નિર્માણાધિન ફિલ્મ ‘પૃથ્વીરાજ’ના નામકરણથી રાજપુત કરણી સેનાની ધાર્મિક લાગણી દુભાઈ છે. નિર્માતા-નિર્દેશકે જાણી જોઈને પ્રખર હિન્દુ સમ્રાટ મહાવીર પૃથ્વીરાજ ચૌહાણની માનહાનીને ઠેસ પહોચાડી હોવાનો આક્ષેપ કરાયો છે. ફિલ્મનું નામ સન્માનજનક આપવાની માંગ સાથે આ અંગે રાજપુત કરણી સેનાએ રાજકોટ પોલિસ કમિશ્નરને લેખિત રજૂઆત કરી છે.
રજૂઆતમાં વધુમાં જણાવ્યા મુજબ નિર્માતા યશરાજ ફિલ્મ, દિલ્હીની ગાદી પર બિરાજમાન અંતિમ હિન્દુ સમ્રાટ પરાક્રમી મહાવીર પૃથ્વીરાજસિંહ ચૌહાણના જીવન પર આધારિત એક ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. આ ફિલ્મના નિર્દેશક તથા લેખક છે ચાણકય ફેઈમ ડો. ચંદ્રપ્રકાશ દ્વિવેદી પ્રખર હિન્દુ સમ્રાટ મહાવીર પૃથ્વીરાજ ચૌહાણના જીવ પર બની રહેલી આ ફિલ્મનું સન્માનજનક નામ દેવું જોઈએ પરંતુ જાણી જોઈને આ ફિલ્મના નિર્માતા નિર્દેશક લેખકએ આ ફિલ્મને મહાવીર પૃથ્વીરાજસિંહ ચૌહાણના જીવન આધારિત આ ફિલ્મ માટે યોગ્ય તથા સન્માનજનક નામ નથી દેવામાં આવ્યું.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજપુત સમાજ પ્રખર હિન્દુ સમ્રાટ મહાવીર પૃથ્વીરાજ ચૌહાણને પોતાના ભગવાન માને છે. કરોડો ભારતીયો માટે સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ વંદનીય તથા પૂજનીય છે. કરોડો હિન્દુઓની આસ્થા વીર શીરોમણી પૃથ્વીરાજ ચૌહાણ સાથે જોડાયેલ છે.છેલ્લા એક વર્ષથી રાજપુત કરણી સેના આ ફિલ્મ અંગે ખૂલ્લેઆમ આગળ વધી રહી છે. રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહજી મકરાણીના નેતૃત્વમાં આ ફિલ્મના શુટીંગને રાજસ્થાનમાં રોકી દેવામાં આવી હતી ફેબ્રુઆરીમાં રાજપુત કરણી સેનાના મુંબઈના અધ્યક્ષ દિલીપસિંહ રાજપુતને યશરાજફિલ્મ્સ સહિતના તમામ કલાકારો તથા નિર્માતા નિર્દેશક ડો. ચંદ્રપ્રકાશ દ્વિવેદીને પત્ર લખી આ ફિલ્મના સંદર્ભમાં તથા તેના નામકરણ અંગે પોતાનો વાંધાઓ દર્શાવ્યા હતા તેમજ મુંબઈ પોલીસને પણ આવેદનપત્ર આપેલ હતુ. તાજેતરમાં જ, મે મહિનામાં યશરાજ ફિલ્મ્સને અલ્ટીમેટમ આપતા મુંબઈ પોલીસ કમિશ્નરને આ ભાવનાને ઠેસ પહોચાડવા બદલ ફિલ્મના નિર્માતા નિર્દેશન લેખક વિરૂધ્ધ કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.આ બાબતે નોંધ લઈ નિર્માતા યશરાજફિલ્મ્સ તથા નિર્દેશક લેખક ડો. ચંદ્રપ્રકાશ દ્વિવેદીની વિરૂધ્ધ ધાર્મિક ભાવનાઓ સામે ઠેસ પહોચાડવા જાણી જોઈને રાજપુત સમાજને ઉશ્કેરવા તથા પ્રખર સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની માનહાની બદનામી કરવા સામે ફોજદારી કેસ નોંધવા રજૂઆતના અંતે જણાવાયું છે.