કોર્પોરેશન દ્વારા રેલનગરમાં આવેલી સુભાષચંદ્ર બોઝ અને વીર સાવરકર ટાઉનશીપમાં કુલ ૭૨૦ આવાસોમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું.જેમાં મૂળ માલિક સિવાયના આસામીઓ રહેતા હોવાનું માલુમ પડતા ૬ આવાસ સીલ કરી દેવામાં આવ્યા હતાં.
સુભાષચંદ્ર બોઝ ટાઉનશીપમાં મૂળ માલિકોએ આવાસ ભાડે આપી દીધાનું ખુલતા કોર્પોરેશનની આકરી કાર્યવાહી
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કોર્પોરેશન દ્વારા આવાસો ભાડે આપવા અને મૂળ માલિક સિવાયના આસામીઓ રહેતા માલુમ પડતા આવાસ સીલ કરવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં રેલનગરમાં આવેલ સુભાષચંદ્ર બોઝ ટાઉનશીપમાં ૪૪૦ આવાસોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાથી ૬ આવાસોમાં મૂળ માલિક સિવાયના આસામીઓ રહેતા માલુમ પડતા આ આવાસો સીલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વીર સાવરકર ટાઉનશીપમાં ૨૮૦ આવાસોની ચકાસણી કરવામાં આવેલ જ્યાં કોઈ જ આવાસમાં માલિક સિવાય અન્ય કોઈ રહેતું હોવાનું ધ્યાને આવેલ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે,અનેક કિસ્સાઓમાં લાભાર્થી પોતાને મળેલુ આવાસ અન્યને રહેવા માટે ભાડે આપી દેતા હોય છે.અથવા આ આવાસનું વેચાણ પણ કરી નાખવામાં આવતું હોય છે. કોર્પોરેશનની આવાસ શાખા દ્વારા માત્ર નામ પૂરતો જ ચેકિંગ કરવામાં આવે છે જેના કારણે આવા તત્વોને છૂટો દોર મળી જાય છે સરકારી યોજના અંતર્ગત મળેલું ઘર અન્ય વ્યક્તિને ભાડે આપી દેવામાં આવે છે કે વેચાણ કરી દેવાય છે નિયમિત પણે જો ચેકિંગ ઝુંબેશ ચાલુ રાખવામાં આવે તો આવી ઘટના અટકાવી શકાય તેમ છે. પરંતુ આવાસ યોજના અધિકારીઓ માત્ર વર્ષેદહાડે કહેવા પૂરતી જ ચેકિંગની કામગીરી કરે છે.