ચાઈનીઝ મારફત નાણાં ૩૫ દિવસમાં ડબલ કરી દેવાની લોભામણી લાલચ આપી છેતરપીંડી કરવાના ગુન્હામાં દિલ્લી પોલીસે અગાઉ ૧૧ આરોપીઓની ધરપકડ કરી હતી. હવે આ રેલો સુરત સુધી પહોંચ્યો છે. પોલીસે સુરત ખાતેથી બે આરોપીઓની ધરપકડ કરી છે. અગાઉ છેતરપીંડીની રકમનો અંદાજ રૂ. ૧૫૦ કરોડનો હતો પણ હવે તે અંદાજ રૂ. ૫૨૦ કરોડ સુધી પહોંચ્યો છે.
ગુરુવારે સુરત પોલીસે રૂ. ૫૨૦ કરોડ રૂપિયાના મોબાઇલ એપ્લિકેશન કૌભાંડ મામલે બે વ્યક્તિની અટકાયત કરી હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું.
બુધવારે ૧૧ આરોપીઓની ધરપકડ બાદ ગુરુવારે સુરતથી વધુ બે આરોપીઓને દબોચી લેવાયાં
અધિકારીએ જણાવ્યું હતું કે, પોલીસે સુરત શહેરના અડાજણમાં રહેતાં મગદલ્લા રોડના રહેવાસી વિજય વણઝારા અને જય પારેખની ધરપકડ કરી હતી, જેને બેંગલુરુ પોલીસે લાખો લોકોની છેતરપિંડી કરવાના આરોપમાં ઝડપી લીધા હતા.
સુરત પોલીસ મુજબ, બેંગલુરુ પોલીસ આ બંનેની શોધખોળ કરી રહી હતી, ત્યારબાદ છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી અને તેમની સામે ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
આ બંને એક મોટા નેટવર્કનો ભાગ હતા, જેણે બે મોબાઇલ એપ્લિકેશન દ્વારા રોકાણ પર આકર્ષક વળતર આપવાના બહાને દેશના વિવિધ ભાગોના પાંચ લાખથી વધુ લોકોને બે મહિનામાં રૂ. ૫૨૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી.
દિલ્હી પોલીસના સાયબર સેલે બુધવારે આ છેતરપિંડીના કેસમાં બે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સહિત ૧૧ શખ્સની ધરપકડ કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, વણઝારા અને પારેખે સુરતમાં બોગસ કંપની સ્થાપવામાં મુખ્ય ગુનેગારોને પીડિતો પાસેથી છેતરપિંડી આચરવામાં મદદગારી કરી હતી. તપાસમાં ખુલાસો થયો હતો કે, કંપની અનેક બોગસ કંપનીઓ પૈકીની એક છે, જે માત્ર છેતરપિંડીથી હસ્તગત કરેલા ભંડોળ મેળવવા અને ત્યારબાદ તેને મુખ્ય સુત્રોધાર સુધી નાણાંને પહોંચાડવા માટે ઉભી કરાઈ હતી.
દિલ્હી પોલીસ દ્વારા પકડાયેલા મુખ્ય આરોપીએ પાવર બેંક અને ઇઝી પ્લાન મોબાઇલ એપ્લિકેશન બનાવ્યા હતા, જેમાં રોકાણ પર આકર્ષક વળતર આપવાની લાલચ આપવામાં આવી હતી.
મોટી સંખ્યામાં લોકોને વધુ નાણાં રોકાણ માટે લલચાવવા માટે, આરોપીએ રોકાણ કરેલા નાણાંના ૫ થી ૧૦ ટકા જેટલા નાણાંની ચુકવણી કરી હતી. નાણાં ચુકવણી કરતા એપ્લિકેશન અંગે વિશ્વસનીયતા ઉભી થઇ હતી. જેના કારણે લોકોએ વધુ નાણાંનું રોકાણ કરવાનું શરૂ કર્યું અને તેના મિત્રો અને સંબંધીઓ સાથે એપ્લિકેશનો ફરતા અને વહેંચવાનું શરૂ કર્યું હતું તેવું પોલીસે જણાવ્યું હતું.