લાલચુ અને લોભી હોય ત્યાં ધુતારા અને ઠગારા ભુખ્યા ન મરે તેમ ગોંડલ પ્રૌઢે હાઇ પ્રોફાઇલ અને વીઆઇપી મેમ સાથે ડેટીંગ મીટીંગ અથવા સેક્સ માટે રૂા.1.29 કરોડ ગુમાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ તાલુકાના ગરનાર ગામના વતની અને હાલ ગુંદાળા રોડ પર બ્રહ્માણી પાર્કમાં રહેતા અશ્વિન વિઠ્ઠલભાઇ વિરપરીયાએ જુદા જુદા 14 જેટલા મોબાઇલ નંબર પર સંપર્ક કરી રૂા.1.29 કરોડની છેતરપિંડી થયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
અશ્ર્વિનભાઇ વિરપરીયા મહારાષ્ટ્રમાં જેસીબીનો કોન્ટ્રાકટ હોવાથી લાંબો સમય સુધી મહારાષ્ટ્રમાં રોકાયા બાદ ગત તા.29-2-20ના રોજ પરત ગોંડલ આવી રહ્યા હતા ત્યારે અજાણ્યા મોબાઇલમાંથી તેમને મેસેજ આવ્યો હતો તેમાં હાઇ પ્રોફાઇલ વીઆઇપી મેમ કે સાથ ડેટીંગ મીટીંગ અથવા સેકસ મે ઇન્ટ્રસ હોય તો આપનું નામ અને શહેરનું નામ જણાવો આ મેસેજ વાચી અશ્વિનભાઇ વિરપરીયાએ પોતાની સહમતી બતાવતો રિપ્લાય આપ્યો હતો.
આથી ફરી મેસેજ આવ્યો હતો અને મેમ્બરસીપ માટે રૂા.2500 જમા કરાવવા જમાવ્યું હતું. અશ્ર્વિનભાઇ પટેલે રૂા.2500 જમા કરાવ્યા બાદ રૂા.49 હજાર જમા કરાવ્યા હતા. પરંતું વીઆઇપી મેમ સાથે મીટીંગ કરાવી ન હતી અને વધુ રૂા.7.50 લાખ આંગડીયા દ્વારા મગાવ્યા હતા. ત્યાર બાદ રૂા.18 લાખ મોકલ્યા હતા આ રીતે અશ્વિનભાઇ પટેલે કુલ રૂા.1.29 કરોડ મોકલ્યા હતા પણ તેમને મીટીંગની ગોઠવણ કરી ન આપી છેતરપિંડી થયાનું ફરિયાદમાં જણાવ્યું છે.