂ કરી છે.
ગઈકાલે સમગ્ર રાજયમાં 2500થી વધુ ઉમેદવારો જેઓના નામ મેરીટ લીસ્ટમાં આવ્યા છે. તેમના પ્રમાણપત્રોની ચકાસણીનો કાર્યક્રમ જે તે જિલ્લામાં જિલ્લા શિક્ષણાધિકારીઓ તથા તેમના સ્ટાફ દ્વારા રાખવામાં આવેલો હતો.
આ પ્રક્રિયા પછી થોડા સમયમાં સ્થળ પસંદગી કરાવીને નિમણુંક હુકમો આપવાની કાર્યવાહી પણ થશે. પાંચ છ વર્ષોથી બંધ ભરતી પ્રક્રિયા થતા શાળાઆ હવે શિક્ષકોથી ધમધમતી થશે.