ચોમાસાની ઋતુમાં શોર્ટ સર્કિટથી આગના બનાવો બનતા રહે છે આવા બનાવો અટકાવવા શું શું તકેદારી રાખવી જોઇએ તે અંગે જીઇબી એન્જીનીયર્સ એસોસિએશનના સેક્રેટરી જનરલ બીપીનભાઇ શાહે પ્રજાજોગ સોનેરી સુચનો જાહેર કર્યા છે.
વરસાદી ઋતુમાં ભીના ફ્યુઝ અથવા સ્વીચને અડકવું નહિં તેમજ ભીના હાથે ગીઝર, વોશિંગ મશીન અને મિક્ચર વગેરેની સ્વીચ ચાલુ કે બંધ ન કરવી. કોઇપણ વીજ ઉપકરણો જેવા કે પાણીની મોટર, ટેબલ, પંખો, ડોલ હીટર વગેરેને ચાલુ સ્થિતિમાં સ્પર્શ ના કરવો. વીજ મીટર મીટરને પાણી ન લાગે તેની સાવચેતી લેવી તથા ઘરના, દુકાનના કે ફેક્ટરીના વાયરીંગને પાણી ના લાગે તેની તકેદારી રાખવી. ઘરના વાયરિંગ ખુલ્લા જોઇન્ટ ના રાખશો.આપના આંતરિક વાયરીંગમાં યોગ્ય ક્ષમતાના આઇએસઆઇ માર્કાવાળા વીજ વાયર તેમજ વીજ ઉપકરણો જેવા કે એર-કંડીશનર, વોશિંગ મશીન, મિક્ષ્ચર, માઇક્રોવેવ કે વોટર હીટર આઇએસઆઇ માર્કવાળા વસાવવા તથા તે સમયે જુના વીજ વાયરો આ વધારાના સાધનોનો વીજ ભાર લેશે તે સરકાર પ્રમાણિત ઇલેક્ટ્રીકલ કોન્ટ્રાક્ટર પાસે ચેક કરાવી જરૂરી લોડ વધારો માંગી સદર સાધનોનો ટેસ્ટ રીપોર્ટ સબંધિત સ્થાનીક વીજ કચેરીમાં અવશ્ય આપવો. વીજળીનું વાયરીંગ કે વીજળીના સાધનોનું સમારકાર પોતાની જાતે કરવું નહિં પરંતુ પરવાનેદાર અને જાણકાર વાયરમેન પાસે જ કરાવવું. કનેક્શનની મેઇન સ્વીચ બંધ કરી મેઇન ફ્યુઝ કાઢી અને ત્યાર પછી જ કામગીરી કરો. કરારીત વીજ ભાર કરતા વધારે વીજ ભાર જોડેલ હોય તો વીજ વાયરને થતા નુકશાન તથા વીજ અકસ્માત અને શોર્ટ સર્કીટને કારણે આગ લાગવાના બનાવો નિવારવા સ્થાનિક વીજ કચેરીમાં અરજી કરી વધારાના વીજ ભારને અધિકૃત કરવો.
વીજ સાધનો માટે યોગ્ય ક્ષમતાના આઇએસઆઇ માર્કવાળા ફ્યુઝ, એમ.સી.બી. તથા ઇ.એલ.સી.બી.નો ઉપયોગ કરવો તથા વરસાદી સમયે ભેજવાળા વાતાવરણમાં ઘરના વીજસ્થાનોમાં લગતા વીજ આંચકાઓથી બચવા આઇએસઆઇ માર્કાવાળા ઇ.એલ.સી.બી. સલામતીના નિયમાનુસાર ગ્રાહકોએ ફરજીયાત લગાડવી. ઇએલસીબીના ઉપયોગ કરવાથી વીજ ઉપકરણોની આંતરીક ખામી અથવા ઇન્સ્યુલેશનની ખરાબીને લીધે વીજ પ્રવાહના લીકેજ વાળા ઉપકરણોને સ્પર્શ થવાથી લાગતા વીજશોક નિવારી શકાય છે. એમસીબીના ઉપયોગ કરવાથી વાયરીંગમાં શોર્ટ સર્કિટ તથા ઓવરકરંટ સામે રક્ષણ મળે છે. વીજ થાંભલાની આજુબાજુ પાણી ભરાયેલ હોય તેની નજીક ઉભા રહેવું નહિં. ત્યાં વીજ અકસ્માત થઇ શકે છે. થાંભલા પરથી આવતી વીજ સર્વિસ લાઇન બાંધવા માટે ઘરની દિવાલ પર એંગલ/હૂંક રાખો. કોઇપણ પ્રકારની દોરી/વાયર એંગલ સાથે ન બાંધો. સર્વિસ વાયર દિવાલ પર લટકતો ન રાખતા ક્લેમ્પથી ફીટ કરવો. સર્વિસ વાયર મીટર સુધી બહાર દેખાય તે રીતે ફીટ કરો. વીજતાર/નેટવર્કથી હંમેશા સલામત અંતર રાખવું.
વીજ લાઇન તાર નીચે વૃક્ષ કે વેલ ના વાવો તેમજ વાહનો, ઘાસ ચારો કે કીંમતી માલ સામાન ન રાખો. વીજ લાઇન નજીક બાંધકામ ચાલતું હોય ત્યારે વીજલાઇનથી સલામત અંતર રાખી કામગીરી કરવી. ડીશ ટી.વી./સી.સી.ટી.વી. કેમેરાના કેબલ વાયર વીજ લાઇન નેટવર્કથી દૂર રાખવા. વીજ નેટવર્કથી બાળકો/પ્રાણીઓને સલામત અંતરે રાખો.જો આપે ડીઝલ જનરેટર સેટ/ઇન્વસ્ટર લગાડેલ હોય તો હંમેશા પ્રમાણભૂત કંપનીની ફોર પોલ/ ટુ પોલ ઓટો ચેન્જ ઓવર સ્પીચ અમુક લગાવો. જેથી તેના વપરાશ સમયે બેક કરંટને કારણે વીજ અકસ્માત ન થાય. ઘર-દુકાન-કારખાનું વગેરે બંધ રહે ત્યારે મેઇન સ્વીચ બંધ રાખો. શોર્ટ-સર્કીટથી બંધ મકાનમાં આગ લાગવાની સંભાવના છે.
વીજળીના તૂટેલા તારથી દૂર રહો તથા બીજાને દૂર રાખો. વીજ કંપનીના નજીકના ફોલ્ટ સેન્ટરમાં આ બાબતની તુરંત જાણ કરવી. વીજ સ્થાપનમાં શોર્ટ-સર્કીટ કે લીકેજ થાય ત્યારે ફ્યુઝ તરત જ ઉડી જાય તે માટે વીજ સાધનો જેવા કે મોટર-સ્ટાર્ટર-સ્વીચ વગેરેને પ્રમાણભૂત અર્થિગ કરવું જરૂરી છે. આપના ઘર-ઓફીસ-કારખાના પાસે વીજ નેટવર્કમાં સ્પાર્કીંગ થાય ત્યારે તુરંત વીજ કંપનીને જાણ કરો. પોતાની જાતે અનધિકૃત રીતે પાવર મેળવવા અને એક ફીડરમાંથી બીજા ફીડરમાં પાવર લેવાના કારણે નિર્દોષ પ્રજાજનો કે વીજ કર્મચારીઓના મોતનું કારણ બની શકે છે. આ માટે જાગૃતતા કેળવીને લોકો દ્વારા સચેત રહી વીજ કચેરીમાં આ બાબતની જાણ કરવી જરૂરી છે.
ખેતરોમાં ધાતુના તાર વાપરીને વીજ પ્રવાહ પસાર કરવામાં આવતું ફેન્સીંગ ગુનાપાત્ર છે. સ્વહિત ખાતર આવા તારના ફેન્સીંગમાં વિદ્યુત પ્રવાહનો ઉપયોગ અનેક મનુષ્ય/પશુઓના મોતનું કારણ બને છે. આવા લોકેશનોની માહિતી વીજ કચેરીને આપવી જરૂરી છે. જેથી આવા પ્રકારના અકસ્માતો નિવારી શકાય. લાઇન ફોલ્ટમાં હોય કે વ્યક્તિગત ફરિયાદ હોય ત્યારે વીજ કચેરીના કોલ સેન્ટરમાં જ ફરીયાદ લખાવવી. અધિકારી/કર્મચારીઓને સમયે/કસમયે ફોન કરવાથી તેઓની રૂટીન કામગીરીમાં ખલેલ પહોંચે છે અને સરવાળે ફરિયાદો દૂર કરવામાં વિલંબ થાય છે.