કોરોના વાયરસની વૈશ્વિક મહામારીમાંથી ઉગરી અર્થતંત્રની ગાડીને ફરી પુરપાટ ઝડપે દોડાવી વૈશ્વિક અસર દૂર કરવા દરેક દેશ મથામણ કરી રહ્યા છે. ભારતમાં પણ કેન્દ્રની મોદી સરકાર અને રિઝર્વ બેંકના સમન્વયી નિર્ણયને કારણે અર્થતંત્ર કોરોના મહામારીમાથી ઉગરી ઝડપેભેર આગળ ધપી રહ્યું છે. ત્યારે દેશની આર્થિક ગતિને વધુ બળ આપવા અને આ થકી બજારને ધબકતું રાખવા આવતીકાલે મળનારી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ-જીએસટી કાઉન્સિલની બેઠકમાં રાહતના ભંડાર ખુલશે. કોરોનાની અસરમાંથી ભારતને સંપૂર્ણપણે બેઠો કરવા અર્થતંત્રનું “રસીકરણ” થશે.
હોસ્પિટાલીટી ઈન્ડસ્ટ્રીઝ, ટુરીઝમ, કૃષિ અને મેડિકલ સાધન-સરંજામ સહિત માળખાગત સુવિધા ક્ષેત્રે મોટી જાહેરાતોની શકયતા
કોરોના સંબંધિત ચીજ-વસ્તુઓ પર કસ્ટમ ડયુટીની સાથે સાથે જીએસટીની રાહતો પણ અપાય તેવી પ્રબળ સંભાવના
આવતીકાલે 12મી જૂને નાણાંપ્રધાન નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં મળનારી આ બેઠક અતિ મહત્વની સાબિત થશે. આ બેઠકમાં હોસ્પિટાલીટી ઈન્ડસ્ટ્રીઝ, ટુરિઝમ, કૃષિ તેમજ કૃષિ નિકાસ સંબધિત અને માળખાગત સુવિધાનો વ્યાપ વિસ્તાર વધારવા અને મેડિકલ સાધન-સરંજામ અને સુવિધાઓ પર રાહત આપવામાં આવે તેવી પ્રબળ શકયતા છે. મેડિકલ સાધન, સંરજામ અને કોરોના, મ્યુકરમાયકોસીસની સારવારમાં વપરાતી વિવિધ દવાઓ પર કસ્ટમ ડ્યુટીની સાથે જીએસટી રાહતો પણ અપાશે તેમ સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ જીએસટી કાઉન્સિલની છેલ્લી બેઠક ગત 28 મેના રોજ મળી હતી. જેમાં પી.પી.ઇ. કીટ, માસ્ક અને રસી સહિત કોવિડ-19ને લગતી આવશ્યક ચીજો પર ટેક્સમાં રાહત આપવા મંત્રીઓનું જૂથ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. અને આ ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ-જીઓએમએને 7 જૂને પોતાનો અહેવાલ સુપરત કરવા નિર્દેશ અપાયા હતા. જે સુપરત કર્યા બાદ આવતીકાલે ફરી જીએસટી કાઉન્સિલની બેઠક મળશે તેમાં આ મુદ્દે નિર્ણયો લેવાશે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે જીએસટી કાઉન્સિલની બેઠક 12 જૂને યોજાશે. અને આ દરમિયાન જીએમએમના રિપોર્ટ પર વિચારણા કરવામાં આવશે. અને કેટલાક રાજ્યોના નાણાં પ્રધાનોએ કોવિડને લગતી આવશ્યક ચીજવસ્તુઓ પર દર ઘટાડવાની હિમાયત કરી છે. જેને અનુલક્ષીને કોરોના સામેની સારવારમાં વપરાતી મોટાભાગની તમામ ચીજ-વસ્તુઓ પર રાહત અપાય તેવી વિશેષ સંભાવના છે.
ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ (જીઓએમ) મેડિકલ ગ્રેડ ઓક્સિજન, પલ્સ ઓક્સિમીટર, હેન્ડ સેનિટાઈઝર, ઓક્સિજન ટ્રીટમેન્ટ ઇક્વિપમેન્ટ જેવા કે કંસેન્ટર્સ, વેન્ટિલેટર, પીપીઈ કિટ્સ, ફેસ માસ્ક એન-95 અને સર્જિકલ માસ્કને જીએસટીમાંથી મુક્તિ અથવા મુક્તિ અંગે પોતાનો અભિપ્રાય આપવાનો અભિપ્રાય આપશે. અને આ મુદ્દે જીએસટી કાઉન્સિલ હકારાત્મક અભિગમ દાખવી પ્રસ્તાવ સ્વીકારી નાના વેપારીઓ ઉપરાંત મોટા ઉદ્યોગપતિઓ અને તેમજ ખાસ મેડિકલ ક્ષેત્ર સાથે સંબંધિત લોકોને મોટી રાહત આપે તેવી શકયતા છે.
રાજકોષીય રાહતનું ‘ઈન્જેકશન’ બજારને વેગવંતુ કરી દેશે… વાંચો શું કહ્યું નાણાંમંત્રી નિર્મલા સિતારામને
નોંધનીય છે કે અત્યાર સુધી કરવામાં આવેલી જાહેરાત અને ઉપર મુજબની રાહતોની વણઝારથી જે તે ક્ષેત્રને મોટી રાહતો મળશે જ પરંતુ આ સાથે આર્થિક સહાય મળતાં બજારમાં રૂપિયો વધુ દોડતો થશે અને તરલતા આવતા અર્થતંત્ર વધુ વેગવંતુ બનશે. તો આ સાથે ડોલર સામે રૂપિયો વધુ મજબૂત બનતા શેરબજાર પણ ટનાટન રહેશે. અને વિવિધ કંપનીઓની માર્કેટ કેપમાં પણ વધારો થતાં ભારતીય બજારની વેલ્યુ એડિશન વધતા જીડીપી વધશે.