આપણી ભજન પરંપરામાં ગવાતા ભજનોના વિવિધ પ્રકારોનાં વિભાગ કરવામાં આવ્યા છે અને એ દરેક પ્રકારને ગાવાનો એક સમયક્રમ બધ્ધ કરવામાં આવ્યો છે.
આરતી, સંધ્યા, માળા, ગણપતિ આહવાન, (એમાં પણ ત્રણ પ્રકાર. ઉલટ, પાટ અને નિર્વાણ) આરાધ, સાવળ, ચુંદડી, કટારી, પરજ, પ્યાલો, રવેણી, આગમ, રામગરી, પ્રભાતિયા વગેરે…વગેરે…એમાનો એક પ્રકાર એટલે પ્યાલો…. આ પ્યાલો એટલે ગુરૂમંત્ર, જે ગુરૂ પોતાના યોગ્યતા ધરાવતા શિષ્યને કાન વાટે પીવડાવે… અને પછી શિષ્યને એ પ્યાલાનો નશો ધીમે-ધીમે એવો ચડતો જાય. એ પ્યાલાને પીવાની એવી આદત બનતી જાય કે પછી શિષ્ય આઠેય પહોર એના નશામાં રહે અને તુર્યા અવસ્થા સુધી પહોંચે.
સાહેબ પરંપરાના સંતોએ અનેક ભજનોમાં પ્યાલો પીધાનું અને પીધા પછીની અનૂભૂતીની વાત વર્ણવી છે
આ તુર્યાવસ્થા એટલે અદ્વૈતની અનુભૂતિ…આપણી પરંપરામાં પ્રખ્યાત થયેલા કેટલાક પ્યાલાના ઉદાહરણરૂપ ભજનો…સાહેબ પરંપરાના સંતોએ લખેલા અમુક ભક્તો જોઇએ તો મેરા રામ રસ પ્યાલા ભરપુર-કબીર સાહેબ, દયા કરીને મને પ્રેમે પાયો મારા નૈનોમાં આવ્યા નુર પ્યાલો મેં તો પીધેલ છે ભરપૂર : જીવણ સાહેબ, એવો પ્યાલો મને પાયો રે અમર પ્યાલો મારા ગુરૂજીએ પાયો-રવી સાહેબ, મારા ગુરૂજીએ પાયો અગાધ પ્યાલો દુજો કોણ પીવે-ત્રિકમ સાહેબ, આવા કેટલાય પદો આપણી ભજન પરંપરામાં આપણા સંત-કવીઓ દ્વારા ગવાયા છે અને ગવાઇ રહ્યાં છે અને ગવાતા રહેશે. કારણ કે અનુભૂતિની વાણી અમરત્વને વરે છે.
આપણી ગુજરાતી ભાષાના આદિ કવી નરસિંહ મહેતાનો પ્યાલો જોઇએ તો રામ સભામાં અમે રમવાને ગ્યા’તા, પસલીભરી રસ પીધો, હરિનો રસ પૂરણ પાયો, પહેલો પ્યાલો મારા સદ્ગુરૂએ પાયો, બીજે પ્યાલે રંગ રેલી, ત્રીજો પ્યાલો મારા રોમેરોમે વ્યાપ્યો ચોથે પ્યાલે પ્રભુજી જેવી રે…. આવા ભજનોમાં જે વર્ણન છે તે પ્યાલો પીધાનું અને પીધા પછીની અનુભૂતિનું જ છે એટલું ચોક્કસ છે.